US-Iran War Tensions : અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ હવે અત્યંત ભયાનક સ્થિતિ પર પહોંચી ગયો છે. ઈરાને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેહરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો તેને 'ઓલ-આઉટ વોર' માનવામાં આવશે અને તેનો જવાબ અત્યંત ભયાનક હશે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના એક કમાન્ડરે પણ ચેતવણી આપી છે કે, તેમની આંગળી ટ્રિગર પર છે.
‘જો આ વખતે હુમલો થયો તો...’
મીડિયા રિપોર્ટ મુજબ, એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમેરિકા ભલે તેને સર્જિકલ સ્ટ્રાઈક કે સીમિત સૈન્ય કાર્યવાહી ગણાવે, પરંતુ ઈરાન તેને સીધું યુદ્ધ જ ગણશે. જો આ વખતે હુમલો થયો તો અમે અમારી પાસે રહેલા તમામ હથિયારો અને શક્તિનો ઉપયોગ કરીશું અને અમેરિકાને સૌથી કઠોર જવાબ આપીશું.’
અમેરિકાના યુદ્ધ જહાજો અને ફાઈટર જેટો ઈરાન તરફ રવાના
બીજી તરફ, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ (US President Donald Trump)ના દાવા મુજબ અમેરિકી યુદ્ધ જહાજોનો મોટો કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકી એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન અને ટોમહોક મિસાઈલથી સજ્જ ત્રણ વિનાશક જહાજો મધ્ય પૂર્વમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકી વાયુસેનાએ પણ ડઝનબંધ F-15E ફાઈટર જેટ મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો : ભારતની મુલાકાત બાદ UAEના પ્રમુખે પાકિસ્તાનને આપ્યો ઝટકો, જાણો શું થયું
ઈરાની સેના 'હાઈ એલર્ટ' પર
ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશની સેના કોઈ પણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે હાઈ એલર્ટ પર છે. ઈરાનનું કહેવું છે કે, સતત અમેરિકી દબાણ હેઠળ રહેતા દેશ પાસે પોતાની રક્ષા માટે તમામ વિકલ્પો ખુલ્લા રાખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઈરાનના સશસ્ત્ર દળોના પ્રવક્તાએ તો ત્યાં સુધી કહ્યું છે કે, ‘જો ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ (Iran Supreme Leader Ali Khamenei) વિરુદ્ધ કોઈ પણ પગલું લેવાશે તો આખી દુનિયાને આગમાં ઝોંકી દેવામાં આવશે.’
ઈરાનના માથે બેવડો પડકાર
એકતરફ ઈરાનમાં સરકાર વિરોધી દેખાવો ચાલી રહ્યા છે, જેના કારણે ઈરાન ભડકે બડેલું છે. તો બીજીતરફ અમેરિકા ઈરાન પર હુમલો કરવાની ફિરાકમાં હોવાનું દેખાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ ઈરાનમાં પ્રદર્શનકારીઓના દેખાવો અંગે માનવાધિકાર સંગઠનોનું માનવું છે કે, સુરક્ષા દળોની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થયા છે. દાવોસની મુલાકાત બાદ ટ્રમ્પના બદલાયેલા તેવર અને અમેરિકાની સૈન્ય તૈનાતીએ ખાડી દેશોમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરા કર્યા છે.
આ પણ વાંચો : રાતના અંધારામાં સમુદ્રની વચોવચ રશિયાનો મોટો 'ખેલ'! અમેરિકા લાચાર, ભારત-ચીનને ફાયદો


