ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાએ ભારતને આપ્યો મોટો ઝટકો, આ કંપનીઓ અને 100 વ્યક્તિઓ પર લગાવ્યો પ્રતિબંધ

US Imposes Sanctions On Indian Companies : અમેરિકાની એજન્સીઓએ ઈરાનના ઓઈલ અને પેટ્રોકેમિકલ કારોબાર સાથે જોડાયેલા હોવાના આરોપસર આઠ ભારતીય નાગરિકોને અને દસ કંપનીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમેરિકન વિદેશ મંત્રાલય અને નાણા મંત્રાલયે કુલ 100થી વધુ વ્યક્તિ, કંપનીઓ અને જહાજો પર પ્રતિબંધ લગાવ્યો છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC)ની યાદીમાં અનેક ભારતીયો અને ભારત સ્થિત કંપનીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે.
યુએસ ટ્રેઝરીની યાદીમાં અનેક ભારતીય સામેલ
યુએસ કાર્યવાહીમાં મુંબઈની નીતિ ઉમેશ ભટ્ટ, કમલા કે. કસાત, કુનાલ કસાત અને પૂનમ કસાતનો સમાવેશ થાય છે. આ સિવાય તમિલનાડુમાં જન્મેલા અય્યપ્પન રાજા, તિરુપતિના વરુણ પુલા, પીયૂષ મગનલાલ જાવિયા અને સોનિયા શ્રેષ્ઠા સામે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તમામ સામે ઈરાન સાથે જોડાયેલા ઓઈલ અને ગેસ વ્યવસાયમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો અને યુએસ પ્રતિબંધનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
આ પણ વાંચો: અમેરિકાના રાજદૂત ભારત પહોંચ્યા, ટ્રમ્પના ટેરિફ વચ્ચે જયશંકર સાથે કયા મુદ્દે થઈ વાતચીત
અમેરિકાના અધિકારીએ શું કહ્યું?
અમેરિકાના અધિકારીનું કહેવું છે કે, 'વરુણ પુલાની કંપની બર્થા શિપિંગે કોમોરોસ ઝંડાવાળા એક જહાજનો ઉપયોગ કરીને લગભગ ચાર મિલિયન બેરલ ઈરાની LPG ચીન પહોંચાડ્યું છે. આ પ્રમાણે અય્યપ્પન રાજાની કંપની ઈવી લાઈન્સે પનામા ઝંડાવાળા એક જહાજ થકી એક મિલિયન બેરલ LPG ચીન મોકલ્યું. સોનિયા શ્રેષ્ઠાની ભારત સ્થિત કંપની વેગા સ્ટાર શિપ પર આરોપ છે કે, તેમણે કોમોરોસ ઝંડાવાળા જહાજ ‘NEPTA’નો ઉપયોગ કરીને ઈરાનથી પાકિસ્તાન સુધી LPG સપ્લાઈ કર્યા છે.'
ભારતીય કંપની પર આયાતનો આરોપ
અમેરિકન વિદેશ મંત્રાલય મુજબ, જાન્યુઆરી 2024થી જાન્યુઆરી 2025 વચ્ચે ભારતની સીજે શાહ એન્ડ કંપનીએ ઈરાનથી 4.4 કરોડ ડોલર કિંમતના પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત કરી હતી. ઝાવિયા સ્થિત કેમોવિક પર 7 મિલિયન ડોલરના ઈરાની પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત કરવાનો આરોપ છે. બીકે સેલ્સ કોર્પ પર 23.5 કરોડ ડોલરના ઈરાની પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત કરવાનો આરોપ છે, જ્યારે મોદી કેમ પર જાન્યુઆરી 2024 થી ફેબ્રુઆરી 2025 વચ્ચે 4.9 કરોડ ડોલરના ઈરાની ઉત્પાદનોની આયાત કરવાનો આરોપ છે.
અમેરિકાએ જણાવ્યું છે કે, ઈરાનના ઓઈલ અને પેટ્રોકેમિકલ કારોબાર સાથે જોડાયેલા કોઈપણ દેશ, કંપની કે વ્યક્તિને છોડાશે. વોશિંગ્ટનનું કહેવું છે કે, આ પ્રકારની કાર્યવાહી દ્વારા તે તેહરાન પર લગાયેલા આંતરરાષ્ટ્રી, પ્રતિબંધોને વધુ પ્રભાવી બનાવવા માગે છે.