Get The App

'આખરે દુષ્ટ મહિલાથી મુક્તિ મળી ગઇ...' કોના સંન્યાસની જાહેરાતથી ટ્રમ્પ થયા ખુશ-ખુશ!

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
'આખરે દુષ્ટ મહિલાથી મુક્તિ મળી ગઇ...' કોના સંન્યાસની જાહેરાતથી ટ્રમ્પ થયા ખુશ-ખુશ! 1 - image


Nancy Pelosi and Donald Trump News : અમેરિકન પ્રતિનિધિ સભાના પ્રથમ મહિલા સ્પીકર અને દેશના રાજકારણમાં સૌથી પ્રભાવશાળી મહિલાઓમાંથી એક, નેન્સી પેલોસીએ જાહેરાત કરી છે કે હું 2026ની ચૂંટણીમાં ફરીથી ઉમેદવારી નહીં કરું. તેમણે સ્પષ્ટ કર્યું કે હું મારો વર્તમાન કાર્યકાળ પૂર્ણ કરીશ અને ત્યારબાદ કોંગ્રેસમાંથી ધીમે ધીમે નિવૃત્તિ લઈ લઈશ. પેલોસીએ લગભગ 40 વર્ષ સુધી કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.

નેન્સી પેલોસીની ઐતિહાસિક કારકિર્દી

નેન્સી પેલોસીએ અમેરિકન કોંગ્રેસમાં મહિલાઓ માટે નવા માર્ગો ખોલ્યા. તેમણે પૂર્વ પ્રમુખ  બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન 'અફોર્ડેબલ કેર એક્ટ' અને 'ડોડ-ફ્રેન્ક નાણાકીય સુધારા' જેવા મોટા કાયદાઓ પસાર કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પેલોસીએ 2007-2011 અને 2019-2023 દરમિયાન બે વખત સ્પીકર તરીકે સેવા આપી હતી. તેમણે ડેમોક્રેટિક પાર્ટીને એકજૂથ રાખવામાં અને મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો.

ટ્રમ્પ સાથેનો સંઘર્ષ અને તેમની પ્રતિક્રિયા

ડોનાલ્ડ ટ્રમ્પ અને નેન્સી પેલોસી વચ્ચે લાંબા સમયથી રાજકીય સંઘર્ષ રહ્યો છે. પેલોસીએ તેમના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પ વિરુદ્ધ બે વખત મહાભિયોગ પ્રક્રિયા ચલાવી હતી - પ્રથમ યુક્રેન મામલે અને બીજી 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ હિલ પર થયેલા હુમલા બાદ. પેલોસીની સંન્યાસની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા, ડોનાલ્ડ ટ્રમ્પે તેમને "એક દુષ્ટ મહિલા" ગણાવી અને કહ્યું કે તેઓ તેમના નિવૃત્ત થવાથી ખુશ છે.

લોકશાહી માટે લડતા રહેવાનો સંદેશ

પોતાના સંન્યાસની જાહેરાત સાથે, પેલોસીએ લોકોને લોકશાહીમાં સક્રિય ભાગીદારી જાળવી રાખવા અને લોકતાંત્રિક મૂલ્યો માટે નિષ્ઠાપૂર્વક લડવાની અપીલ કરી. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું, "મારા શહેર સાન ફ્રાન્સિસ્કોને મારો સંદેશ છે - તમારી શક્તિને ઓળખો. આપણે ઇતિહાસ રચ્યો છે, પ્રગતિ કરી છે અને હંમેશા આગળ વધ્યા છીએ."

સંન્યાસનું મહત્વ

નેન્સી પેલોસીના રાજકીય મંચ પરથી હટવાના નિર્ણયથી ડેમોક્રેટિક પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની દોડ વધુ તેજ બની શકે છે, જ્યાં ઘણા યુવા નેતાઓ તેમનું સ્થાન લેવા માટે તૈયાર છે. તેમની છબી હંમેશા અમેરિકી રાજકારણના એક મજબૂત નેતા તરીકે રહેશે અને તેમનું યોગદાન અમેરિકન લોકશાહીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે.

Tags :