Iran US Conflict: મધ્ય પૂર્વમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી 24થી 48 કલાકમાં અમેરિકા ઈરાન પર મિસાઈલોનો મારો ચલાવી શકે છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાજદ્વારી ગતિવિધિઓ તેજ બની છે. છેલ્લા 24 કલાકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના ફોનની ઘંટી બે વાર વાગી હતી, જેમાં એક તરફ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો હતા અને બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી. આ બંને દુશ્મન દેશોએ ભારત સાથે વાતચીત કરી છે, જે દર્શાવે છે કે ભારત આ સંકટમાં કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
ભારતની મોટી એડવાઈઝરી અને રણનીતિક હલચલ
અમેરિકન વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ તુરંત જ ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા માટે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. સામાન્ય રીતે આવી એડવાઈઝરી ત્યારે જ આવે છે જ્યારે યુદ્ધ નક્કી હોય. બીજી તરફ, અમેરિકાએ કતાર સ્થિત તેના સૌથી મોટા એરબેઝ 'અલ-ઉદીદ' પરથી સૈનિકોને ખસેડવાનું શરૂ કર્યું છે, જેથી ઈરાનના સંભવિત પલટવારથી બચી શકાય. ઈરાને પણ પોતાના પાડોશી દેશોને ખુલ્લી ચેતવણી આપી છે કે જો કોઈ દેશે અમેરિકાને હુમલા માટે પોતાની જમીન આપી, તો ઈરાન તે દેશોના અમેરિકી બેઝ પર હુમલો કરતા અચકાશે નહીં.
ઈરાનની તૈયારી અને સામાન્ય જનતામાં ફફડાટ
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે તેઓ યુદ્ધ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અને તેમની મિસાઈલોનો ભંડાર તૈયાર છે. પરંતુ આ યુદ્ધના ડરથી ઈરાનના સામાન્ય નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે. હજારો ઈરાનીઓ ઘરબાર છોડીને તૂર્કીયેની સરહદ તરફ ભાગી રહ્યા છે. ઈરાનમાં ઈન્ટરનેટ પણ ઠપ્પ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેઓ પોતાના પરિવાર સાથે સંપર્ક કરી શકતા નથી.
વૈશ્વિક પ્રતિક્રિયા અને મધ્યસ્થીના પ્રયાસો
આ મામલે રશિયા અને ફ્રાંસ જેવા દેશોએ પણ ઝંપલાવ્યું છે. રશિયાએ અમેરિકાના આ પગલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે, જ્યારે ફ્રાંસે ઈરાનમાં થઈ રહેલા દમનને રોકવા અપીલ કરી છે. તૂર્કીયે પણ ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે શું ડિપ્લોમસી આ યુદ્ધને રોકી શકશે કે પછી મધ્ય પૂર્વમાં ભયાનક તબાહી સર્જાશે.



