અમેરિકામાં આર્મીનું અપાચે હેલિકોપ્ટર ક્રેશ, ખેતરમાં ખાબકતા બંને પાયલટના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA Apache helicopter Crash News | અમેરિકાના ટેક્સાસ સ્થિત ફોર્ટ હૂડ (Fort Hood) નજીક ઓપરેશન દરમિયાન યુએસ આર્મીનું અત્યાધુનિક AH-64 અપાચે (AH-64 Apache) એટેક હેલિકોપ્ટર અચાનક એક ખેતરમાં કડાકાભેર ક્રેશ થઈ ગયું છે. આ ગોઝારા અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે હેલિકોપ્ટર જમીન પર પટકાતા જ ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે આસપાસના અનેક ઘરોને ખાલી કરાવવાની નોબત આવી હતી.
બંને પાયલટના મોત, આસપાસના વિસ્તારો ખાલી કરાવાયા
બેલ કાઉન્ટી શેરિફ ઓફિસના પ્રવક્તા ક્લિફ કોલમેને હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. જોકે, હજુ સુધી બંને મૃતક પાયલટોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરનો મલબો દૂર દૂર સુધી વિખેરાઈ ગયો હતો. સદનસીબે હેલિકોપ્ટર નીચે ખાબકતી વખતે કોઈ મકાન કે અન્ય ઈમારત સાથે અથડાયું નહોતું. આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
અકસ્માતનું કારણ અસ્પષ્ટ, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિવિઝન દ્વારા તપાસ શરૂ
અપાચે હેલિકોપ્ટર ઓપરેશન દરમિયાન અચાનક કેમ નીચે ખાબક્યું તેનું સાચું કારણ હજુ સામે આવ્યું નથી. ફોર્ટ હૂડની 'ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિવિઝન' દ્વારા આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. ફોર્ટ હૂડના કાર્યવાહક કમાન્ડિંગ જનરલ બ્રિગેડિયર જનરલ એથન ડિવેન અને ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ દુર્ઘટના પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી છે.
AH-64 અપાચે હેલિકોપ્ટરની વિશેષતા શું છે?
AH-64 અપાચે એ યુએસ આર્મીનું એક શક્તિશાળી ટ્વિન-એન્જિન એટેક હેલિકોપ્ટર છે. તેને મુખ્યત્ત્વે દુશ્મનોના જમીની ઠેકાણાઓ અને બખ્તરબંધ વાહનો (ટેન્કો) પર હુમલો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટર રોકેટ, મિસાઇલો અને 30mm ઓટોમેટિક કેનનથી સજ્જ હોય છે. યુએસ આર્મી દ્વારા વિશ્વભરમાં પોતાના વિવિધ સૈન્ય અભિયાનો અને યુદ્ધોમાં આ હેલિકોપ્ટરનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે.









