'રશિયા પર વધુ પ્રતિબંધો લગાવવાની તૈયારીમાં છું', યુક્રેન યુદ્ધને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન
Donald Trump Big Statement: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી કે તેઓ યુક્રેન યુદ્ધને લઈને રશિયા પર ગૌણ પ્રતિબંધો લગાવવા માટે તૈયાર છે. ટ્રમ્પે રશિયા વિરુદ્ધ આકરું વલણ અપનાવતા કહ્યું કે, આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહી શકે છે, જ્યાં સુધી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ અને શાંતિ કરાર ન થઈ જાય. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે એક દિવસ પહેલા જ રશિયાએ યુક્રેનના ઊર્જા માળખાઓ પર મોટા પ્રમાણમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે.
રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર પૂર્ણ પ્રમાણે આક્રમણ શરૂ કર્યું હતું, જ્યારબાદથી અમેરિકા અને તેના સાથી દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધ લગાવ્યા છે. જેમાં રશિયાને ઓઇલ અને ગેસ વેચીને થતી કમાણીને સીમિત કરવા માટેના ઉપાય સામેલ છે, જેમ કે રશિયન ઓઇલ નિકાસ પર 60 ડોલર પ્રતિ બેરલની મર્યાદા. ટ્રમ્પ વહીવટીતંત્રએ હાલમાં યુક્રેનને સૈન્ય સહાય અને ગુપ્ત માહિતી આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, જ્યારબાદ રશિયાએ યુક્રેન વિરુદ્ધ હુમલાઓને વધારી દીધા.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશોને ટેરિફથી રાહત આપવાનું કર્યું એલાન, જાણો તેમણે શું કરવું પડશે?
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે, 'રશિયા હાલના સમયે યુક્રેનને યુદ્ધના મેદાનમાં ખરાબ રીતે કચડી રહ્યું છે. હું મોટા પ્રમાણમાં બેન્કિંગ પ્રતિબંધ, અન્ય પ્રતિબંધ અને ટેરિફ પર વિચાર કરી રહ્યો છું, જ્યાં સુધી કે યુદ્ધ વિરામ અને અંતિમ શાંતિ કરાર ન થઈ જાય. રશિયા અને યુક્રેન મોડું થાય તે પહેલા ટેબલ પર આવે.' અમેરિકન રાષ્ટ્રપ્રમુખની રશિયા પર ગૌણ પ્રતિબંધો લગાવવાની જાહેરાત વૈશ્વિક રણનીતિમાં તણાવ પેદા કરી શકે છે, કારણ કે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે અગાઉથી જ તણાવ ચરમ પર છે. આ પગલાથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ઊર્જા બજાર પર પણ અસર પડી શકે છે.