Get The App

અમેરિકાએ બે ભારતીય કંપની પર લગાવ્યો પ્રતિબંધ, ઈરાનથી ઓઇલ ટ્રાન્સપોર્ટ કરવા મામલે કાર્યવાહી

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાએ બે ભારતીય કંપની પર લગાવ્યો પ્રતિબંધ, ઈરાનથી ઓઇલ ટ્રાન્સપોર્ટ કરવા મામલે કાર્યવાહી 1 - image


America Targets Two Indian Companies: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન પરના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ઓઇલ ટ્રાન્સપોર્ટ કરવાના મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાર્યવાહી કરી છે. આ નવા પ્રતિબંધો વિવિધ દેશોની 17 કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજોને લક્ષ્ય બનાવે છે, જેમાં એક ભારતીય શિપિંગ કંપની અને એક પેટ્રોલિયમ વેપારી કંપનીનો પણ સમાવેશ થાય છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ પગલાં ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ અને આતંકી જૂથોને મળતા ભંડોળના પ્રવાહને રોકવા માટે લેવામાં આવ્યા છે.

બે ભારતીય કંપનીઓ અને બે નાગરિકો પર પ્રતિબંધ

ભારતની પેટ્રોલિયમ વેપારી કંપની TR6 PETRO પર ઓક્ટોબર 2024 અને જૂન 2025 વચ્ચે ઈરાન પાસેથી આઠ મિલિયન ડૉલરથી વધુ મૂલ્યના બિટ્યુમેન ખરીદવાનો આરોપ છે. અમેરિકાએ આને ઈરાની ઓઇલ ખરીદવા સમાન ગણી પ્રતિબંધોનું ઉલ્લંઘન માન્યું છે.  મુંબઈ સ્થિત આરએન શિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનો પણ પ્રતિબંધિત યાદીમાં સમાવેશ કરાયો છે. કંપની પર આરોપ છે કે તે અન્ય કંપનીઓ માટે ગુપ્ત રીતે ઈરાની ક્રૂડ ઓઇલનું પરિવહન કરતા જહાજોનું સંચાલન કરતી હતી.

કંપની સાથે સંકળાયેલા બે ભારતીય નાગરિકો, ઝહીર હુસૈન ઇકબાલ હુસૈન સૈયદ અને ઝુલ્ફીકાર હુસૈન રિઝવી સૈયદ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ શિપિંગ કંપની યુએઈ, પનામા, જર્મની, ગ્રીસ અને ગામ્બિયા સહિત અનેક દેશોના નેટવર્કનો ભાગ હોવાનું માનવામાં આવે છે, જે ગુપ્ત રીતે તેલ પરિવહનને સરળ બનાવે છે.

આ પણ વાંચો: બ્રાઝિલમાં COP30 ક્લાઈમેટ સમિટમાં ભીષણ આગ, ભારતીય મંત્રી સહિત 190 દેશના પ્રતિનિધિના જીવ તાળવે ચોંટ્યા

ઈરાની એરલાઈન્સ સામે પણ કાર્યવાહી

યુએસએ ઈરાનની ખાનગી એરલાઈન માહાન એર અને તેની પેટાકંપની, યઝ્દ ઈન્ટરનેશનલ એરવેઝ પર પણ પ્રતિબંધો વધારી દીધા છે. યુએસનો દાવો છે કે આ એરલાઈન્સ સીરિયા અને લેબનોનમાં હથિયારો અને લડવૈયાઓ પરિવહન કરવા માટે ઈરાનની IRGC-Qods ફોર્સ સાથે સાંઠગાંઠ ધરાવે છે. માહાન એરના અનેક વિમાનોને બ્લોક કરેલી મિલકત જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, અમેરિકાના આ પ્રતિબંધો વૈશ્વિક સ્તરે ઈરાનના તેલના વેપાર પર કડક નિયંત્રણો લાદવાના તેના ઉદ્દેશ્યને દર્શાવે છે.

Tags :