Get The App

દુનિયાને ટેરિફની ધમકી આપતું અમેરિકા ખુદ મંદીની કગાર પર! મૂડીઝે ઉચ્ચારી ગંભીર ચેતવણી

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
દુનિયાને ટેરિફની ધમકી આપતું અમેરિકા ખુદ મંદીની કગાર પર! મૂડીઝે ઉચ્ચારી ગંભીર ચેતવણી 1 - image


USA Economic Crisis Due To Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ અમેરિકાના માથે જ ફૂટ્યો હોવાનો દાવો હવે ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે કર્યો છે. મૂડીઝે રિપોર્ટમાં જણાવ્યું છે કે, અમેરિકા ગંભીર મંદીની કગાર પર પહોંચ્યું છે. અમેરિકાનો 1/3 હિસ્સો પહેલાંથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. એવામાં ટ્રમ્પના વિવિધ દેશો પર ટેરિફ બોમ્બથી અમેરિકાની આર્થિક સ્થિતિ વધુ વણસી છે.

મૂડીઝનું ટ્રમ્પને ઍલર્ટ

મૂડીઝ એનાલિટિક્સના ચીફ ઈકોનોમિસ્ટ માર્ક જેન્ડીએ અમેરિકાને ચેતવણી આપી છે કે, રાજ્ય સ્તરીય આંકડાઓ સંકેત આપી રહ્યા છે કે, અમેરિકાનું અર્થતંત્ર મંદીની કગાર પર પહોંચ્યું છે. અમેરિકાના જીડીપીમાં લગભગ 1/3 યોગદાન આપતાં રાજ્યો મંદીના સંકજામાં છે. અમુક સ્થળોએ મંદીએ ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું છે. ટ્રમ્પ જીડીપી ગ્રોથ અને મોંઘવારીના આંકડાને આર્થિક સફળતાનું પ્રમાણ ગણાવી રહ્યા છે. તેઓ ટેરિફની સકારાત્મક અસર થઈ રહી હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ યુએસએ એક ગંભીર મંદીનો સામનો કરી રહ્યું છે. જેનાથી તેને મોટાપાયે નાણાકીય નુકસાન થઈ શકે છે.

મંદીના સંકજામાં રાજ્ય, નોકરીઓ ખતમ

રિપોર્ટમાં જેન્ડીએ જણાવ્યું હતું કે, અમેરિકાના કુલ જીડીપીમાં યોગદાન આપતાં 1/3 રાજ્યો મંદીનો સામનો કરી રહ્યા છે, જ્યાં મંદીનું સંકટ તોળાઈ રહ્યું છે. સરકારી નોકરીઓમાં ઘટાડાના કારણે આ સંકટ વધુ ઘેરુ બન્યું છે. ઉત્તર-પૂર્વ, મધ્ય-પશ્ચિમ અને વોશિંગ્ટન ડીસી ક્ષેત્રમાં સૌથી વધુ અસર જોવા મળી છે. જ્યાં નોકરીઓ ઘટી રહી છે. ટ્રમ્પ સરકાર બન્યા બાદ જાન્યુઆરીથી મે સુધી વોશિંગ્ટન ડીસીમાં 22,100 સરકારી નોકરીઓ ખતમ થઈ છે.

આ પણ વાંચોઃ 'તમે લોકો અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર... ', પુતિન-કિમ જોંગને સાથે જોઈ અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ

મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ સળંગ છ મહિને ઘટ્યો

ટ્રમ્પ વિવિધ દેશો પર ટેરિફ લાદી અમેરિકામાં જ ઉત્પાદન વધારવા માગે છે. પરંતુ તેનાથી વિપરિત અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ ઘટી રહી છે. ઑગસ્ટ, 2025માં અમેરિકાનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ઘટી 48.7 થયો છે. કારખાનાની સ્થિતિ 2008માં આવેલી મહામંદીના સમય કરતાં પણ વધુ કથળી હોવાનો દાવો મૂડીઝે કર્યો છે. અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ સળંગ છ મહિનાથી ઘટી રહ્યો છે. ત્યાંના કારખાના ટ્રમ્પ સરકારના ટેરિફથી પીડિત છે. જે સ્પષ્ટ સંકેત આપે છે કે, ટેરિફનો અમેરિકાને ફાયદો નહીં પણ નુકસાન થઈ રહ્યું છે. મોંઘવારી વધતાં ઉત્પાદન ખર્ચ વધ્યો છે. તેમજ ટેરિફના કારણે ઘણા દેશો અમેરિકાનો વિકલ્પ શોધી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, વિવિધ રેટિંગ એજન્સી અને અર્થશાસ્ત્રીઓ દ્વારા અમેરિકાની ઈકોનોમીની પરિસ્થિતિ કથળી હોવાનો દાવો કરાયો હોવા છતાં પ્રમુખ ટ્રમ્પ પોતાનો બચાવ કરી રહ્યા છે. તેઓ પોતાની ટ્રેડ પોલિસીનો બચાવ કરતાં ટેરિફનું પગલું દેશના હિત માટે લેવામાં આવ્યું હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે લાંબા સમયે અમેરિકાના ઔદ્યોગિક આધારને પુનર્જિવિત કરવા માટે આ પગલું જરૂરી હોવાનું જણાવ્યું છે.

દુનિયાને ટેરિફની ધમકી આપતું અમેરિકા ખુદ મંદીની કગાર પર! મૂડીઝે ઉચ્ચારી ગંભીર ચેતવણી 2 - image

Tags :