બ્રાઝિલમાં COP30 ક્લાઈમેટ સમિટમાં ભીષણ આગ, ભારતીય મંત્રી સહિત 190 દેશના પ્રતિનિધિના જીવ તાળવે ચોંટ્યા

Fire at Brazil COP30 Summit: બ્રાઝિલના બેલેમ શહેરમાં ચાલી રહેલી UN COP30 ક્લાઇમેટ સમિટના મુખ્ય સ્થળે ગુરુવારે (20મી નવેમ્બર)ના રોજ ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે સમિટમાં હાજર 190થી વધુ દેશોના 50,000થી વધુ પ્રતિનિધિઓ, પત્રકારો અને એક્ટિવિસ્ટોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગમાં કુલ 13 લોકોને ઈજા પહોંચી હતી, પરંતુ તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
ભારતીય મંત્રી સહિત તમામ મહાનુભાવો સુરક્ષિત
અહેવાલો અનુસાર, જ્યારે આગ લાગી ત્યારે ભારતના પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવ ભારતીય પ્રતિનિધિમંડળ સાથે ત્યાં હાજર હતા. ભારતીય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઘટના સમયે બ્લૂ ઝોનમાં યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને ભારતીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર હતા. આગની જાણ થતાં જ બધાને સ્થળ પરથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.'
ગુરુવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગ્યે) કન્વેન્શન હોલની અંદરના પેવેલિયનમાં આગ લાગી હતી. આગની માહિતી મળતાં જ એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળ્યો હતો.
આ પણ વાંચો: VIDEO : વિયેતનામમાં પૂરથી આફત, 52000થી વધુ મકાનો પાણીમાં ગરકાવ, 41થી વધુના મોત
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે તુરંત જ પ્રવેશ બંધ કરી દીધો હતો અને સમગ્ર વિસ્તારને ઘેરી લઈને વ્યવસ્થા જાળવી રાખી હતી. યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)ની આ વાર્ષિક COP30 ક્લાઈમેટ સમિટ 10થી 21 નવેમ્બર સુધી ચાલવાની છે.

