- ટ્રમ્પના મીમ્સે અમેરિકનોને હિટલરની યાદ અપાવી
- ઓબામા અને મિશેલને વાનર તરીકે દર્શાવતા મીમ્સથી હોબાળો થતાં વ્હાઇટ હાઉસે પોસ્ટ હટાવવી પડી, જોકે માફી માંગવાનો ઇનકાર
નવી દિલ્હી : અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા સામે રંગભેદી સોશિયલ મીડિયા પોસ્ટ કરતાં આખા દેશમાં હોબાળો મચી ગયો છે. તેના કારણે વ્હાઇટ હાઉસે આ પોસ્ટ ઉતારી લેવાની ફરજ પડી છે. આ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે અમેરિકાના સૌપ્રથમ બ્લેક પ્રમુખ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાને જંગલના વાનર તરીકે દર્શાવ્યા હતા.
ટ્રમ્પની જ સાઇટ સોશિયલ પરથી વહેતા કરવામાં આવેલા મીમ્સે ફરી પાછી અમેરિકાને શ્વેત રાષ્ટ્રવાદની, માર્ટિન લ્યુથર કિંગની સમાન અધિકારની લડતની અને હિટલરની ત્રણેય વસ્તુઓની યાદ અપાવી દીધી છે. ટ્રમ્પની સોશિયલ મીડિયા સાઇટ્સ પરથી વહેતા થયેલા આ મીમ્સની ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંનેેએ આકરી ટીકા કરી છે. તેના કારણે ભોંઠા પડેલા ટ્રમ્પના સ્ટાફે આ મીમ્સ પાછું ઉતારી લીધું છે, પરંતુ ટ્રમ્પે માફી માંગવાનો તો ધરાર ઇન્કાર કરી દેતા વિવાદનો વંટોળ ફૂંકાયો છે. જો કે ભારે ઉહાપોહના પગલે ભાગ્યે જ ભૂલ કબૂલતા વ્હાઇટ હાઉસે તેમની ભૂલ સ્વીકારવાની ફરજ પડી છે.
આ બતાવે છે કે અમેરિકાના પ્રથમ બ્લેક પ્રેસિડેન્ટ પ્રત્યે વર્તમાન પ્રમુખ ટ્રમ્પ કેટલી હીણી માનસિકતા ધરાવે છે. બરાક ઓબામા સામે ટ્રમ્પ ભૂતકાળમાં પણ ઘણા દાવા કરી ચૂક્યા છે. તેઓ અમેરિકામાં જન્મ્યા નથી ત્યાં સુધીના આક્ષેપ પણ તેમણે પ્રમુખપદની પહેલી ટર્મ વખતે કર્યા હતા, જેના પગલે ઓબામાએ તેમનું અમેરિકામાં હવાઈ ખાતે જન્મ થયો હોવાનુ જન્મ પ્રમાણપત્ર જાહેરમાં આપ્યું હતું.
ટ્રમ્પની આ પોસ્ટ પણ બ્લેક હિસ્ટરી ઓફ ધ મન્થના પ્રથમ પ્રથમ સપ્તાહમાં આવી છે. લગભગ ૬૨ સેકન્ડની આ ક્લિપમાં ૨૦૨૦ની ચૂંટણીમાં વોટિંગ મશીન સાથે છેડછાડ થતી બતાવાય છે અને તેના પછી તેમા જંગલના બે વાંદરા બતાવવામાં આવે છે, તેના ચહેરા પર બરાક ઓબામા અને મિશેલન ઓબામાનો હસતો ચહેરો ફિટ કરી દેવાયો હતો. આ ફ્રેમ પાછી અલગ વિડીયોમાં બનાવવામાં આવી હતી.
તેને પ્રભાવશાળી કન્ઝર્વેટિવ મીમ મેકરે વાઇરલ કરી હતી. તેમા ટ્રમ્પને જંગલનો રાજા બતાવવામાં આવ્યો હતો અને ડેમોક્રેટ્સ આગેવાનોને જંગલના પ્રાણી બતાવવામાં આવ્યા હતા. તેમા જોઈ બાઇડેન શ્વેત હોવા છતાં તેમને વાનર તરીકે કેળુ ખાતા દર્શાવવામાં આવ્યા હતા.
વ્હાઇટ હાઉસની સેક્રેટરી લેવિટે જણાવ્યું હતું કે આ એક ઇન્ટરનેટ મીમ છે અને તેમા પ્રમુખ ટ્રમ્પ જંગલના રાજા છે અને ડેમોક્રેટ્સ આ લાયન કિંગના પાત્રો છે. તેણે ૧૯૯૪માં પ્રદર્શિત થયેલી ડિઝનીની ફિલ્મને ટાંકી હતી. જ્યારે ટ્રમ્પે એર ફોર્સ વનમાંથી જણાવ્યું હતું કે વિડીયો ચૂંટણીની ગેરરીતિનો હતો અને કહેવાનું તાત્પર્ય એ હતું કે ગમે તેટલી ગેરરીતિ કરાઈ, પરંતુ જીત્યો તો હું જ છું. ટ્રમ્પના સમર્થક અને રિપબ્લિકન આગેવાન માર્ક બર્ન્સે જણાવ્યું હતું કે મને આ વિડીયોથી આંચકો લાગ્યો છે અને મેં ટ્રમ્પને ફોન કરીને આ વિડીયા પ્રદર્શિત કરનારા સ્ટાફરને હાંકી કાઢવા જણાવ્યું છે. તે જાણે છે કે આ ખોટું છે, આક્રમક છે અને અસ્વીકાર્ય છે. કોંગ્રેસનલ બ્લેક કોકસ વુમન ક્લાર્કે જણાવ્યું હતું કે ટ્રમ્પ રંગભેદમાં માનનારો છે, તે શ્વેત રાષ્ટ્રવાદી છે અને તે તેના પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન આ બધુ કરવાનું ચાલુ જ રાખશે. તે હિટલરની જેમ જ અમેરિકામાં રંગભેદને માનનારા અને શ્વેત રાષ્ટ્રવાદના પુરસ્કર્તા એવા મોટા વર્ગનું પ્રતીક છે.


