US Companies On Venezuela Oil Industry: ટ્રમ્પ સરકારે વેનેઝુએલાના સૌથી મૂલ્યવાન સંસાધન ઓઇલ ઉદ્યોગ પર નિયંત્રણ મેળવવા માટે એક મોટી અને સ્પષ્ટ રણનીતિની જાહેરાત કરી હતી. અમેરિકાના ઊર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે, અમેરિકા હવે વેનેઝુએલાના ઓઇલના ભવિષ્યના તમામ વેચાણને નિયંત્રિત કરશે અને તેમાંથી થતી આવકનો હિસાબ પણ અમેરિકા જ રાખશે. આ યોજના એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ સરકાર અમેરિકાની ઊર્જા કંપનીઓને વેનેઝુએલાના નષ્ટ થઈ રહેલા ઓઇલના માળખાને પુનઃજીવત કરવા અને તેના ઘટતા ઉત્પાદનને પુનર્જીવિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જોકે, હવે ઓઇલ કંપનીઓએ ટ્રમ્પના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું છે.
વેનેઝુએલા રોકાણ લાયક જગ્યા નથી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના ઓઇલ ઉદ્યોગને પુનર્જીવિત કરવાની યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેને લઈને શુક્રવારે વ્હાઇટ હાઉસમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન એક્સોનમોબિલના સીઈઓ ડેરેન વુડ્સ સહિત ઘણી કંપનીઓએ વેનેઝુએલામાં રોકાણ કરવા અંગેની સમસ્યાઓ વિશે જણાવ્યુ હતું. વુડ્સે સ્પષ્ટ કહ્યું કે, 'વર્તમાનમાં આ લેટિન અમેરિકન દેશ રોકાણ કરવા લાયક નથી.'
એક્સોનમોબિલના સીઈઓએ કહ્યું કે, 'વેનેઝુએલાની અસ્થિર કાયદો વ્યવસ્થા, રોકાણ સુરક્ષાનો અભાવ અને જૂના હાઇડ્રોકાર્બન કાયદાઓના કારણે પર્યાપ્ત સુધારા વિના અમેરિકન ઓઇલ કંપનીઓ માટે આ જગ્યા યોગ્ય નથી. જો તમે આજે વેનેઝુએલાના વ્યવસાયિક માળખા અને ઇન્ફ્રાસ્ટ્રક્ટર પર નજર કરો, તો ત્યાં રોકાણ કરવું શક્ય નથી.'
તેમણે આગળ કહ્યું કે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ટર અને કાયદા વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવા પડશે. રોકાણ માટે કાયમી સુરક્ષા ઉપાય અને હાઇડ્રોજન કાયદાઓમાં ફેરફારોની જરૂર છે. એક્સોનમોબિલે પહેલી વાર 1940માં વેનેઝુએલામાં પ્રવેશ કર્યો હતો અને તેની સંપત્તિ બે વાર જપ્ત કરવામાં આવી ચૂકી છે, તેથી જ કંપની સાવધાનીપૂર્વક આગળનું પગલું ભરવા માગે છે.
વેનેઝુએલામાં મોટા ફેરફારની જરૂર
કંપનીના સીઈઓએ કહ્યું કે, 'તમે કલ્પના કરી શકો છો કે ત્રીજી વખત ફરીથી પ્રવેશ કરવા માટે મોટા પ્રમાણમાં ફેરફારની જરૂર પડશે. ખાસ કરીને ઐતિહાસિક સ્વરૂપ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં ઘણા ફેરફારો જરૂરી છે. જોકે, ત્યારબાદ પણ વુડ્સે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે અમેરિકા જરૂરી ફેરફારો લાવવામાં મદદ કરી શકે છે.'
તપાસ માટે જશે એક ટીમ
વુડ્સે કહ્યું કે, 'અમને આશા છે કે, એક્સોન ટૂંક સમયમાં વેનેઝુએલાના ઓઇલ માળખાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ટેકનિકલ ટીમ મોકલશે. કંપનીઓએ કોઈપણ રોકાણ પહેલા સંભવિત લાભ વિશે જાણકારી હાંસલ કરવી પડશે.'
આ પણ વાંચો: વેનેઝુએલાના ઓઇલ પર અનિશ્ચિતકાળ સુધી અમેરિકાનો કંટ્રોલ! કમાણી માટે ટ્રમ્પે બનાવ્યો પ્લાન
સીઈઓએ કહ્યું કે, છેલ્લો સવાલ એ હશે કે, નાણાકીય દૃષ્ટિકોણથી સલામતીના પગલા કેટલા ટકાઉ છે? તેનો ફાયદો કેવો દેખાય છે? વ્યાપારી વ્યવસ્થાઓ અને કાનૂની માળખા શું છે? વેનેઝુએલામાં રોકાણ કરવાનો નિર્ણય લેતા પહેલા આ તમામ વસ્તુઓને વ્યવસ્થિત કરવી પડશે.
મધમાખીના ઝુંડની જેમ ઊભી છે કંપનીઓ
જોકે, ટ્રમ્પે દાવો કર્યો છે કે ઓઇલ કંપનીના અધિકારીઓ આ તકનો લાભ લેવા માટે મધમાખીના ઝુંડની જેમ લાઇનમાં ઊભા છે. જો તમે અંદર સુધી જવા નથી માગતા તો મને જણાવી દો. તેમણે બેઠક દરમિયાન કંપનીઓને કહ્યું કે, અહીં 25 લોકો હાલમાં નથી, જે તમારી જગ્યા લેવા માટે લાઇનમાં ઊભા છે. તેમણે એવા અહેવાલોને પણ ફગાવી દીધા જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, વહીવટીતંત્ર જોખમી રોકાણને સમર્થન આપવા માટે નાણાકીય ગેરંટી આપી રહ્યું છે.
આ પણ વાંચો: પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર... : વધુ એક દેશને અમેરિકાના ટ્રમ્પની ધમકી
ટ્રમ્પે કહ્યું કે, 'મને આશા છે કે મારે કોઈ બચાવ કરવાની જરૂર નહીં પડે. વિશ્વની સૌથી મોટી કંપનીઓ અહીં છે, અને તેઓ જોખમો સમજે છે.' વેનેઝુએલામાં રોકાણ કરતી કંપનીઓને અમેરિકન સરકાર દ્વારા ટેક્સપેયર્સના પૈસા ખર્ચ્યા વિના અથવા જમીન પર સેના તહેનાત કર્યા વિના "સંપૂર્ણ સુરક્ષા"ની ખાતરી આપવામાં આવશે.' ટ્રમ્પે સંકેત આપ્યો કે વેનેઝુએલા અમેરિકન કંપનીઓને સુરક્ષા પૂરી પાડશે અને કંપનીઓ પણ પોતાની સુરક્ષા વ્યવસ્થા સ્વયં કરશે.


