Get The App

4 વર્ષમાં થશે 40 લાખ મોત! ટ્રમ્પના આ એક નિર્ણયના કારણે એઈડ્સનું સંક્રમણ વધવાનો ખતરો: રિપોર્ટ

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
US aid funding cuts put HIV prevention at risk warns UNAIDS


US aid funding cuts put HIV prevention at risk warns UNAIDS: છેલ્લા બે દાયકાથી HIV અને AIDS સામેની લડાઈમાં મોટી સફળતા મળી રહી છે, પરંતુ હવે આ યુદ્ધને મોટો ફટકો પડ્યો છે. અમેરિકન સરકાર દ્વારા અચાનક આંતરરાષ્ટ્રીય HIV કાર્યક્રમો માટે ભંડોળ પૂરું પાડવાનું બંધ કરવાથી ડઝનબંધ દેશોમાં આરોગ્ય સેવાઓ પડી ભાંગી છે. સંયુક્ત રાષ્ટ્ર સંગઠન UNAIDS એ ચેતવણી આપી છે કે જો અમેરિકા ભંડોળ ફરી શરૂ નહીં કરે, તો 2029 સુધીમાં વિશ્વમાં 40 લાખ મૃત્યુ અને 60 લાખ નવા ચેપ લાગી શકે છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન HIV સંબંધિત વિદેશી સહાય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે 2025 સુધીમાં સંપૂર્ણપણે પૂરો થઈ ગયો હતો. આનાથી માત્ર ગરીબ દેશો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના AIDS નિયંત્રણ અભિયાનને અસર થઈ છે. એવામાં જાણીએ કે આ પ્રોગ્રામ શું છે અને HIV અને AIDS સામેની લડાઈમાં શા માટે મહત્ત્વપૂર્ણ છે. 

20 વર્ષ જૂની ‘PEPFAR’ યોજના 

2003માં તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે PEPFAR યોજના (President’s Emergency Plan for AIDS Relief) શરૂ કરી હતી. તે HIV સામે વિશ્વની સૌથી મોટી વિદેશી સહાય યોજના હતી. તેણે અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ લોકોનું પરીક્ષણ કર્યું છે અને 2 કરોડથી વધુ લોકોને મફત સારવાર પૂરી પાડી છે. 

PEPFAR દ્વારા આફ્રિકા, ભારત, નેપાળ, કંબોડિયા અને લેટિન અમેરિકા જેવા ડઝનબંધ દેશોમાં પણ HIV નિયંત્રણ શક્ય બન્યું. નાઇજીરીયા જેવા દેશમાં 99.9% HIV દવાઓ આ જ ભંડોળ દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. પરંતુ જાન્યુઆરી 2025માં અમેરિકાએ અચાનક આ સહાય બંધ કરી દીધી, જેના કારણે હજારો ક્લિનિક્સ બંધ થઈ ગયા, દવાઓનો પુરવઠો બંધ થઈ ગયો અને લાખો દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ ગયા.

હેલ્થ સિસ્ટમ માટે મોટી મુશ્કેલી

UNAIDS રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયના કારણે, ઘણા દેશોમાં HIV સામે ચાલી રહેલા કાર્યક્રમો બંધ થઈ ગયા છે. તપાસની ગતિ અટકી ગઈ છે. જાગૃતિ અભિયાનો રોકી દેવામાં આવ્યા છે અને ઘણી સમુદાય આધારિત સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. આનાથી માત્ર દર્દીઓના જીવન જોખમમાં મુકાયા નથી, પરંતુ WHO અને અન્ય એજન્સીઓએ પણ આખી સિસ્ટમ ફરીથી ગોઠવવી પડશે.

અમેરિકાએ માત્ર દવાઓ અને સુવિધાઓ માટે ભંડોળ પૂરું પાડ્યું જ નહીં, પરંતુ તે આફ્રિકન દેશોમાં HIV સંબંધિત ડેટા એકત્રિત કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું હતું. હવે જ્યારે આ ભંડોળ બંધ થઈ ગયું છે ત્યારે હોસ્પિટલો અને સરકારી એજન્સીઓ પાસે ન તો દર્દીઓનો ડેટા છે અને ન તો ભવિષ્યની વ્યૂહરચના ઘડવાના સાધનો.

આ પણ વાંચો: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલો, 9 લોકોને બસમાંથી ઉતારી ગોળી મારી

નવી દવા Yeztugoથી આશાઓ

આ દરમિયાન નવી દવા Yeztugoએ HIV નિવારણ માટે નવી આશાઓ જગાવી છે. આ દવા દર 6 મહિને એક ડોઝ સાથે ચેપને 100% અટકાવવામાં અસરકારક માનવામાં આવે છે. યુએસ એફડીએએ તેને મંજૂરી આપી છે અને દક્ષિણ આફ્રિકામાં તેનો ઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી છે. પરંતુ પડકાર એ છે કે આ દવા બનાવતી કંપની ગિલિયડે તેને ફક્ત ગરીબ દેશોને જ સસ્તા ભાવે પૂરી પાડવાની જાહેરાત કરી છે, જ્યારે લેટિન અમેરિકા જેવા મધ્યમ આવક ધરાવતા દેશોનો તેમાં સમાવેશ નથી. એટલે કે જ્યાં ચેપ ઝડપથી વધી રહ્યો છે, ત્યાં આ દવા હજુ પણ સામાન્ય લોકોની પહોંચની બહાર છે.

અમેરિકાના આ નિર્ણયથી 20 વર્ષનું સંતુલન ખોરવાઈ શકે છે

PEPFAR જેવી યોજનાઓએ HIV સામેની લડાઈમાં છેલ્લા બે દાયકામાં જે પાયો તૈયાર કર્યો હતો તે હવે આ યોજના બંધ કરાતા એક જ ઝાટકે હચમચી ગયો છે. UNAIDS, WHO અને વિશ્વની તમામ આરોગ્ય એજન્સીઓ હવે અપીલ કરી રહી છે કે અમેરિકા આ ​​ભંડોળ ફરી શરૂ કરે નહીં તો આગામી થોડા વર્ષોમાં AIDS ફરીથી વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ લઈ શકે છે.

4 વર્ષમાં થશે 40 લાખ મોત! ટ્રમ્પના આ એક નિર્ણયના કારણે એઈડ્સનું સંક્રમણ વધવાનો ખતરો: રિપોર્ટ 2 - image

Tags :