ચીનમાં વીજ સંચાલિત ટ્રકોની બોલબાલા વધતાં એલએનજી-ડિઝલની માંગમાં ઘટાડો

- યુરોપની મલાઇદાર વીજ ટ્રક બજાર સર કરવાની ચીનની નેમ
- 2040 સુધીમાં યુરોપમાં નવી ટ્રકોનું કાર્બન ઉત્સર્જન ઝીરો કરવાનું લક્ષ્ય હોઇ ચીન આ તક ઝડપવા માંગે છે
હાનોઇ, ચીન : ચીનમાં ડિઝલ ટ્રકોનું સ્થાને વીજ સંચાલિત ટ્રકોનું ચલણ વધવાને કારણે દુનિયામાં પરંપરાગત બળતણની માંગ ઘટશે અને હવે ચીન યુરોપની બજારમાં તેની વીજ ટ્રકો વેચવા ઇચ્છતું હોઇ હેવી ટ્રાન્સપોર્ટનું ભાવિ બદલાઇ જશે. ચીનમાં વીજ ટ્રકો ખરીદવામાં સરકારી સહાય અપાતી હોઇ અને વીજ વાહનોને ચાર્જ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર હોઇ ચીનમાં ડિઝલ ટ્રકોનું સ્થાન વીજ ટ્રકો લઇ રહી છે જેના કારણે એક અંદાજ અનુસાર ચીનમાં દરરોજ દસ લાખ બેરલ ઓઇલની માંગ ઘટી છે. વીજ સંચાલિત પેસેન્જર કારની બજારમાં અગ્રણી ચીન હવે વીજ ટ્રકોની બજાર સર કરવાની નેમ ધરાવે છે.
ચીનની વીજ સંચાલિત ટ્રકો અપનાવવાની ગતિ ચોંકાવનારી છે. ૨૦૨૦માં ચીનમાં તમામ નવી ટ્રકો ડિઝલ પર ચાલતી હતી. ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં નવી ટ્રકોમાં બેટરી સંચાલિત ટ્રકોની ટકાવારી૨૨ ટકા જણાઇ છે.
આ વર્ષે નવી ટ્રકોમાં વીજ ટ્રકોની ટકાવારી ૪૬ ટકાએ પહોંચશે. આધુનિક અર્થતંત્રોમાં ટ્રકોનું મહત્વ અનેરૂ છે. તેના કારણે ૨૦૧૯માં ત્રીજા ભાગનનું કાર્બન ઉત્સર્જન થાય છે. વીજ સંચાલિત ટ્રકોમાં બેટરી વજનદાર હોઇ તે ડિઝલ સંચાલિત ટ્રકોની સરખામણીમાં ઓછું માલ પરિવહન કરી શકે છે.
દુનિયામાં યુએસ બાદ ચીનસૌથી મોટો ટ્રક કાફલો ધરાવે છે. ૨૦૨૪માં નવી ટ્રકોના વેચાણમાં વીજ ટ્રકોનો હિસ્સો આઠ ટકા હતો તે ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં વધીને ૨૮ ટકા થઇ ગયો હતો. વીજ ટ્રકોના ભાવ ઘટવાને કારણે પાંચ મહિનાથી સતત એલએનજી ટ્રકોની સરખામણીમાં વીજ ટ્રકો વધારે વેચાઇ રહી છે.
વીજ ટ્રકોની કિંમત ડિઝલ ટ્રકો કરતાં બમણી-ત્રણગણી છે અને એલએનજી સંચાલિત ટ્રકો કરતાં ૧૮ ટકા વધારે છે. ૨૦૨૪માં ચીનની સરકારે ટ્રકમાલિકો માટે ખાસ પ્રોત્સાહન યોજના જાહેર કરી હતી જેમાં જુની ટ્રકના સ્થાને વીજ ટ્રક ખરીદનારાને ૧૯,૦૦૦ ડોલર જેટલી રાહત આપવામાં આવી હતી. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ભારે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હોઇ વીજ ટ્રકોની માંગ વધી છે.
દુનિયામાં વીજવાહનોની બેટરીના સૌથી મોટા ઉત્પાદક સીએટીએલ દ્વારા ટ્રકો માટે મે મહિનામાં બેટરી સ્વેપિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ચીનના ૧,૮૪,૦૦૦ કિમીના એક્સપ્રેસ વે માંથી ૧,૫૦,૦૦૦ કિમીના એક્સપ્રેસ વેને આવરી લેતું સ્વેપ સ્ટેશન્સનું નેટવર્ક સ્થાપવાની દિશામાં કામ થઇ રહ્યું છે. દુનિયામાં યુએસ બાદડિઝલના સૌથી મોટાં વપરાશકાર ચીનમાં જુન ૨૦૨૪માં રોજ ૩૯ લાખ બેરલ ડિઝલની ખપત ઘટી હતી.
મધ્ય પૂર્વના દેશોમાં અને નોર્થ આફ્રિકામાં ચીનની વીજટ્રકોની નિકાસમાં ૨૦૨૧-૨૩ દરમ્યાન વર્ષે ૭૩ ટકાનો વધારો નોંધાયો હતો તો લેટિન અમેરિકામાં ૪૬ ટકા નિકાસ વધી હતી. હાલ ચીન તેની વીજ ટ્રકોની નિકાસ થાઇલેન્ડ, ભારત અને યુએઇમાં કરી રહ્યું છે. જુનમાં બીવાયડીએ હંગેરીમાં વીજ બસ અને ટ્રક બનાવવાની ફેકટરી શરૂ કરી છે. ૨૦૪૦ સુધીમાં યુરોપમાં નવી ટ્રકોનું કાર્બન ઉત્સર્જન ઝીરો કરવાનું લક્ષ્ય હોઇ ચીન આ તકનો લાભ લેવા માંગે છે.

