US Israel Iran War: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા 28 ફેબ્રુઆરીએ ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરી રહ્યું છે. આજે મંગળવારે આ યુદ્ધનો 11મો દિવસ છે. ઈરાન એવા દેશોને નિશાન બનાવી રહ્યું છે જ્યાં અમેરિકી સૈન્ય મથકો આવેલા છે, જેના કારણે આ યુદ્ધ એક બે નહીં પણ 14 દેશોમાં ફેલાઈ ગયું છે. આ યુદ્ધના લીધે તેલ અને ગેસના બજારમાં હાહાકાર મચી ગયો છે. જે કારણે યુદ્ધમાં સીધી રીતે માત્ર 14 દેશો સામેલ છે, પરંતુ તેની ઘાતક અસર વિશ્વના મોટાભાગ દેશો પર પણ જોવા મળી રહી છે.
'આ યુદ્ધ જલ્દી પૂરું થશે': ટ્રમ્પ
આ યુદ્ધની સૌથી મોટી અસર ક્રૂડ(કાચું તેલ)ના બજાર પર પડી છે. સોમવારે કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 120 ડોલરની આસપાસ પહોંચી ગઈ હતી. જોકે, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ અંગેની ભવિષ્યવાણી બાદ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં, તેલના ભાવ ગત મહિનાની સરખામણીએ ઊંચા રહ્યા છે. યુદ્ધને કારણે ગેસ પુરવઠો પણ ખોરવાયો છે. ટ્રમ્પે કહ્યું છે કે આ યુદ્ધ જલ્દી પૂરું થશે, પરંતુ આ અઠવાડિયે નહીં. જેનો અર્થ છે કે આ અઠવાડિયા સુધી યુદ્ધ ચાલુ રહેશે.
ક્યાં સુધી ફેલાયું છે યુદ્ધ?
યુદ્ધ શરૂ થયા બાદ ઈરાન એ દેશો પર હુમલા કરી રહ્યું છે જ્યાં અમેરિકી સૈન્ય ઠેકાણા છે. આ યુદ્ધમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા ઉપરાંત સાયપ્રસ, લેબનોન, ઈરાક, કુવૈત, જોર્ડન, બહેરીન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), સીરિયા, કતાર અને ઓમાનનો પણ સમાવેશ થાય છે. ઈરાને આ દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. બીજી તરફ, અમેરિકા અને ઈઝરાયેલ એવા દેશો પર હુમલા કરી રહ્યા છે જ્યાં ઈરાનના સહયોગી સંગઠનો સક્રિય છે.
યુદ્ધ હવે પશ્ચિમ એશિયાની બહાર નીકળ્યું
આ યુદ્ધ હવે પશ્ચિમ એશિયાની બહાર પણ નીકળી ગયું છે. અઝરબૈજાને ઈરાન પર ડ્રોન હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે નાકિચિવા વિસ્તારમાં થયેલા ડ્રોન હુમલામાં તેના બે નાગરિકો ઘાયલ થયા છે, જો કે ઈરાન આવા કોઈ પણ હુમલાનો ઈનકાર કરી રહ્યું છે. બીજી તરફ, અમેરિકાએ 4 માર્ચે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે તેની એક સબમરીને હિંદ મહાસાગરમાં 'દેના' નામના ઈરાની યુદ્ધજહાજ પર ટોર્પિડોથી હુમલો કરીને તેને ડુબાડી દીધું હતું. આ હુમલો શ્રીલંકાના ગાલે શહેર પાસે સવારે પાંચ વાગ્યાની આસપાસ થયો હતો, જેમાં 80થી વધુ નૌસૈનિકોના મોત થયા હતા. શ્રીલંકાએ બચાવ કામગીરી હાથ ધરી ઈરાનના અનેક નૌસૈનિકોને બચાવ્યા હતા, જેમની સારવાર શ્રીલંકામાં ચાલી રહી છે. આ સિવાય સાયપ્રસના એક ટાપુ પર આવેલા બ્રિટિશ એરબેઝને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. અધિકારીઓનું માનવું છે કે આ હુમલો લેબનોનમાં સ્થિત હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો હતો.

ચારેય તરફ મોતનું માતમ
આ યુદ્ધમાં અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. કતારની ન્યૂઝ ચેનલ અલ જઝીરાના લાઈવ ટ્રેકર મુજબ, ઈઝરાયલ અને અમેરિકાના હુમલામાં ઈરાનમાં 9 માર્ચ સુધીમાં 1255 લોકોના મોત થયા છે. તેવી જ રીતે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અમેરિકાના 8 સૈનિકોના મોત થયા છે, જ્યારે ઈઝરાયલમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય લેબનોનમાં 394, ઈરાકમાં 6, જોર્ડનમાં 14, કુવૈતમાં 6, બહેરીનમાં 1, કતારમાં 16, યુએઈમાં 4, સાઉદી અરેબિયામાં 2 અને ઓમાનમાં 1 વ્યક્તિનું મોત થયું છે.
યુદ્ધને કારણે તેલ બજારમાં હાહાકાર
યુદ્ધના કારણે તેલના ઉત્પાદન અને તેના પરિવહન પર ખૂબ જ માઠી અસર જોવા મળી છે. સોમવારે કાચા તેલની કિંમતો પ્રતિ બેરલ 120 ડોલરની નજીક પહોંચી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય તેલ માનક બ્રિન્ટ ક્રૂડની કિંમત સવારે ઉછળીને 119.50 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. મંગળવારે બપોરે એક વાગ્યા સુધી ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 87 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી. આ મહિનામાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં લગભગ 35 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઈંધણના ભાવમાં થયેલો વધારો આર્થિક દબાણ લાવે છે, જેનાથી સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોંઘવારી વધે છે. તેલની કિંમતો વધવાને કારણે પરિવહન ખર્ચ વધે છે, વીજળી અને બાંધકામ મોંઘા થાય છે, તેમજ ખોરાક, ઈંધણ અને ગ્રાહકલક્ષી ચીજવસ્તુઓના ભાવ પણ વધી જાય છે. જો , અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ વહેલું સમાપ્ત થવાની આશા વ્યક્ત કરી છે, જેનાથી તેલ બજારમાં થોડી સ્થિરતા જોવા મળી છે.
તેલના ઉત્પાદન અને હેરાફેરી પર ગંભીર અસર
દુનિયાના 20 ટકા તેલની અવરજવર હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) દ્વારા થાય છે. ઈરાને તેને અમેરિકા અને યુરોપ માટે બંધ કરી દીધી છે. આ માર્ગે થતો પુરવઠો ખોરવાતા કાચા તેલની કિંમતોમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. ભારતની કાચા તેલની આયાતનો લગભગ 27 લાખ બેરલ પ્રતિ દિવસનો હિસ્સો આ જ માર્ગે આવે છે. આ તેલ ઈરાક, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કુવૈતથી આવે છે. આ ઉપરાંત, ઈરાને ખાડીના એ દેશોના તેલના કૂવાઓ અને રિફાઈનરીઓને નિશાન બનાવી છે જ્યાં અમેરિકન સૈન્ય ઠેકાણા આવેલા છે. ઈરાનના આ હુમલાઓએ તેલના ઉત્પાદન અને તેની હેરાફેરી પર મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે.

G-7 દેશો પોતાના રિઝર્વ ભંડારમાંથી તેલ આપશે
તેલ બજાર પર વધતા દબાણ વચ્ચે એ પણ સમાચાર છે કે G-7 દેશો તેમના વ્યૂહાત્મક તેલ અનામત (Strategic Oil Reserve)માંથી લગભગ 400 મિલિયન બેરલ તેલ મુક્ત જાહેર કરી શકે છે. દાવાઓ મુજબ, આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA) એ G-7 દેશોને તેમના રિઝર્વને તબક્કાવાર રીતે ખોલવા માટે કહ્યું છે. IEA ના સભ્યોમાં 30 દેશો સામેલ છે, જેઓ પોતાની ત્રણ મહિનાની જરૂરિયાત જેટલું તેલ રિઝર્વમાં રાખે છે. યુદ્ધની આ ગંભીર અસર છે કે G-7 દેશોને તેમના રિઝર્વમાંથી તેલ બજારમાં લાવવાની ફરજ પડી રહી છે.
આ તેલ સંકટની અસર અનેક દેશો પર જોવા મળી રહી છે. ભારતે રાંધણ ગેસના રેશનિંગ તરફ પગલાં ભર્યા છે. સરકારે તેલ અને ગેસ કંપનીઓને ઘરેલું ગ્રાહકોને પુરવઠામાં પ્રાથમિકતા આપવા નિર્દેશ આપ્યો છે. બીજી તરફ શનિવારે રાંધણ ગેસ સિલિન્ડર (LPG) ના ભાવમાં 60 રૂપિયા અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સિલિન્ડર બુકિંગની મર્યાદા 14 દિવસથી વધારીને 21 દિવસ કરવામાં આવી છે. જો કે, ડીઝલ-પેટ્રોલ અંગે હજુ સુધી આવી કોઈ ગાઈડલાઈન સામે આવી નથી.
પાકિસ્તાને કર્યો ઐતિહાસિક વધારો
પડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે તેલ સંકટને પહોંચી વળવા માટે એક ડઝનથી વધુ ઉપાયોની જાહેરાત કરી હતી. આ પગલાંઓમાં સરકારી કર્મચારીઓની ઓફિસ હાજરી 50 ટકા કરવી અને ઓફિસોને અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખોલવા જેવા નિર્ણયો સામેલ છે. આ ઉપરાંત, આગામી બે મહિના સુધી સરકારી ખર્ચમાં 20 ટકાનો કાપ અને સરકારી વાહનો માટે ઈંધણનો વપરાશ અડધો કરવાનો પણ સમાવેશ થાય છે. શાહબાઝ સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 55 રૂપિયાના વધારાની જાહેરાત કરી હતી, જે પાકિસ્તાનમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.
બાંગ્લાદેશમાં સરકારી ખાનગી યુનિવર્સિટીઓ બંધ
તેલના સંકટને પહોંચી વળવા બાંગ્લાદેશે પણ અનેક પગલાં લીધાં છે. તે અંતર્ગત દેશની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે. તેની સાથે તેલ અને ગેસનું રેશનિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ ઈદની રજાઓ વહેલી લાગુ કરી દીધી છે. આ નિર્ણય વીજળી અને ઈંધણની બચત માટે લેવામાં આવ્યો છે, જેનાથી વીજ વપરાશ ઘટશે અને ટ્રાફિક જામ ઓછો થતા ઈંધણનો બગાડ અટકશે.
દક્ષિણ કોરિયાએ પ્રાઈસ કેપ લગાવ્યું
એશિયાની અગ્રણી અર્થવ્યવસ્થા દક્ષિણ કોરિયા તેની ઈંધણ જરૂરિયાતો માટે મોટાપાયે આયાત પર નિર્ભર છે. ત્યાંના રાષ્ટ્ર પ્રમુખ લી જે મ્યુંગે સોમવારે ઈંધણના ભાવવધારાને નિયંત્રિત કરવા માટે ઘરેલું ઈંધણના ભાવ પર મર્યાદા (પ્રાઈસ કેપ) લાદવાની જાહેરાત કરી હતી. દક્ષિણ કોરિયામાં 30 વર્ષમાં પ્રથમ વખત આ પ્રાઈસ કેપ લગાવવામાં આવી છે.
યુદ્ધની એવિએશન સેક્ટર પર કેટલી અસર?
આ યુદ્ધે ભારત સહિત વિશ્વના એવિએશન સેક્ટરને સંકટમાં મૂકી દીધું છે. અનેક દેશોના એરસ્પેસ બંધ થવાને કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરવી પડી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. સોમવારે વિશ્વભરમાં એરલાઇન કંપનીઓના શેર ગગડ્યા હતા, જ્યારે હવાઈ ટિકિટના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો. તેલની કિંમતોમાં વધારાને કારણે એવિએશન સેક્ટરમાં મોટી મંદી અને વિમાનો ગ્રાઉન્ડ થવાની આશંકા છે. રવિવારે જ યુદ્ધના કારણે ભારતીય કંપનીઓએ 279 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરી હતી. સિરીયમના આંકડા પ્રમાણે, 28 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે મધ્ય પૂર્વમાં આવતી-જતી 40 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. યુદ્ધ શરૂ થયા પછી ઈરાન, ઈરાક, UAE, સાઉદી અરેબિયા, કતાર, બહેરીન અને કુવૈતના એરસ્પેસ બંધ છે. તેની સીધી અસર ભારતના પશ્ચિમ એશિયાના માર્ગ પર પડી છે, જ્યાંથી ભારતની લગભગ 50 ટકા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે. સ્પાઈસ જેટ, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને અકાસા એરની મોટાભાગની ફ્લાઈટ્સ મધ્ય-પૂર્વના રૂટ પર છે. એરસ્પેસ બંધ થવાને કારણે ભારતીય ફ્લાઈટ્સને લાંબો રૂટ લેવો પડે છે, જેનાથી ખર્ચ વધ્યો છે. એરલાઈન્સે વધારાના ઈંધણ સાથે ઉડાન ભરવી પડે છે અથવા વચ્ચે રોકાવું પડે છે, જેનાથી વધારાનો આર્થિક બોજ પડ્યો છે.
ATFની કિંમતો વધવાની અસર
ભારતમાં એરલાઈન્સના કુલ ખર્ચનો લગભગ 40 ટકા હિસ્સો એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) પાછળ ખર્ચાય છે. હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાથી કાચા તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. માર્ચ 2026 માં ATFની કિંમત વધીને 96,638 રૂપિયા પ્રતિ કિલો લિટર થઈ ગઈ છે, જે ફેબ્રુઆરીની સરખામણીમાં 6 ટકા વધુ છે. એરલાઈન કંપનીઓ ટિકિટના ભાવ વધારીને આ ખર્ચની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જો કિંમતો ઓછી નહીં થાય તો નફાકારકતા ઘટશે. એશિયન એરલાઇન કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. કોરિયન એર લાઈન્સના શેર 8.6 ટકા, એર ન્યુઝીલેન્ડના 7.8 ટકા અને કેથે પેસિફિકના શેર પાંચ ટકા ગગડ્યા હતા. યુરોપ અને અમેરિકાની મોટી એરલાઇન્સના શેરોમાં પણ ઘટાડો નોંધાયો છે. આ સાથે જ હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ છે. ભારતમાં ન્યૂયોર્ક-દિલ્હી રૂટનું ભાડું જે સામાન્ય રીતે 45 હજારથી 1 લાખ વચ્ચે હોય છે, તે વધીને 1.35 લાખથી 2.25 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.


