World

ચીન સામે અમેરિકાનું આત્મસમર્પણ...' ટ્રમ્પે જિનપિંગને મળ્યા બાદ એવું તો શું કર્યું કે ચારેકોર ચર્ચા થવા લાગી

By GS TEAM
11 Nov 20253 mins read
TukuTouch Logo
ચીન સામે આકરું વલણ અપનાવવાનો દાવો કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું પગલું ભર્યું છે જેને અમેરિકાનું ચીન સામે આત્મસમર્પણ માનવામાં આવી રહ્યું છે. અમેરિકાએ ચીની જહાજો પર લગાવવામાં આવેલી નવી પોર્ટ ફી સસ્પેન્ડ કરી દીધી છે, જેના કારણે અમેરિકામાં ટ્રમ્પની આકરી ટીકા થઈ રહી છે. ટ્રમ્પના આ નિર્ણયની ચારેકોર ચર્ચા થવા લાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીન સામે અમેરિકાનું આત્મસમર્પણ...' ટ્રમ્પે જિનપિંગને મળ્યા બાદ એવું તો શું કર્યું કે ચારેકોર ચર્ચા થવા લાગી

US-China Port Fees Suspension: ચીન સામે આકરું વલણ અપનાવવાનો દાવો કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું પગલું ભર્યું છે જેને અમેરિકાનું ચીન સામે આત્મસમર્પણ માનવામાં આવી રહ્યું છે. અમેરિકાએ ચીની જહાજો પર લગાવવામાં આવેલી નવી પોર્ટ ફી સસ્પેન્ડ કરી દીધી છે, જેના કારણે અમેરિકામાં ટ્રમ્પની આકરી ટીકા થઈ રહી છે. ટ્રમ્પના આ નિર્ણયની ચારેકોર ચર્ચા થવા લાગી છે. અમેરિકાની વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીનું કહેવું છે કે, ટ્રમ્પ ચીન પ્રત્યે પોતાનું વલણ નરમ કરી રહ્યા છે. અમેરિકાના ટ્રેડ યુનિયન પણ પોર્ટ ફી સસ્પેન્ડ કરવાના ટ્રમ્પના નિર્ણયથી નાખુશ છે.

વેપાર તણાવ વચ્ચે અમેરિકા અને ચીને તાજેતરમાં જ એકબીજાના જહાજો પર પોર્ટ ફી લાદી હતી. ગત મહિને દક્ષિણ કોરિયામાં એક શિખર સંમેલન દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાત બાદ બંને દેશોએ પોર્ટ ફી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. સૌથી પહેલા અમેરિકાએ પોર્ટ ફી હટાવી હતી, ત્યારબાદ સોમવારે ચીને પણ અમેરિકા અને અમેરિકા સાથે સંબંધિત જહાજો પર પોર્ટ ફી હટાવી દીધી હતી.

ચીની જહાજોની સંખ્યા જોતાં પોર્ટ ફી લગાવવાથી અમેરિકા ફાયદામાં હતું. હવે જ્યારે આ ફી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, ત્યારે અમેરિકામાં વિપક્ષ અને ટ્રેડ યુનિયનો નારાજ છે.

ટ્રમ્પના નિર્ણય પર શું કહી રહ્યા ટ્રેડ યુનિયન?

એક તરફ જ્યાં જહાજ માલિકોનું માનવું છે કે આ પગલાથી ખર્ચ ઘટાડવામાં અને વેપારને વેગ આપવામાં મદદ મળશે, પરંતુ ટ્રેડ યુનિયનો ચેતવણી આપે છે કે તેનાથી અમેરિકાની દરિયાઈ શક્તિ નબળી પડશે અને ચીનને ખોટો મેસેજ જશે. તેમનું કહેવું છે કે, આ ટ્રમ્પ વહીવટીતંત્રની ચીનને જવાબદાર ઠેરવનારા નિવેદનની વિપરીત છે. 

જૂન સુધી યુએસ નેવી સેક્રેટરી જોન ફેલાનના વ્યૂહાત્મક સલાહકાર રહેલા દરિયાઈ બાબતોના નિષ્ણાત હન્ટર સ્ટાયર્સે સોમવારે સોશિયલ મીડિયા પર યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​(USTR) ઑફિસને મોકલેલી પોતાની ટિપ્પણીમાં આ સસ્પેન્શનને 'એક ગંભીર વ્યૂહાત્મક ભૂલ' ગણાવી હતી.

એક અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું કે, '10,000થી વધુ ચીની જહાજો પરથી યુએસ પોર્ટ ફી હટાવીને માત્ર 183 અમેરિકન જહાજો પરથી પોર્ટ ફી હટાવડાવવી તે ખરેખર અમેરિકાનું આત્મસમર્પણ છે, જેને ખોટા સંતુલન તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે.'

અમેરિકાના વિપક્ષી સાંસદો શું બોલ્યા?

અમેરિકાના વિપક્ષી સાંસદ અને ઉદ્યોગ જગતના લોકો કહી રહ્યા છે કે, આ પગલું લાંબા ગાળાના અમેરિકાના દરિયાઈ હિતોને નબળા પડી શકે છે.

7 નવેમ્બરના રોજ USTR જેમીસન ગ્રીયરને લખેલા પત્રમાં ચીન પરની હાઉસ સિલેક્ટ કમિટીના રેન્કિંગ મેમ્બર રાજા કૃષ્ણમૂર્તિ અને સાંસદ જોન ગરમેન્ડીએ લખ્યું હતું કે, 'સેક્શન 301 હેઠળ સ્થાપિત પોર્ટ ફી વસૂલવાનું રોકવું અથવા ઘટાડવાથી અમેરિકામાં આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રના પુનઃનિર્માણની પ્રક્રિયામાં વધુ વિલંબ થશે.'

ઈલિનૉયથી ડેમોક્રેટ સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ અને કેલિફોર્નિયાના ડેમોક્રેટ જોન ગરમેન્ડીએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર કહી રહ્યું છે કે, અમેરિકાના દરિયાઈ ઉદ્યોગને ફરીથી સશક્ત બનાવવામાં આવશે પરંતુ તાજેતરનું આ પગલું ટ્રમ્પ વહીવટીતંત્રના પોતાના વાયદાથી પીછે હઠ કરવા બરાબર છે. 

અમેરિકાએ ચીની જહાજો પર કેમ અને કેટલી લગાવી હતી ફી?

અમેરિકાએ ચીનમાં બનેલા, ચીની સ્વામીત્વ વાળા અથવા તો પછી ચીન સાથે સબંધિત તમામ જહાજોના અમેરિકાના બંદરો પર રોકાવા બદલ 50 ડૉલર પ્રતિ ટન ફી લગાવી હતી, જે 14 ઑક્ટોબરના રોજ લાગુ કરવામાં આવી હતી. આ ફી બાઇડન વહીવટીતંત્ર દરમિયાન શરુ કરાયેલી તપાસના પરિણામો પર આધારિત હતી. આ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ચીનની ભારે સબસિડી અને સંરક્ષણવાદી નીતિઓએ ચીનને વૈશ્વિક જહાજ નિર્માણમાં લીડ અપાવી છે. 

ડેમોક્રેટ્સની જેમ જ અમેરિકાના ઘણા ટ્રેડ યુનિયનોએ પણ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. સંયુક્ત નિવેદનમાં યુનાઇટેડ સ્ટીલવર્કર્સ, ઇન્ટરનેશનલ ઍસોસિએશન ઑફ મશીનિસ્ટ્સ એન્ડ એરોસ્પેસ વર્કર્સ, ઇન્ટરનેશનલ બ્રધરહુડ ઑફ બોઇલરમેકર્સ અને ઇન્ટરનેશનલ બ્રધરહુડ ઑફ ઈલેક્ટ્રિકલ વર્કર્સે કહ્યું કે, 'આ પગલું ફરી એકવાર ચીનને તેની શિકારી નીતિઓમાં છૂટ આપશે અને અમેરિકાના દરિયાઈ ક્ષેત્રના પુનઃનિર્માણના પ્રયાસોને નુકસાન પહોંચાડશે.'

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ: લાલ કિલ્લો ત્રણ દિવસ માટે બંધ, કોલકાતામાં ભારત-સાઉથ આફ્રિકા મેચ અંગે મોટો નિર્ણય

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 'ટૂંકા ગાળાના રાજકીય હિતો માટે શ્રમિકો, શિપયાર્ડ્સ અને આપણા રાષ્ટ્રીય હિતોને ફરી એકવાર બાજુ પર રાખવામાં આવી રહ્યા છે.'

જોકે, આ પગલાના સમર્થકોનું કહેવું છે કે, 'પોર્ટ ફી સસ્પેન્ડ કરવાથી શિપિંગ ઉદ્યોગને રાહત મળશે અને વેપાર તણાવ વચ્ચે ગ્લોબલ સપ્લાય ચેઇન સ્થિર થશે.'