યુએન સિક્યોરિટી કાઉન્સિલે સીરિયાના પ્રમુખ સામેના પ્રતિબંધ હટાવ્યાં, જલદી જ ટ્રમ્પ સાથે થશે મુલાકાત

US Politics: યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા પ્રસ્તાવિત એક મહત્ત્વના ઠરાવ પર મતદાન કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) સીરિયાના નવા પ્રમુખ અહેમદ અલ-શારા પરના પ્રતિબંધો હટાવી લીધા છે. આ નિર્ણય સોમવારે (10મી નવેમ્બર) વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલ-શારાની મુલાકાત યોજાય તે પહેલાં લેવામાં આવ્યો છે.
UNSCમાં 14 સભ્યોએ પક્ષમાં મતદાન કર્યું
અમેરિકા દ્વારા તૈયાર કરાયેલા આ ઠરાવમાં સીરિયાના પ્રમુખ અલ-શારા તેમજ સીરિયાના ગૃહમંત્રી અનસ ખત્તાબ પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા. 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં 14 સભ્યોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. માત્ર ચીન આ મતદાન દરમિયાન ગેરહાજર રહ્યું હતું.
વોશિંગ્ટન મહિનાઓથી સીરિયા પરના પ્રતિબંધો હળવા કરવા માટે અપીલ કરી રહ્યું હતું. ટ્રમ્પે મે મહિનામાં જ અમેરિકાની નીતિમાં મોટા પરિવર્તનની જાહેરાત કરી હતી, જેમાં તેમણે સીરિયા પરના પ્રતિબંધો હટાવવાની વાત કરી હતી.
મતદાન બાદ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત માઈક વોલ્ટ્ઝે જણાવ્યું હતું કે, 'કાઉન્સિલ એક મજબૂત રાજકીય સંકેત મોકલી રહી છે, જે સ્વીકારે છે કે (પૂર્વ પ્રમુખ) અસદ અને તેના સાથીઓની હકાલપટ્ટી પછી સીરિયા એક નવા યુગમાં પ્રવેશી ગયું છે.'
આ પણ વાંચો: 'આખરે દુષ્ટ મહિલાથી મુક્તિ મળી ગઇ...' કોના સંન્યાસની જાહેરાતથી ટ્રમ્પ થયા ખુશ-ખુશ!
સીરિયાના પ્રમુખ બશર અલ-અસદને પદભ્રષ્ટ કર્યા
અહેમદ અલ-શારા ઇસ્લામિક હયાત તહરિર અલ-શામ (HTS) ના નેતૃત્વ હેઠળના બળવાખોર દળોના નેતા છે, જેમણે 13 વર્ષના ગૃહયુદ્ધ પછી ડિસેમ્બરમાં સીરિયાના પ્રમુખ બશર અલ-અસદને પદભ્રષ્ટ કર્યા હતા. અગાઉ નુસરા ફ્રન્ટ તરીકે ઓળખાતું, HTS સીરિયામાં અલ-કાયદાની સત્તાવાર પાંખ હતી. જોકે, તેમણે વર્ષ 2016માં અલ-કાયદા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.
પ્રતિબંધો હટાવ્યા
HTS જૂથ મે 2014થી યુએન સુરક્ષા પરિષદની અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ પ્રતિબંધોની યાદીમાં હતું. આ પ્રતિબંધો, જેમાં મુસાફરી પ્રતિબંધો, સંપત્તિ ફ્રીઝ અને શસ્ત્ર પ્રતિબંધોનો સમાવેશ થાય છે, તે હવે અલ-શારા અને ખત્તાબ સામેથી હટાવી લેવામાં આવ્યા છે.
યુએન પ્રતિબંધ નિરીક્ષકોએ આ વર્ષે અલ-કાયદા અને HTS વચ્ચે કોઈ સક્રિય જોડાણ જોયું નથી. આ પ્રતિબંધ હટાવવાને કારણે અલ-શારા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી સંબંધો શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે, જેની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતથી થશે.

