Get The App

43 વર્ષ અમેરિકાની જેલમાં રહ્યો નિર્દોષ ભારતીય, ડિપોર્ટેશનના આદેશ બાદ હવે કોર્ટનું હૃદય પીગળ્યું

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
43 વર્ષ અમેરિકાની જેલમાં રહ્યો નિર્દોષ ભારતીય, ડિપોર્ટેશનના આદેશ બાદ  હવે કોર્ટનું હૃદય પીગળ્યું 1 - image


Subramaniam Vedam Murder Case: અમેરિકાની અદાલતે ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમના દેશનિકાલની પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. વેદમને હત્યાના ખોટા આરોપમાં 43 વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. જોકે, 64 વર્ષીય વેદમની હત્યાની સજા આ જ વર્ષે કોર્ટે રદ કરી હતી. વેદમ કાયદેસર રીતે 9 મહિનાની ઉંમરે પોતાના માતા-પિતા સાથે અમેરિકા આવ્યા હતા. તેમના પિતા પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક હતા.

અદાલતનો નિર્ણય

ગુરુવારે અમેરિકાના ઇમિગ્રેશન જજે આદેશ આપ્યો કે જ્યાં સુધી બોર્ડ ઑફ ઇમિગ્રેશન અપીલ્સ (BIA) તેમનો કેસ ન જુએ, ત્યાં સુધી વેદમને નિર્વાસિત કરી શકાશે નહીં. આ ઉપરાંત, તેમના વકીલોએ પેન્સિલ્વેનિયાની જિલ્લા અદાલતમાંથી પણ રાહત મેળવી છે. પરિણામે, આ મામલો હાલ પૂરતો સ્થગિત થઈ ગયો છે.

Subramaniam Vedam Murder Case
(IMAGE - freesubu.org)


શું છે આખો મામલો? 

વર્ષ 1980માં વેદમની તેમના મિત્ર થોમસ કિન્સરની હત્યાના આરોપમાં ધરપકડ થઈ હતી. સાક્ષીઓ અને પુરાવાના અભાવ હોવા છતાં, તેમને બે વાર દોષી ઠેરવવામાં આવ્યા હતા. જોકે, ઑગસ્ટ 2024માં અદાલતે નવા બેલિસ્ટિક તપાસ રિપોર્ટના આધારે તેમની સજા રદ કરી. 3 ઑક્ટોબરે જેલમાંથી મુક્ત થતાં જ, ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને સીધા જ અટકાયતમાં લીધા. હાલમાં, વેદમને લુઇસિયાનાના એલેક્ઝેન્ડ્રિયા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે, જે નિર્વાસન માટે ઉપયોગમાં લેવાય છે.

આ પણ વાંચો: અમેરિકામાં ખોટા આરોપસર 43 વર્ષ જેલવાસ, છેવટે મુક્તિ મળી પરંતુ હવે દેશનિકાલનો ખતરો

ICE શા માટે દેશનિકાલ કરવા માંગે છે?

યુએસ ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્સી વેદમને તેમના એક જૂના કેસના આધારે દેશમાંથી બહાર કાઢવા માંગે છે. લગભગ 20 વર્ષની ઉંમરે, તેમણે LSD ડ્રગ કેસમાં 'નો કોન્ટેસ્ટ' પ્લી આપી હતી. વેદમના વકીલોના મતે, તેમણે 43 વર્ષ જેલમાં નિર્દોષ રહીને ગાળ્યા, શિક્ષણ મેળવ્યું અને કેદીઓને ભણાવ્યા. આથી, તેમનો જૂનો મામલો હવે મહત્ત્વહીન બની જાય છે. જોકે, અમેરિકી ગૃહ સુરક્ષા વિભાગ (DHS) દલીલ કરે છે કે હત્યાનો કેસ રદ થવાથી ડ્રગ કેસની સજા સમાપ્ત થતી નથી.

પરિવારને રાહત

વેદમની બહેન સરસ્વતી વેદમએ કહ્યું, 'અમે આભારી છીએ કે બે અલગ-અલગ અદાલતોએ માન્યું કે સુબુનો દેશનિકાલ અયોગ્ય છે. જે ગુનો તેમણે કર્યો જ નથી, તેના માટે તેઓ પહેલાથી જ 43 વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. હવે તેમને ફરીથી અન્યાયનો ભોગ બનવું ન જોઈએ.'

43 વર્ષ અમેરિકાની જેલમાં રહ્યો નિર્દોષ ભારતીય, ડિપોર્ટેશનના આદેશ બાદ  હવે કોર્ટનું હૃદય પીગળ્યું 3 - image

Tags :