અમેરિકાની GDPમાં રેકોર્ડ 33%નો ઘટાડો, બેકારી દર વધીને 14.7 ટકા
વોશિંગ્ટન, 1 ઓગસ્ટ 2020 શનિવાર
કોરોના વાયરસ સંક્રમણથી લગભગ સાત મહિના દરમિયાન ઘણા દેશોની અર્થવ્યવસ્થા ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે, આ વાયરસનાં કહેર અને તેનાથી બચવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનનાં કારણે અર્થવ્યવસ્થાની કમર તુટી ગઇ છે, અમેરિકા પણ આ કહેરથી પોતાને બચાવી શક્યું નથી, અમેરિકાની જીડીપીમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.
બેરોજગારી દરમાં પણ વધારો થયો છે. એપ્રિલ અને જુનનાં ત્રિમાસિકમાં અમેરિકાનાં જીડીપીમાં 33 ટકાનો ભારે ઘટાડો આવ્યો છે, અમેરિકાનાં જીડીપીમાં આ ઘટાડો ઔતિહાસિક છે, આ ઘટાડો અમેરિકાનો અત્યાર સુધીનો રેકોર્ડ તોડ ઘટાડો છે.
આ દરમિયાન અમેરિકામાં બેરોજગારી દર 14.7 ટકા સુંધી પહોંચી ગઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકામાં નાણાકિય વર્ષ કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું હોય છે, ત્યાં ગુરૂવારે એપ્રિલથી જુન બીજા ત્રિમાસિક માટે ઇકોનોમીનાં આકડાં જારી કરવામાં આવ્યા.
કોરોનાનાં કારણે અમેરિકામાં પણ લોકડાઉન લગાવવામાં આવ્યું અને વધતા સંક્રમણનાં કારણે ત્યાં કંપનીઓ,કારખાનાઓનું કામ બંધ કરવું પડ્યું, આ જ કારણે મોટી સંખ્યામાં નોકરીઓમાં છટણી થઇ.
ગયા સપ્તાહે લગભગ 14 લાખ અમેરિકનોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે. તે એ લોકો છે જેમની નોકરીઓમાંથી હકાલપટ્ટી થઇ છે, અમેરિકામાં સતત 19મું સપ્તાહ છે જ્યારે 10 લાખથી વધું લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે, માર્ચ પહેલા ક્યારેય પણ આ આંકડો સાત લાખને પાર થયો નથી.
અમેરિકામાં 1947થી જીડીપીનાં આંકડા જારી કરવામાં આવી રહ્યા છે, આ પહેલા વર્ષ 1958માં પ્રમુખ આઇઝનહોવરનાં કાર્યકાળ દરમિયાન અર્થતંત્રમાં લગભગ 10 ટકા સુંધીનો ઘટાડો આવ્યો છે, જે આ પહેલાનો બીજો સૌથી ખરાબ રેકોર્ડ છે, આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં અમેરિકાની અર્થવ્યવ્સ્થામાં 5 ટકાનો ઘટાડો આવ્યો હતો.
દેશનાં ઘણા અર્થશાસ્ત્રીઓનાં મતે જુલાઇથી સપ્ટેમ્બરનાં ત્રિમાસિકમાં ઇકોનોમીમાં સુધારો આવશે, કોરોના સંક્રમણનાં કેસમાં અમેરિકા વિશ્વમાં પહેલા સ્થાન પર છે અને હવે સતત વધી રહ્યા છે.ત્યાં કોરોનાનાં કેસની સંખ્યા 45 લાકને પાર થઇ ગઇ છે.