ભારતને 93 મિલિયન ડૉલરના હથિયારોના વેચાણને અમેરિકાની મંજૂરી, ડિફેન્સ પાર્ટનરશિપ મજબૂત થશે

US-India Relations: ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવતા એક મહત્ત્વના નિર્ણયમાં અમેરિકાએ ભારતને આશરે 93 મિલિયન ડૉલરના મૂલ્યના સંરક્ષણ હથિયારોના વેચાણને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરીથી ભારતને અત્યાધુનિક જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઈલો અને એક્સકેલિબર પ્રિસિઝન-ગાઇડેડ આર્ટિલરી રાઉન્ડનો નવો જથ્થો પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો થયો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન અને આર્મી ચીફ દ્વારા ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને બગાડવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જોકે હવે પાકિસ્તાન મોઢું જોતું રહી ગયું છે અને ભારત અને અમેરિકા વચ્ચે ડીલ થઇ ગઈ છે.
પેકેજમાં કયા હથિયારોનો સમાવેશ?
ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (DSCA) દ્વારા આ પ્રસ્તાવિત ટ્રાન્સફરની કોંગ્રેસને ઔપચારિક રીતે સૂચના આપી દેવામાં આવી છે. જેમાં 100 FGM-148 જેવેલિન મિસાઈલો, 25 હળવા કમાન્ડ લોન્ચ યુનિટ્સ (LCLU), 216 એક્સકેલિબર આર્ટિલરી રાઉન્ડ્સ (આશરે 47 મિલિયન ડૉલર)નો સમાવેશ થાય છે.
DSCAના નિવેદન અનુસાર, આ ડીલમાં લાઈફસાઇકલ સપોર્ટ, સલામતી નિરીક્ષણ, ઓપરેટર તાલીમ, લોન્ચ યુનિટ્સ માટે નવીનીકરણ સેવાઓ અને સંપૂર્ણ કાર્યકારી ક્ષમતા માટે જરૂરી અન્ય સંબંધિત તત્વોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ચીનમાં વીજ સંચાલિત ટ્રકોની બોલબાલા વધતાં એલએનજી-ડિઝલની માંગમાં ઘટાડો
વ્યૂહાત્મક ભાગીદારીને મળશે બળ
અમેરિકા દ્વારા આ હથિયારોના વેચાણનો ઉદ્દેશ્ય ભારતની સંરક્ષણ ક્ષમતાને વધારવાનો છે. આ ડીલ અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે અને હાલના તેમજ ઉભરતા જોખમોનો સામનો કરવાની ભારતની ક્ષમતામાં વધારો કરશે. આ હથિયારોનું વેચાણ ભારતને તેના માતૃભૂમિ સંરક્ષણને મજબૂત બનાવવામાં અને પ્રાદેશિક જોખમોને રોકવામાં સુધારો કરશે. જેવેલિન મિસાઇલો અને એક્સકેલિબર રાઉન્ડ્સ ભારતીય સેનાની જમીન પરની લડાઈ ક્ષમતામાં ગુણાત્મક વધારો કરશે.

