Thailand Construction Crane Collapse: થાઈલેન્ડમાં નિર્માણાધીન પ્રોજેક્ટ્સમાં સુરક્ષાની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. બુધવારે (14મી જાન્યુઆરી) એક પેસેન્જર ટ્રેન પર ક્રેન તૂટી પડતા 32 લોકોના કમકમાટીભર્યા મોતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ આજે (15મી જાન્યુઆરી) બેંગકોક નજીક એક એલિવેટેડ રોડ પર કન્સ્ટ્રક્શન ક્રેન તૂટી પડતા બે લોકોએ જીવ ગુમાવ્યા છે.
રામા 2 રોડ પર ક્રેન તૂટી પડી
અહેવાલો અનુસાર, આજની દુર્ઘટના બેંગકોકના બહારના વિસ્તારમાં આવેલા સમુત સખોન પ્રાંતમાં રામા 2 રોડ એલિવેટેડ એક્સપ્રેસવે પર બની હતી. કામગીરી દરમિયાન વિશાળ કન્સ્ટ્રક્શન ક્રેન અચાનક તૂટી પડતા નીચેથી પસાર થઈ રહેલા બે વાહનો તેના કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જોકે, કાટમાળ હજુ પણ જોખમી સ્થિતિમાં હોવાથી પીડિતોની ચોક્કસ સંખ્યા જાણવામાં શોધ ટીમોને મુશ્કેલી પડી રહી છે.
ગઈકાલે ટ્રેન દુર્ઘટનામાં 32ના મોત થયા હતા
બુધવારે સવારે થાઈલેન્ડમાં તાજેતરના વર્ષોની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. બેંગકોકથી 230 કિ.મી. દૂર નાખોન રત્ચાસિમા પ્રાંતનો સિખિયો જિલ્લામાં હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની એક ક્રેન અચાનક નીચેથી પસાર થતી પેસેન્જર ટ્રેનના ડબ્બા પર પડી હતી. ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 32 મુસાફરોના મોત થયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો: અમેરિકા સામે એક થયા શિયા અને સુન્ની મુસ્લિમ દેશો? ઈરાન માટે સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય
માત્ર 24 કલાકના અંતરે બનેલી આ બે મોટી દુર્ઘટનાઓએ થાઈલેન્ડના કન્સ્ટ્રક્શન સેક્ટરમાં સુરક્ષાના નિયમો સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યાં છે. હાઈ-સ્પીડ રેલ અને એક્સપ્રેસવે જેવા મોટા પ્રોજેક્ટ્સમાં વપરાતી મશીનરીની જાળવણી અને કામગીરી દરમિયાન રાખવામાં આવતી તકેદારીમાં મોટી ખામી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. થાઈલેન્ડ સરકાર દ્વારા આ બંને ઘટનાઓની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદાર એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.


