'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
Donald Trump Statement on India-Pakistan Conflict: જમ્મુ-કાશ્મીર પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારતે પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે અમુક કડક પગલા લીધા છે. જેનાથી પાકિસ્તાનની ચિંતા વધી રહી છે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના વધતા તણાવને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને તેઓ જાતે જ કોઈ પ્રકારે તેનું સમાધાન કરી લેશે.
ટ્રમ્પ રોમ જવા માટે એરફોર્સ વન વિમાનમાં સવાર હતાં ત્યારે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, 'હું ભારત અને પાકિસ્તાન બંનેની નજીક છું. કાશ્મીરનો મામલો ખૂબ જૂનો છે. 1000 વર્ષ અથવા તેનાથી પણ જૂની આ લડાઈ છે. પહલગામમાં જે થયું તે ખૂબ ખરાબ હતું. ભારત-પાકિસ્તાન વચ્ચે 1500 વર્ષોથી સીમા વિવાદ છે. પરંતુ, મને વિશ્વાસ છે કે, પાકિસ્તાન કોઈ પ્રકારે તેનું સમાધાન લાવી દેશે. હું બંને નેતાઓને ઓળખું છું. તે કોઈના કોઈ રીતે આ મામલાનું સમાધાન લાવી દેશે.'
આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 400 જેટલાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો
જમ્મુ-કાશ્મીરના પહલગામ શહેરની નજીક 'મિની સ્વિટ્ઝરલેન્ડ' નામથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ પર મંગળવારે બપોરે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત નિપજ્યા હતાં. જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019માં પુલવામામાં થયેલા હુમલા બાદ ઘાટીમાં થયેલો આ સૌથી ઘાતક હુમલો હતો.