ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશોને ટેરિફથી રાહત આપવાનું કર્યું એલાન, જાણો તેમણે શું કરવું પડશે?
Donald Trump Announced Tariff Relief For These Countries: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે, જેના હેઠળ સોમવાર (8 ઓગસ્ટ, 2025)થી એવા ટ્રેડિંગ પાર્ટનર દેશોને ટેરિફમાંથી રાહત આપવામાં આવશે જેઓ અમેરિકા સાથે ઔદ્યોગિક નિકાસ પર કરાર કરશે. આ મુક્તિનો લાભ ખાસ કરીને નિકલ, સોનું, ફાર્માસ્યુટિકલ કમ્પાઉન્ડ અને કેમિકલ્સ જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ પર આપવામાં આવશે. તેનો હેતુ વૈશ્વિક વેપાર પ્રણાલીનું પુનર્ગઠન કરવાનો, અમેરિકન વેપાર ખાધ ઘટાડવાનો અને ટ્રેડિંગ પાર્ટનરોને વધુ કરાર કરવા માટે પ્રેરિત કરવાનો છે.
નવા આદેશમાં શું ખાસ છે?
ટ્રમ્પ વહીવટીતંત્રના આ આદેશ હેઠળ 45થી વધુ વસ્તુની કેટેગરી સામેલ છે, જેના પર અલાઈન્ડ પાટનર્સને શૂન્ય આયાત ટેરિફ મળશે. આ ભાગીદારો એવા દેશો હશે જે યુએસ સાથે ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કરશે અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફ અને ડ્યુટી ઘટાડવાનું વચન આપશે. આ પગલું જાપાન, યુરોપિયન યુનિયન (EU) સહિત યુએસના હાલના સાથી દેશો સાથે કરવામાં આવેલા કરારો સાથે પણ સુસંગત છે. આ રાહત સોમવારે રાત્રે 12 વાગ્યાથી લાગુ થઈ જશે.
કઈ વસ્તુઓ પર મળશે છૂટ
વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે ટેરિફમાં ઘટાડો એવી વસ્તુઓ પર લાગુ થશે જે અમેરિકામાં ઉગાડેલી, ખાણકામ અથવા કુદરતી રીતે ઉત્પન્ન કરી શકાતી નથી અથવા જેનું સ્થાનિક ઉત્પાદન અપૂરતું છે. આ મુક્તિ વાળી વસ્તુઓમાં કુદરતી ગ્રેફાઈટ, વિવિધ પ્રકારના નિકલ (જે સ્ટેનલેસ સ્ટીલ અને ઈલેક્ટ્રિક વાહન બેટરી માટે જરૂરી છે), ફાર્માસ્યુટિકલ કમ્પાઉન્ડ જેવા લિડોકેન અને મેડિકલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટીંગના રીયાજેન્ટ્સ સામેલ છે. આ ઉપરાંત સોનાની અલગ વસ્તુઓ પાવડર, પાંદડા અને બુલિયન પણ આ રાહતમાં શામેલ છે.
આ આદેશમાં અમુક વિશેષ કૃષિ ઉત્પાદનો, એરક્રાફ્ટ અને તેના પાર્ટ તથા પેટન્ટ વગરની ફાર્માસ્યુટિકલ વસ્તુઓ માટે પણ મુક્તિ આપવામાં આવી છે. આદેશ હેઠળ એક વાર અનુરૂપ કરાર થયા બાદ નવા એક્ઝિક્યુટિવ ઓર્ડરની જરૂર વગર યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR), વાણિજ્ય વિભાગ અને કસ્ટમ અધિકારી સ્વતંત્ર રૂપે આ વસ્તુઓ પર ટેરિફ માફ કરશે. આ સાથે જ આ નવા આદેશે પહેલા આપવામાં આવેલી એ છૂટને પણ રદ કરી દીધી છે, જેમાં પ્લાસ્ટિક અને પોલિસિલિકોન (સોલર પેનલ માટે જરૂરી સામગ્રી) સામેલ છે.
વર્તમાન સ્થિતિ અને અસર
સ્વિટ્ઝર્લૅન્ડ જેવા પ્રમુખ સપ્લાયર દેશો જેમને હજુ સુધી વોશિંગ્ટન સાથે કરાર નથી મળ્યો તેમના પર 39% ટેરિફ લાગુ છે. આ પગલાનો ઉદ્દેશ્ય એવા માલ પર યુએસની નિર્ભરતા ઘટાડવાનો છે જેનું ઉત્પાદન સ્થાનિક સ્તરે પૂરતા પ્રમાણમાં થઈ શકતું નથી. નવા ઓર્ડરની વૈશ્વિક વેપાર પર મોટી અસર પડશે અને યુએસ ઔદ્યોગિક હિતોનું રક્ષણ કરવામાં પણ મદદ મળશે.