VIDEO: યુરોપમાં ક્લાઉડિયા વાવાઝોડાએ તબાહી મચાવી, ભારે વરસાદ બાદ પૂર, બેના મોત

| Representative image |
Europe Claudia Strom News: યુરોપના અનેક દેશોમાં 'ક્લાઉડિયા' નામના શક્તિશાળી વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. વાવાઝોડું બ્રિટન અને વેલ્સ તરફ આગળ વધતા બે લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદ અને અત્યંત તેજ ગતિથી ફૂંકાતા પવનને કારણે પોર્ટુગલ, બ્રિટન અને વેલ્સના ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. રાહત અને બચાવ ટીમો સતત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં લાગેલી છે.
પોર્ટુગલમાં સૌથી વધુ અસર
વાવાઝોડાની સૌથી વધુ અસર પોર્ટુગલમાં જોવા મળી છે, જ્યાં સેતુબલ અને ફારો જિલ્લાઓ સહિત અનેક વિસ્તારોમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. પોર્ટુગલના રાષ્ટ્રીય કટોકટી અને નાગરિક સુરક્ષા પ્રાધિકરણ અનુસાર, બુધવાર બપોરથી શુક્રવાર સવાર સુધીમાં લગભગ 2,434 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી મોટાભાગની પૂર સંબંધિત હતી. દક્ષિણ પોર્ટુગલનો ફારો જિલ્લો શુક્રવારે સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે પૂર આવ્યું હતું અને અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. સેતુબલ નગરપાલિકાના અઝીતાઓ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક રસ્તો તૂટી પડ્યો, જેનાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો.
આ પણ વાંચો: વિશ્વનો એકમાત્ર એવો ટચૂકડો દેશ લક્ઝમબર્ગ જ્યાં મહિલાઓની આવક પુરુષો કરતા પણ વધુ
બ્રિટન અને વેલ્સમાં તબાહી
'ક્લાઉડિયા' વાવાઝોડાને કારણે બ્રિટન અને વેલ્સમાં પણ સતત ભારે વરસાદ અને તોફાનનો દોર ચાલુ છે. બ્રિટનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવાર અને શુક્રવાર વચ્ચે ગ્વેન્ટના તફાલોગ ખાતે 81.8 મિમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે વેલ્સના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે. આ દુર્ઘટનામાં, બચાવકર્મીઓને ગુરુવારે એક વૃદ્ધ દંપતીનો મૃતદેહ તેમના પૂરમાં ગરકાવ થયેલા ઘરમાંથી મળ્યો હતો. એવી આશંકા છે કે તેઓ રાત્રે સૂઈ રહ્યા હતા અને પાણીનું સ્તર અચાનક વધવાને કારણે તેઓ બહાર નીકળી શક્યા નહીં. હાલમાં, પોર્ટુગાલના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચારથી પાંચ મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં પૂર માટે 'હાઈ એલર્ટ' યથાવત છે.

