'હું ઇચ્છું તો બરબાદ થઈ જશે ચીન', ટેરિફ વોર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, કેમ ભડક્યું અમેરિકા?
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી નારાજ છે અને આ દરમિયાન ચીને તેની સાથે મિત્રતા વધારવા માટે પહેલ કરી, ત્યારે ટ્રમ્પ ચીન સાથે સંબંધો જાળવી રાખવાની વાત કરે છે, તો બીજી તરફ તેઓ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથેની બેઠક દરમિયાન ચીનને સીધી ધમકી પણ આપી રહ્યા છે. ટ્રમ્પના આ બેવડા વલણ પાછળનું કારણ ચીન અને ભારતની વધતી મિત્રતા પણ હોઈ શકે છે.
ટ્રમ્પે જણાવ્યું કે તેમની પાસે એવા પત્તા છે જેનો ઉપયોગ કરીને તેઓ ચીનને પળવારમાં તબાહ કરી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે વેપાર, ટેકનોલોજી અને સૈન્ય જેવા મુદ્દાઓ પર તણાવ વધી રહ્યો છે. આ ધમકી દર્શાવે છે કે અમેરિકા ભલે ચીનને પોતાનો દુશ્મન માનતું હોય, પરંતુ તે સંપૂર્ણ ટકરાવ ઈચ્છતું નથી.
ભારત-ચીનની મિત્રતાથી અકળાયા ટ્રમ્પ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, પરંતુ તે હજી લાગુ થયો નથી. જો કે, હવે તેની ડેડલાઇન પૂરી થવા જઈ રહી છે. આ પહેલા જ ટ્રમ્પે ચીનને ધમકી આપતાં કહ્યું કે, 'અમેરિકા પાસે કેટલાક એવા પત્તા છે, જેને તેઓ રમવા માંગતા નથી.' જોકે, વાતને સંભાળતા ટ્રમ્પે એમ પણ કહ્યું કે, 'ચીન અને અમેરિકા સારી મિત્રતા તરફ આગળ વધી રહ્યા છે.' આ દિવસોમાં ભારત અને ચીન પણ એકબીજાની નજીક આવ્યા છે, જે વાત પણ ટ્રમ્પને ખટકી રહી છે.
ટ્રમ્પનું ચીન પ્રત્યે બેવડું વલણ
વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું, 'ચીન સાથે અમારા સારા સંબંધો બનશે. તેમની પાસે કેટલાક શાનદાર પત્તા હશે, પણ અમારી પાસે અવિશ્વસનીય પત્તા છે. જોકે, હું તે પત્તા રમવા માંગતો નથી. જો હું તે પત્તા રમીશ, તો ચીન બરબાદ થઈ જશે. હું તે પત્તા નહીં રમું.'
શું ભારત-ચીન નજીક આવવાથી ટ્રમ્પ ભડક્યા?
ભારત અને ચીન વચ્ચે આ દિવસોમાં નિકટતા વધી ગઈ છે. ચીને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. ચીને કહ્યું છે કે, 'ચીન ભારતને મદદ કરશે.' ચીને ભારતને રેઅર અર્થ મટિરિયલ અને સુરંગ ખોદવાની મશીન આપવાની ખાતરી આપી છે. ભારત અને ચીનની આ વધતી નિકટતા જોઈને ટ્રમ્પ ચીડાઈ ગયા છે. તેઓ ચીન પર 200% ટેરિફ લગાવવાની ધમકી પણ આપી શકે છે, જોકે તેમણે હજી સુધી તેનો ઉલ્લેખ કર્યો નથી.
આ પણ વાંચો: ચીને ટિયાગોંગ સ્પેસ સ્ટેશન પર એઆઇ ચેટબોટ વુકોન્ગ તહેનાત કર્યું
ચીન પ્રત્યે ટ્રમ્પનું નરમ વલણ
ટ્રમ્પને ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવામાં વાંધો છે. આ જ કારણથી તેમણે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે. ભારત પર પહેલા 25% ટેરિફ લાગુ હતો, જે પછીથી 25% વધુ વધારી દેવાયો. જોકે, મહત્ત્વની વાત એ પણ છે કે તેમણે ચીન પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે, જ્યારે ચીન પણ રશિયા પાસેથી તેલ ખરીદે છે.