ચીને ટિયાગોંગ સ્પેસ સ્ટેશન પર એઆઇ ચેટબોટ વુકોન્ગ તહેનાત કર્યું
- ચીની અંતરિક્ષયાત્રીઓ માટે નવો માર્ગદર્શક વુફોન્ગ
- અંતરિક્ષયાત્રી સ્પેસમાં ઉપકરણોમાં સુધારા વધારા કરતાં હોય તો વુકોન્ગ તરત જ તેમને જરૂરી માહિતી પૂરી પાડશે
બેઈજિંગ : પૃથ્વીથી ચીને પોતાના સ્પેસ સ્ટેશન ટિયાગોંંગ માટે પહેલી એઆઇ ચેટબોટ વૂકોન્ગને તહેનાત કરી છે જે ચીની અંતરિક્ષયાત્રીઓ માટે સહાયકની ગરજ સારશે. આ એઆઇ સિસ્ટમનો એક હિસ્સો પૃથ્વી પરથી કામ કરે છે જ્યારે બીજો હિસ્સો સ્પેસ સ્ટેશનમાં હોય છે. ચીનની શીન્હુઆ સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર આ એઆઇ સિસ્ટમને ચીનના સ્પેસ મિશનોને વધારે મજબૂત બનાવવા માટે બનાવવામાં આવી છે. આ ચેટબોટ અંતરિક્ષયાત્રીઓની મદદ કરશે એટલું જ નહીં તેમના મિશનોને પણ સરળ બનાવી આપશે.
ચીની ઓપન સોર્સ એઆઇ મોડેલ પર આધારિત વુફોન્ગ ચેટબોટ અંતરિક્ષયાત્રીઓ માટે સહાયક બની રહેશે. ટિયાગોંગ સ્પેસ સ્ટેશન પર વુકોન્ગને જુલાઇ ૨૦૨૫માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ડેવલપર એન્જિનિયર જોઉ પેંગફેઇએ જણાવ્યું હતું કે આ સિસ્ટમ મુશ્કેલ કામો અને ટેકનિકલ સમસ્યાઓને હલ કરવામાં ઝડપી કામગીરી બજાવે છે. તે અંતરિક્ષયાત્રીઓની કામ કરવાની ક્ષમતામાં વધારો કરશે. તે સ્પેસ અને પૃથ્વી વચ્ચેની સંકલનની કામગીરી બહેતર બનાવે છે. આ ચેટબોટનો પૃથ્વી પરનો હિસ્સો ડીપ ઇન્ફો અને એનાલિસીસ કરી આપશે. બીજો હિસ્સો જે સ્પેસ સ્ટેશન પર છે તે મિશનને લગતી સમસ્યાઓનો ઉકેલ સૂચવશે.
આ એઆઇ ચેટબોટનો ઉપયોગ કરનારા ચીની અંતરિક્ષયાત્રી વાંગે જણાવ્યું હતું કે વુકોન્ગની માહિતી વ્યાપક હોય છે અને તે સહાયરૂપ બની રહેશે. અફાટ અંતરિક્ષમાં જ્યાં દરેક પળ અનિશ્ચિત હોય છે ત્યાં વુકોન્ગ જેવા ચેટબોટની હાજરી ગેમ ચેન્જર બની શકે છે. અંતરિક્ષયાત્રી સ્પેસ વોક કરતાં હોય કે ઉપકરણોમાં સુધારા વધારા કરતાં હોય વુકોન્ગ તેમને તરત જ જરૂરી માહિતી પુરી પાડી તેમને સહાયરૂપ બને છે. વુકોન્ગનું પ્રથમ પરીક્ષણ છ કલાકની સ્પેસ વોક દરમ્યાન કરવામાં આવ્યું હતું. આ સ્પેસ વોક દરમ્યાન અંતરિક્ષયાત્રીઓએ સ્પેસ સ્ટેશન પર કાટમાળ પડે તો તેના કારણે તેને નુકશાન ન થાય તેવું કવચ લગાવ્યું હતું. વુકોન્ગે આ કામ સુરક્ષિત રીતે પુરૂ કરવામાં સહાય કરી હતી. દુનિયામાં આ પહેલીવાર આટલા મોટાપાયે એઆઇ મોડલનો અંતરિક્ષમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચીન માટે આ ઐતિહાસિક સિદ્ધિ છે. નાસાના સિમોન અને એસ્ટ્રોબી રોબોટ પહેલેથી સ્પેસ સ્ટેશન પર અંતરિક્ષયાત્રીઓની મદદ કરતાં આવ્યા છે. પણ વુકોન્ગને ખાસ ચીની સ્પેસ સ્ટેશન માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેનું ફોકસ સ્પેસ નેવિગેશન અને ઓપરેશનલ સપોર્ટ છે. બીજી તરફ સિમોન મનોવૈજ્ઞાાનિક સહાય પુરી પાડે છે અને એસ્ટ્રોબી રોજિંદા કામોમાં સહાય કરે છે. પણ વુકોન્ગની ખાસિયત એ છે કે તે સ્પેસયાનની સિસ્ટમ અને વૈજ્ઞાાનિક ડેટા સબંધિત કામોમાં પણ ઉપયોગી નીવડે છે.