અમેરિકાના રાજદૂત ભારત પહોંચ્યા, ટ્રમ્પના ટેરિફ વચ્ચે જયશંકર સાથે કયા મુદ્દે થઈ વાતચીત

US ambassador Sergio Gor meets S Jaishankar: ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર તણાવ વચ્ચે અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે શનિવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન બંનેએ ભારત-અમેરિકાના સંબંધો અને તેના વધતા જતાં વૈશ્વિક મહત્ત્વ વિશે ચર્ચા કરી હતી. એસ. જયશંકરે આ અંગે X પર પોસ્ટ કરી માહિતી આપી હતી.
તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, 'આજે નવી દિલ્હીમાં હાલમાં ચૂંટાયેલા યુએસ રાજદૂત-સર્જિયો ગોરને મળીને આનંદ થયો. અમે ભારત-અમેરિકાના સંબંધો અને તેના વૈશ્વિક મહત્ત્વ વિશે ચર્ચા કરી. તેમને તેમના નવા કાર્યકાળ માટે શુભકામનાઓ.'
વિદેશ સચિવે પણ કરી મુલાકાત
વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આજે સવારે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, 'વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આજે સવારે અમેરિકાના નિયુક્ત રાજદૂત સર્જિયો ગોર સાથે મુલાકાત કરી. તેઓએ ભારત-અમેરિકાના વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અને તેની સહિયારી પ્રાથમિકતાઓ પર ઉપયોગી ચર્ચા કરી હતી. વિદેશ સચિવે ગોરને તેમના કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી.'
આ પણ વાંચોઃ ચીન પર અચાનક કેમ ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ? 100% ટેરિફ ઝીંકવાનું આ છે કારણ!
ભારત-અમેરિકાની વ્યૂહનીતિ ગાઢ બનાવવા પર ભાર
જયશંકરે પણ 24 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં રાષ્ટ્ર મહાસભા સત્રના સાઇડલાઇનમાં ગોર સાથે મુલાકાત કરી હતી. જેમાં બંને નેતાઓએ ભારત-અમેરિકાની વ્યૂહનૈતિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા કરી હતી. મુલાકાત બાદ અમેરિકાના વિદેશ વિભાગે આ અંગે માહિતી આપી હતી. તે મુજબ, દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકાના વિશેષ દૂત અને ભારતમાં રાજદૂત સર્જિયો ગોરે યુનાટેડ નેશન્સ કાઉન્સિલ દરમિયાન ભારતના વિદેશ મંત્રી જયશંકર સાથે મુલાકાત કરી હતી. અમેરિકા-ભારત સંબંધોની સફળતાને પ્રોત્સાહન આપવા માટે બંને તત્પર હોવાનું જણાવ્યું હતું.
અગાઉ ગોરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ગાઢ મિત્રતા પર પ્રકાશ પાડ્યો હતો, અને તેમણે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં એક અનોખી તાકાત દર્શાવી હોવાનું જણાવ્યું હતું. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે, જેનાથી વેપાર પર અસર પડી છે. ટ્રમ્પ રશિયા પાસેથી ભારતની ક્રૂડ આયાતથી નારાજ છે, જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે રાષ્ટ્રીય હિતમાં પગલાં લેવાનું ચાલુ રાખશે.