Get The App

VIDEO: અમદાવાદ-સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO: અમદાવાદ-સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત 1 - image


Ahmedabad Surat 500 Banagladeshi Caught News : પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બંને મોટા શહેરોમાં દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ હજારથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે.  જેમાં અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં અટકાયતમાં લેવાયેલા 400 લોકોને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લઇ જવાયાની વિગતો મળી રહી છે.  



તમામના ડૉક્યુમેન્ટ્સની ચકાસણી શરૂ 

માહિતી અનુસાર હાલમાં 6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 400થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમના શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાની જાણકારી મળી રહી છે. 


VIDEO: અમદાવાદ-સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત 2 - image

મોડી રાતે પોલીસે કરી કાર્યવાહી 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા.

VIDEO: અમદાવાદ-સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત 3 - image

મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે આ તપાસમાં એસઓસી, ઈઓડબ્લ્યૂ અને ઝોન 6 હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 890 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. 

VIDEO: અમદાવાદ-સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત 4 - image

સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી શનિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડા, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીઓ સાખે વીડિયો કોન્ફરન્સ યોજીને અભિયાનના સઘન બનાવવા બાંગ્લાદેશઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. બીજી બાજું શનિવારે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી અભિયાનની વિસ્તૃત વિગત આપી હતી. 

પોલીસ વડાએ આપી માહિતી

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાઈત નેટવર્કની તપાસ ચાલુ છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.

હર્ષ સંઘવીની ચેતવણી

આ સિવાય હર્ષ સંઘવીએ ગેરકાયદે વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી છે, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય ગેરકાયદે ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા હતા. તે અંગે બારીક તપાસ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે. બાંગ્લાદેશીઓ અગાઉ ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે. ચાર ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાંથી બે અલ-કાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાની શંકા છે અને તેમની ગતિવિધિઓની તપાસ ચાલુ છે.

Tags :