દુનિયાભરમાં ઓઈલની કિંમત વધશે અને ગંભીર પરિણામ ભોગવવા પડશે, ટ્રમ્પના પ્રતિબંધ પર પુતિનનો જવાબ

Putin's Reaction to US Sanctions on Russian Oil Companies : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રશિયાની સૌથી બે મોટી ઓઈલ કંપની રોસનેફ્ટ અને લૂકોઈલ પર પ્રતિબંધ ઝિંકતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને પ્રતિક્રિયા આપી છે. પુતિને કહ્યું છે કે, ‘મેં ટ્રમ્પને કહ્યું છે કે, અમારી ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લાદવામાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થશે. તેમના નિર્ણયથી માત્ર રશિયામાં જ નહીં અમેરિકા સહિત વિશ્વભરમાં તેલ મોંઘુ થઈ શકે છે.’ આ સાથે પુતિને અમેરિકન મિસાઈલ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે.
અમેરિકાના પ્રતિબંધના કારણે તેલની કિંમતો વધશે : પુતિન
પુતિને રશિયન ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ અંગે કહ્યું છે કે, ‘અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે અમારી બે ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેના કારણે પુરવઠો ઘટી જશે અને તેલની કિંમતોમાં વધારો થશે. મેં આ અંગે ટ્રમ્પને માહિતી આપી હતી. અમેરિકાના નિર્ણયથી માત્ર રશિયા જ નહીં અમેરિકા સહિત વિશ્વભરમાં તેલ મોંઘુ થઈ શકે છે.’
રશિયાની બે ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) બંને રશિયાની સૌથી મોટી બે ક્રૂડ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. અમેરિકાએ યુક્રેન યુદ્ધમાં ફન્ડિંગ રોકવાના નામે આ પ્રતિબંધ લાદ્યા છે. આ પ્રતિબંધથી રશિયન સંપત્તિઓને નુકસાન થશે અને તે કંપનીઓ અન્ય દેશોની કંપનીઓ સાથે વેપાર પણ નહીં કી શકે. યુરોપીયન સંઘે પણ અમેરિકા જેવો નિર્ણય લઈને રશિયન ક્રૂડ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે.
ટોમહોક મિસાઈલોથી હુમલો થશે તો અમે કડક જવાબ આપીશું : પુતિન
પુતિને આજે (24 ઓક્ટોબર) કહ્યું છે કે, ‘જો અમારા પર અમેરિકન ટોમહોક મિસાઈલોથી હુમલો થશે તો અમે કડક જવાબ આપીશું. જો કોઈપણ સંઘર્ષ કે વિવાદમાં વાતચીતથી જ શ્રેષ્ઠ નિવેડો આવી શકે છે. અમે હંમેશા વિવાદનો વાતચીત દ્વારા ઉકેલ લાવવાનું સમર્થન કર્યું છે.’

