દક્ષિણ ચીન સાગરમાં રહસ્યમય દુર્ઘટના: અડધો જ કલાકમાં અમેરિકાનું ફાઈટર જેટ અને હેલિકોપ્ટર ક્રેશ

America Helicopter And Fighter Crash: દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાની નેવીને રવિવારે (26મી ઓક્ટોબર) બે અલગ-અલગ અને ગંભીર હવાઈ અકસ્માતોનો સામનો કરવો પડ્યો, જેમાં એક હેલિકોપ્ટર અને એક ફાઈટર જેટ સમુદ્રમાં ક્રેશ થયા હતા. જો કે, રાહતની વાત એ છે કે બંને ઘટનાઓમાં સામેલ પાંચેય ક્રૂ મેમ્બરને અમેરિકાની ટીમોએ ઝડપથી અને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આ ઘટનાઓ એવા સમયે બની છે જ્યારે અમેરિકા આ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ સમુદ્ર વિસ્તારમાં પોતાની હાજરીનો દાવો કરી રહ્યું છે.
યુએસએસ નિમિત્ઝ પરથી ઉડાન ભરતી વખતે દુર્ઘટના
અમેરિકાની પેસિફિક ફ્લીટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનાઓ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ નિમિત્ઝ પરથી ઓપરેશન દરમિયાન બની હતી.
પ્રથમ ઘટના (હેલિકોપ્ટર): રવિવારે બપોરે 2:45 વાગ્યે, "બેટલ કેટ્સ" સ્ક્વોડ્રન 73નું MH-60R સી હોક હેલિકોપ્ટર ઓપરેશન દરમિયાન ક્રેશ થયું. કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ-11ની તપાસ અને બચાવ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરીને હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવ્યા હતા.
બીજી ઘટના (ફાઈટર જેટ): આ ઘટનાના અડધો જ કલાકમાં "ફાઇટીંગ રેડહોક્સ" સ્ક્વોડ્રન 22નું F/A-18F સુપર હોરનેટ ફાઇટર જેટ પણ તે જ જહાજ પરથી ઉડાન ભર્યા પછી સમુદ્રમાં ક્રેશ થયું. જેટમાં સવાર બંને પાઇલટ્સ સમયસર પેરાશૂટ દ્વારા બહાર નીકળવામાં સફળ રહ્યા અને તેમને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાયા.
આ પણ વાંચો: 8 મિનિટમાં 8 અબજથી વધુના ઘરેણાં ચોરનારો ચોર પકડાયા? પેરિસના મ્યૂઝિયમમાં કરી હતી લૂંટ
પાંચેય ક્રૂની હાલત સ્થિર, તપાસ શરૂ
અમેરિકી નેવીના જણાવ્યા મુજબ, બચાવવામાં આવેલા પાંચેય કર્મચારીઓની હાલત સ્થિર છે અને તેમને વધુ તબીબી મૂલ્યાંકન માટે મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં બંને અકસ્માતોના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે, સુરક્ષા પ્રોટોકોલ હેઠળ યુએસએસ નિમિત્ઝ પરથી થતી તમામ ઓપરેશનલ કામગીરીની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે.

