રશિયાનું નોઆહ્સ આર્ક અવકાશમાં ત્રીસ જૈવિક પ્રયોગો કરીને પાછુ ફર્યું
- ઉંદરો, માખી, છોડ અને સૂક્ષ્મજીવાણુઓ લઈને ગયેલું
- 'નોઆહસ આર્ક' મિશન સ્પેસ ક્રૂ પર કોસ્મિક રેડિયેશનની અસર તેમજ સ્પેસ મેડિસિનની શોધમાં ઉપયોગી બનશે
નવી દિલ્હી : રશિયાના બાયોન-એમ નં. ટુ ઉપગ્રહ, જેને તેના જૈવિક નમૂનાઓના સંગ્રહ માટે નોઆહસ આર્ક કહેવામાં આવે છે, તેણે ૩૦ દિવસના ભ્રમણકક્ષા મિશન પછી ૧૯ સપ્ટેમ્બરના રોજ ઓરેનબર્ગ ક્ષેત્રમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. ૨૦ ઓગસ્ટના રોજ સોયુઝ-૨.૧બી રોકેટ દ્વારા બાયકોનુરથી લોન્ચ કરાયેલા આ ઉપગ્રહે ત્રીસથી વધુ પ્રયોગો કર્યા હતા જેની રચના વજનહીનતા અને કોસ્મિક રેડિયેશન જેવી અવકાશીય પરિસ્થિતિઓમાં જીવો કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે શોધવા માટે કરાઈ હતી.
આ મિશન રશિયન એકેડમી ઓફ સાયન્સીસ રોસ્કોસ્મોસ અને ઈન્સ્ટિટયુટ ઓફ બાયોમેડિકલ પ્રોબ્લમ્સ ઓફ ધી રશિયન એકેડમી ઓફ સાયન્સીસ (આઈબીએમપી)નો સંયુક્ત પ્રયાસ હતું. ૩૭૦-૩૮૦ કિલોમીટરની ઊંચાઈએ ૯૭-ડિગ્રીના ઝોક સાથે ભ્રમણકક્ષામાં બાયોન-એમ નં. ટુ એ ઉંદર, માખીઓ, છોડ અને સૂક્ષ્મજીવાણુઓ સહિતના નમૂનાઓનો અવકાશના કઠોર વાતાવરણ સાથે સંપર્ક કરાવ્યો. ફ્લાઈટ પછીનો પ્રથમ અભ્યાસ લેન્ડિંગ સ્થળે તૈનાત કરાયેલી મેડિકલ ટેન્ટમાં કરાયો હતો અને જૈવિક વસ્તુઓને ૨૦ સપ્ટેમ્બરની મધરાત્રે આઈબીએમપી પ્રયોગશાળામાં મોકલી દેવાઈ હતી.
બાયોન-એમ નંબર ટુના વૈજ્ઞાાનિક કાર્યક્રમમાં દસ *વિભાગો* છે, જેમાં પ્રથમ અને બીજો વિભાગ પ્રાણીઓ પર ગુરુત્વાકર્ષણ શરીરવિજ્ઞાાનના પ્રાયોગિક અભ્યાસ માટે છે, ત્રીજો, ચોથો અને પાંચમો વિભાગ છોડ અને સુક્ષ્મસજીવોની બાયોલોજી પર અવકાશ ઉડાન અને બાહ્ય અવકાશ પરિબળોના પ્રભાવના અભ્યાસ માટે છે જ્યારે છઠ્ઠો, આઠમો અને નવમો વિભાગ બાયોટેકનોલોજીકલ, ટેકનોલોજીકલ, ભૌતિક અને તકનીકી પ્રયોગો માટે છે. સાતમો વિભાગ અવકાશયાન નવા ક્રૂની રેડિયેશન સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે જરૂરી રેડિયોબાયોલોજીકલ અને ડોસીમેટ્રિક પ્રયોગોનું મિશ્રણ છે. દસમો વિભાગ રશિયન ફેડરેશન અને બેલારુસ પ્રજાસત્તાકની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્રયોગો માટે સમપત છે.
લેન્ડરના પુન:પ્રવેશ દરમ્યાન મીટીયોરાઈટ નામનો એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં પૃથ્વી પર જીવન બાહ્ય અવકાશમાંથી આવ્યું હોવાની શક્યતાની તપાસ કરવામાં આવી હતી. બાયોન કેપ્સ્યુલના આવરણમાં સૂક્ષ્મજીવી સ્ટ્રેન ધરાવતા બેસાલ્ટ ખડકોને સમાવિષ્ટ કરાયા હતા જેથી પૃથ્વીના વાતાવરણમાં પુન:પ્રવેશ દરમ્યાન જીવાણુ પ્રચંડ થર્મલ તણાવમાં ટકી શકે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરી શકાય.
આ મહત્વાકાંક્ષી મિશન ખગોળજીવવિજ્ઞાાન અને અવકાશી દવામાં એક મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે. લાંબા ગાળાની ફ્લાઈટ્સ દરમ્યાન અવકાશયાત્રીઓએ સામનો કરવી પડતી પરિસ્થિતિઓનું અનુકરણ કરીને, બાયોન-એમ નંબર ટુના તારણો ઊંડા અવકાશમાં માનવ અસ્તિત્વ માટે ભવિષ્યની ટેકનીકોને આકાર આપી શકે છે.