Get The App

ઉઈગરો પર અત્યાચાર, અમેરિકાએ ત્રણ ચીની અધિકારીઓ પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકાએ તિબેટીયન લોકોની સાર્થક સ્વાયત્તતા માટે પોતાના સમર્થનને ફરીથી ખુલીને વ્યક્ત કર્યું

Updated: Jul 10th, 2020

GS TEAM

Google News
Google News
ઉઈગરો પર અત્યાચાર, અમેરિકાએ ત્રણ ચીની અધિકારીઓ પર લગાવ્યો પ્રતિબંધ 1 - image


વોશિંગ્ટન, તા. 10 જુલાઈ 2020, શુક્રવાર

અમેરિકાએ ચીનના મુસ્લિમ બહુમતી ધરાવતા શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમોના માનવાધિકારના હનન મામલે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ પર પ્રતિબંધ મુક્યો છે. ચીન પર પહેલેથી જ ઉઈગર મુસ્લિમોના ઉત્પીડનને લઈ ગંભીર આરોપો મુકાતા આવ્યા છે અને અમેરિકાએ પહેલા જ ચીન વિરૂદ્ધ આકરી કાર્યવાહીની ચેતવણી આપી હતી. એક અહેવાલ પ્રમાણે અમેરિકા ભવિષ્યમાં પણ અનેક ચીની અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા વિચારણા કરી રહ્યું છે. 

આ ત્રણ અધિકારીઓ પર પ્રતિબંધ

અમેરિકાએ જે ત્રણ અધિકારીઓ પર પ્રતિબંધ મુક્યો છે તેમાં શિનજિયાંગ ઉઈગર સ્વાયત્ત ક્ષેત્ર (XUAR)ના ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના સચિવ ચેન ક્વાંગો, શિનજિયાંગ પોલિટિકલ અને લિગલ કમિટીના સચિવ ઝૂ હૈલૂન અને શિનજિયાંગ પબ્લિક સિક્યોરિટી બ્યુરોના વર્તમાન પાર્ટી સચિવ વૈંગ મિંગશાનનો સમાવેશ થાય છે. આ ત્રણેય સિવાય તેમના પરિવારના સદસ્યો પણ હવેથી અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે અયોગ્ય ઠેરવાયા છે. 

તિબેટના અધિકારીઓ પર અમેરિકાનો વિઝા પ્રતિબંધ

અમેરિકાએ તિબેટમાં વિદેશીઓની પહોંચ રોકવાના કામમાં સામેલ ચીનના વરિષ્ઠ નાગરિકો પર નવા વિઝા પ્રતિબંધની જાહેરાત કરી છે. એટલું જ નહીં, અમેરિકાએ ચીનને દાઝ્યા પર ડામ આપવા તિબેટીયન લોકોની સાર્થક સ્વાયત્તતા પ્રત્યે પોતાના સમર્થનને ફરીથી દોહરાવ્યું છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ જણાવ્યું કે, તે તિબેટમાં અમેરિકી લોકોના પ્રવેશને આહ્વાન કરનારા અમેરિકી કાયદા અંતર્ગત ચીનમાં સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીના કેટલાક અધિકારીઓ સહિત અનેક ચીની અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. 

તિબેટની સ્વાયત્તતાને યુએસનું સમર્થન

અમેરિકાએ તિબેટીયન લોકોની સાર્થક સ્વાયત્તતા માટે પોતાના સમર્થનને ફરીથી ખુલીને વ્યક્ત કર્યું છે. અમેરિકી વિદેશ મંત્રીએ જણાવ્યું કે, તિબેટના લોકોના પાયાના અને જેનું હસ્તાંતરણ ન થઈ શકે તેવા માનવાધિકાર માટે, તેમના વિશિષ્ટ ધર્મ, સંસ્કૃતિ અને ભાષાકીય ઓળખને સંરક્ષિત રાખવા માટે કામ કરવા અમે દૃઢ સંકલ્પતિ છીએ. ભારતમાં રહેતા તિબેટના નિર્વાસિત (દેશનિકાલ પામેલા) ધાર્મિક નેતા દલાઈ લામા તિબેટના લોકો માટે સાર્થક સ્વાયત્તતાની માંગ કરે છે પરંતુ ચીન 85 વર્ષીય દલાઈ લામાને અલગાવવાદી માને છે. 

આ મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે વિવાદ

અમેરિકા અને ચીન વચ્ચે વિવાદનું મુખ્ય કારણ વિશ્વમાં પોતાનો પાવર વધારવાનો છે. ટ્રેડ વોર બાદ કોરોના વાયરસ, હોંગકોંગમાં નવો સુરક્ષા કાયદો, દક્ષિણ ચીની સમુદ્રમાં આધિપત્યની હોડ, ભારત-જાપાન-ઓસ્ટ્રેલિયા અને તાઈવાન વિરૂદ્ધ ચીનનું આક્રમણ વલણ, અમેરિકી પત્રકારો પર પ્રતિબંધ, ઉઈગરોનો નરસંહાર અને તિબેટને લઈ બંને દેશ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. 

Tags :