ટ્રમ્પના આરોગ્યને લઈને મનોવૈજ્ઞાનિકોનો ગંભીર દાવો! આ માનસિક બીમારીના લક્ષણ દેખાયા
Donald Trump Health: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક અને શારીરિક સ્થિતિને લઈને ફરી એક વખત ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ડૉ. હેરી સેગલ અને ડૉ. જોન ગાર્ટનરે તાજેતરમાં જ પોતાના કાર્યક્રમ 'થિંકિંગ ટ્રમ્પ'માં દાવો કર્યો હતો કે, 79 વર્ષીય ટ્રમ્પમાં ડિમેન્શિયા (સ્મૃતિ ભ્રંશ)ના સ્પષ્ટ લક્ષણો દેખાઈ રહ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, ટ્રમ્પની સ્થિતિ ધીમે-ધીમે ખરાબ થઈ રહી છે અને એવું બની શકે કે, તેઓ ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા (FTD) થી પીડિત હોઈ શકે છે. આ બીમારી મગજના આગળના અને બાજુના ભાગોને અસર કરે છે, જેના કારણે વ્યક્તિના વર્તન, ભાષા અને મોટર સ્કિલ્સ પર અસર પડે છે.
ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની મુલાકાતનો વીડિયો વાયરલ
ડૉ. ગાર્ટનરે કહ્યું કે, 'ટ્રમ્પની સાયકો-મોટર ફંક્શનિંગ સ્પષ્ટપણે ખરાબ થઈ ગઈ છે. FTDનું એક લક્ષણ હોય છે, જેને વાઈડ-બેઝ્ડ ગેટ કહેવામાં આવે છે. આમાં ચાલતી વખતે એક પગ અસામાન્ય રીતે ગડમગી જાય છે.' તાજેતરમાં અલાસ્કામાં ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. આમાં ટ્રમ્પ રેડ કાર્પેટ પર ચાલતી વખતે ડગમગતા જોવા મળ્યા હતા. ડૉ. ગાર્ટનરે કહ્યું કે, 'તેમનો જમણો પગ તેમને ડાબી તરફ ધકેલી રહ્યો હતો અને પછી તેઓ તેને સંતુલિત કરવાના પ્રયાસમાં બીજી તરફ જઈ રહ્યા હતા. જો આ ડ્રંક-ડ્રાઈવિંગ ટેસ્ટ હોત તો તેઓ ફેલ થઈ ગયા હોત.' ડૉ. સેગલ પણ આ સાથે સંમત થયા અને કહ્યું કે, 'ટ્રમ્પ નશામાં નહોતા, છતાં તેઓ તેમના પગ પરનો કાબુ ગુમાવી રહ્યા હતા.
ટ્રમ્પના વર્તન અને ચાલમાં ફેરફાર
ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા (FTD)ડિમેન્શિયાનો એક અસામાન્ય પ્રકારનો છે જે મગજના આગળના અને ટેમ્પોરલ ભાગોને અસર કરે છે. તે વ્યક્તિના વર્તન, લાગણીઓ, સામાજિક સંપર્ક અને ભાષા પર તેની અસર પડે છે. આ બીમારી ધીમે-ધીમે આગળ વધે છે અને વર્ષોમાં ગંભીર રૂપ લઈ લે છે. મુખ્ય લક્ષણોમાં વર્તનમાં ફેરફાર, નિર્ણય લેવાની ક્ષમતાનો અભાવ, અજીબો-ગરીબ ચાલ અને ભાષા સબંધિત સમસ્યાઓ સામેલ છે. ટ્રમ્પનું તાજેતરનું વર્તન અને ચાલમાં આવેલા ફેરફારો આ લક્ષણો સાથે મેળ ખાય છે.
ટ્રમ્પની પ્રતિક્રિયા અને મેડિકલ દાવા
આ દાવાઓ છતાં ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર પોતાની સંજ્ઞાનાત્મક ક્ષમતાઓની પ્રશંસા કરતા આવ્યા છે. એપ્રિલમાં પોતાની વાર્ષિક મેડિકલ તપાસ બાદ તેમણે દાવો કર્યો હતો કે, મેં સંજ્ઞાનાત્મક પરીક્ષણમાં સૌથી વધુ સ્કોર મેળવ્યો છે. જોકે, ડૉ. સેગલ અને ડૉ. ગાર્ટનરનું કહેવું છે કે, આ પરીક્ષણ ખૂબ જ સરળ છે અને તેને પાસ કરવું એ મોટી સિદ્ધિ ગણી શકાય નહીં. તેઓ માને છે કે ટ્રમ્પનું તાજેતરનું વર્તન અને ચાલ-ઢાલ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા તરફ ઈશારો કરી રહ્યું છે.