Get The App

ભારતીય રિસર્ચરને અમેરિકાથી હાંકી કાઢવાના નિર્ણયને કોર્ટે ફગાવ્યો, ટ્રમ્પને ફરી મોટો આંચકો

Updated: Mar 21st, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય રિસર્ચરને અમેરિકાથી હાંકી કાઢવાના નિર્ણયને કોર્ટે ફગાવ્યો, ટ્રમ્પને ફરી મોટો આંચકો 1 - image


Badar Khan Suri: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું પ્રશાસન મનમાની પૂર્વક નિર્ણયો લેવા માટે જાણીતા છે. પરંતુ, તેઓ ભૂલી જાય છે કે, અમેરિકાની લોકતાંત્રિક વ્યવસ્થા ઘણી મજબૂત અને તે કોઈપણ વ્યક્તિને મનમાનીપૂર્વક નિર્ણય લેવાની છૂટ નથી આપતું. કંઈક આવું જ ભારતીય રિસર્ચરના મામલે થયું છે. હકીકતમાં ભારતીય રિસર્ચર બદર ખાન સૂરીના દેશનિકાલ પર અમેરિકાની કોર્ટે રોક લગાવી દીધી છે. સૂરી એક પોસ્ટડૉક્ટરલ ફેલો છે અને અમેરિકામાં વિદ્યાર્થી વિઝા પર અભ્યાસ અને શિક્ષણ પર કામ કરી રહ્યો છે. અમેરિકાના DHS (U.S. Department of Homeland Security)એ તેના પર હમાસનો પ્રચાર કરવા અને યહૂદી વિરોધી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેને દેશમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ, હવે કોર્ટે આ કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. 

બદર ખાન સૂરી જૉર્જટાઉન યુનિવર્સિટીમાં સંશોધક છે. તાજેતરમાં જ યુએસ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. DHS એ દાવો કર્યો કે, સૂરી સોશિયલ મીડિયા પર હમાસનો પ્રચાર કરી રહ્યો હતો અને તેની એક શંકાસ્પદ આરોપી સાથે નજીકની મિત્રતા છે, જે હમાસના વરિષ્ઠ સલાહકાર છે. DHS ના સહાયક સચિવ ટ્રિશિયા મેકલોફલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, 'બદર ખાન સૂરી સક્રિય રૂપે હમાસનો પ્રચાર કરે છે અને યહૂદી વિરોધી વાતો ફેલાવે છે. તેના એક શંકાસ્પદ આતંકવાદી સાથે નજીકના સંબંધો છે.'

આ પણ વાંચોઃ જાણીતા ભારતીય ચિત્રકાર એમએફ હુસૈને 70 વર્ષ પહેલા બનાવેલું પેઈન્ટિંગ 118 કરોડમાં વેચાયું

સૂરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે

જોકે, બદર ખાન સૂરીના વકીલે આ આરોપોને નકારી દીધા. વકીલે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું કે, સૂરીને એટલે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કારણ કે, તેની પત્ની પેલેસ્ટાઇનની છે અને તેણે પોતાના વિચાર સ્વતંત્ર રૂપે વ્યક્ત કર્યાં, જે અમેરિકાના બંધારણમાં સંરક્ષિત છે. 

સૂરીની પત્નીનું નામ મફેઝે સાલેહ છે. તેણે કહ્યું કે, 'મારા પતિની ધરપકડે અમારી જિંદગીને વેરવિખેર કરી દીધી છે. અમારા ત્રણ બાળકોને તેના પિતાની જરૂર છે. તે તેમને ખૂબ જ યાદ કરે છે. એક માતાના રૂપે મને પોતાના બાળકો અને ખુદની સંભાળ માટે તેમના સાથની જરૂરત છે.'

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય, અમેરિકાના શિક્ષણ વિભાગને 'તાળું' માર્યું

દેશનિકાલ પર રોક

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જ્યાં સુધી કોઈ અંતિમ નિર્ણય નથી લેવામાં આવતો, બદર ખાન સૂરીને અમેરિકામાંથી કાઢી ન શકાય. જૉર્જટાઉન યુનિવર્સિટીના એક પ્રવક્તાએ જણાવ્યું કે,સૂરીના અમેરિકામાં રિસર્ચ માટે વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. તે ઈરાક અને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપના પર પોતાનું ડૉક્ટરેટ સંશોધન કરી રહ્યો છે. 

આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે યુએસ ઇમિગ્રેશન અધિકારીઓએ તાજેતરના અઠવાડિયામાં ઘણાં વિદ્યાર્થીઓ અને સંશોધકોની તપાસ શરૂ કરી છે. ઉદાહરણ તરીકે કોલંબિયા યુનિવર્સિટીના સ્નાતક વિદ્યાર્થી મહેમૂદ ખલીલ, જે એક પ્રમુખ પેલેસ્ટાઇનના કાર્યકર્તા છે, જેની 8 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ કેમ્પસમાં પેલેસ્ટાઇન સમર્થક પ્રદર્શનોમાં ભાગ લીધા બાદ કરવામાં આવી હતી. આ પ્રકારે કોલંબિયાની એક અન્ય વિદ્યાર્થિની લકા કોર્ડિયા, જે વેસ્ટ બેન્કની પેલેસ્ટાઇનની છે, જે 'વિદ્યાર્થી વિઝાનો સમયગાળાથી વધુ સમયથી સુધી રૂકવા' ના આરોપમાં તેની અટકાયત કરવામાં આવી હતી. વળી, કોલંબિયાની એક વિદ્યાર્થિની રંજના શ્રીનિવાસને ખુદ દેશ નિકાલનો નિર્ણય લીધો, જેને 'સેલ્ફ ડિપોર્ટેશન' કહેવામાં આવે છે. 

બદર ખાન સૂરીનો આ મામલો અમેરિકામાં વિદ્યાર્થીઓ અને સંશોધકો સામે વધી રહેલી કાર્યવાહીનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. તેમના સમર્થકોનું કહેવું છે કે, તેની પત્નીની ઓળખ અને તેના વિચાર કારણ હોય શકે ઠેય બીજી બાજું, DHS નો દાવો છે કે, આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે. હાલ, કોર્ટ દ્વારા સૂરીને આ મામલે રાહત મળી છે અને જ્યાં સુધી કોઈ આદેશ નથી આવયો તે અમેરિકામાં રહીને પોતાનું સંશોધન શરૂ રાખી શકે છે. આ મામલો અમેરિકામાં ઇમિગ્રેશન નીતિઓ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ચર્ચાને વધુ તીવ્ર બનાવી શકે છે.

Tags :