US-China Tariff Tension : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીનને ધમકી આપી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ચીનના પ્રમુખ શી જિનપિંગની ટીકા કરી છે. તેમના મતે ચીન દુર્લભ ખનિજો પર નિકાસ નિયંત્રણો લાદવા માટે પ્રયાસ કરી રહ્યું છે, જે પછી તેમણે ચીન પર વધુ ટેરિફ લાદવાની ધમકી આપી છે. આ ઉપરાંત ટ્રમ્પે ગુસ્સે થતાં કહ્યું કે, ‘આ મહિનાના અંતમાં શી જિનપિંગ સાથે સુનિશ્ચિત થયેલી મુલાકાત હવે કોઇ કામની નથી. જિનપિંગ સાથે મળવાનું મને હવે કોઈ કારણ દેખાતું નથી.’
જિનપિંગ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દેશેઃ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘ચીનમાં કેટલીક ખૂબ જ વિચિત્ર બાબતો થઈ રહી છે. જિનપિંગ ખૂબ જ આક્રમક બની રહ્યા છે અને વિશ્વભરના દેશોને પત્રો મોકલી રહ્યા છે કે તેઓ દુર્લભ ખનીજો પર નિકાસ નિયંત્રણો લાદવા માંગે છે, ભલે તે ચીનમાં બનેલું ન હોય. આ પહેલાં કોઈએ આવું ક્યારેય જોયું નથી, પરંતુ તેનાથી બજારોને ખૂબ જ નુકસાન થશે. તે સમગ્ર વિશ્વ માટે અને ખાસ કરીને ચીનના લોકો માટે જીવન મુશ્કેલ બનાવી દેશે.’
આ પણ વાંચોઃ 'હું ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર સમર્પિત કરું છું', વિનર મારિયા મચાડોનું મોટું નિવેદન
ટેરિફની ધમકી આપી
ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે આર્થિક દંડની ધમકી પણ આપી છે, તેમણે ચેતવણી આપી છે કે, ‘ચીને જે આદેશ જાહેર કર્યો છે. તેના વિરોધમાં અમેરિકાના પ્રમુખ તરીકે મારે આર્થિક રીતે આદેશ આપવાની ફરજ પડી શકે છે. હું ચીન પાસેથી વસૂલવામાં આવતા ટેરિફમાં વધારો કરવા અંગે પણ વિચારી રહ્યો છું.’
ચીનને દુનિયા પર કબજો કરવાની મંજૂરી નહીં આપું
વધુમાં ટ્રમ્પે કહ્યું હતું કે, મને હંમેશાથી શંકા હતી કે તેઓ રાહ જોઈને બેઠા છે, અને હવે હંમેશની જેમ હું સાચો સાબિત થયો છું. હું ચીનને દુનિયા પર કબજો કરવાની મંજૂરી નહીં આપું. મને લાગે છે કે તેમણે લાંબા સમયથી આ યોજના બનાવી રાખી હતી. તેઓ ‘મેગ્નેટ’ અને અન્ય ધાતુઓની નિકાસ પર નિયંત્રણ લાદીને પોતાની યોજનાની શરૂઆત કરી રહ્યા છે. આ એક ભયંકર અને પ્રતિકૂળ ચાલ છે, પરંતુ અમેરિકા પાસે એકાધિકારની સ્થિતિ પણ છે, જે ચીન કરતા ઘણી મજબૂત અને વધુ દૂરગામી છે. મેં ફક્ત તેનો ઉપયોગ ન કરવાનું પસંદ કર્યું; મારી પાસે અત્યાર સુધી આવું કરવાનું કોઈ કારણ નહોતું.’
હવે જિનપિંગને નહીં મળુંઃ ટ્રમ્પ
તેમણે આગળ લખ્યું કે, ‘જિનપિંગે જે પત્ર મોકલ્યો છે તે ખૂબ લાંબો છે અને તેમાં દરેક ખનીજ વિશે વિગતવાર માહિતી આપી છે જે તેઓ અન્ય દેશોથી છુપાવવા માંગે છે. મેં પ્રમુખ શી સાથે વાત કરી નથી કારણ કે આવું કરવાનું કોઈ કારણ નથી. આ ફક્ત મારા માટે જ નહીં, પરંતુ સ્વતંત્ર વિશ્વના તમામ નેતાઓ માટે એક મોટું આશ્ચર્ય હતું. હું બે અઠવાડિયા પછી દક્ષિણ કોરિયામાં APEC ખાતે જિનપિંગને મળવાનો હતો, પરંતુ હવે મને એવું કરવાનું કોઈ કારણ દેખાતું નથી.’


