ટ્રમ્પ સાથેની વાતચીત બાદ રશિયાનો નવો વળાંક! ઈરાન મુદ્દે પુતિનના પ્રસ્તાવો હજુ ટેબલ પર, ક્રેમલિનનું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Israel Iran War: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ક્રેમલિન અને વોશિંગ્ટન વચ્ચે રાજદ્વારી ગરમાવો વધ્યો છે. રશિયાએ ઈરાન સંઘર્ષમાં મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવી છે. રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતિને આ બાબતે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યા છે. જો કે, ટ્રમ્પે રશિયાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઈરાન પહેલાં રશિયાએ યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કરી પોતાની વિશ્વસનીયતા સાબિત કરવી જોઈએ. બીજી તરફ રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતિને ઈરાન સંઘર્ષમાં મધ્યસ્થી માટે વિવિધ વિકલ્પો રજૂ કર્યા છે અને આ પ્રસ્તાવો હજુ પણ વિચારાધીન છે.
'ઘણા પ્રસ્તાવો હજુ પણ વિચારાધીન': રશિયા
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે, 'રશિયા પોતાની ક્ષમતા અનુસાર સહાય કરવા માટે તૈયાર છે અને તેમ કરવામાં તેને આનંદ થશે, પરંતુ તમે જાણો છો કે આ માટે અનેક પ્રકારની સમજૂતીઓ અને કરારોની જરૂર છે, તેથી આપણે થોડી ધીરજ રાખવી પડશે.' 'આ સ્થિતિની શરૂઆતથી જ સૈન્ય તબક્કો શરૂ થાય તે પહેલાં જ રાષ્ટ્ર પ્રમુખ પુતિને તણાવ ઘટાડવામાં મદદ કરવા માટે મધ્યસ્થી અને સદભાવનાના પ્રયાસોના અનેક વિકલ્પો પ્રસ્તાવિત કર્યા છે. તેમાંથી ઘણા પ્રસ્તાવો હજુ પણ વિચારાધીન છે,'
ટ્રમ્પે કસ્યો તંજ
પેસ્કોવે આ વાત પુતિન દ્વારા અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કર્યાના એક દિવસ બાદ કહી હતી, જેમાં ક્રેમલિનના જણાવ્યા અનુસાર, ઈરાનમાં યુદ્ધનો વહેલી તકે અંત લાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રસ્તાવો શેર કરવામાં આવ્યા હતા. પરંતુ પેસ્કોવે પ્રસ્તાવોની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ, ટ્રમ્પે સોમવારે (9 માર્ચ, 2026) પત્રકારોને જણાવ્યું હતું કે પુતિન ઈરાન સંઘર્ષમાં 'મદદરૂપ બનવા માંગે છે', પરંતુ તેમણે ક્રેમલિન નેતાને કહ્યું કે 'તમે યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવીને વધુ મદદરૂપ સાબિત થઈ શકો છો.'
રશિયાને ઈરાનને ગુપ્ત માહિતી આપી રહ્યું હોવાનો દાવો
ઈરાન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરાર ધરાવતા રશિયાએ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ શરૂ કરાયેલા યુદ્ધની કડક શબ્દોમાં નિંદા કરી હતી. જો કે, એક મુખ્ય ઉર્જા નિકાસકાર હોવાને કારણે, તેને તેલના ભાવમાં થયેલા વધારાથી ફાયદો થયો છે. બીજી બાજુ ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફે દાવા સાથે રશિયાને ઈરાનને ગુપ્ત માહિતી ન આપવા અનુરોધ કર્યો હતો, કારણ કે વોશિંગ્ટન પોસ્ટમાં જણાવાયું હતું કે મોસ્કો પશ્ચિમ એશિયામાં અમેરિકન સેના પર હુમલો કરવામાં મદદ કરવા માટે તેહરાનને લક્ષ્યાંકિત ડેટા પૂરો પાડી રહ્યું હતું.
જેના જવાબમાં રશિયન પ્રવક્તા પેસ્કોવે જણાવ્યું હતું કે, રશિયા આવા અહેવાલો પર કોઈ ટિપ્પણી કરી રહ્યું નથી, અને તેમણે તે જણાવવાનો ઇનકાર કર્યો હતો કે પુતિન-ટ્રમ્પની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠ્યો હતો કે કેમ. વિટકોફના નિવેદન વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું, 'હું એટલું જ કહી શકું છું કે સ્ટીવ વિટકોફ ખરેખર તેમના રશિયન વાટાઘાટકારો સાથે સતત સંપર્કમાં છે, અને સંચારની આ ચેનલ તેમને સૌથી સંવેદનશીલ મુદ્દાઓ પર એકબીજાને સંકેત આપવાની મંજૂરી આપે છે.'









