World

‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો

By GS Team
11 Oct 20263 mins read
TukuTouch Logo
અમેરિકી પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે 30 લાખ ટન ડીઝલની ડીલ કરી છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આનો વિરોધ કરતા રશિયન રિફાઇનરીઓ પર હુમલા ચાલુ રાખવાની ચેતવણી આપી. ટ્રમ્પે યુક્રેનને નવા નેતૃત્વની જરૂર હોવાનું જણાવી ઝેલેન્સ્કી પર 30% જમીન ગુમાવવા અને 20 લાખ લોકોના મોતનો આરોપ લગાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’  રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો

Trump Demands New Leadership in Ukraine : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક નવા નિવેદનથી વૈશ્વિક રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે, ત્યારે ટ્રમ્પે રશિયા સાથે મોટા પાયે ડીઝલ પુરવઠા માટે કરાર કર્યા છે. યુક્રેને આ સોદાનો સખત વિરોધ નોંધાવતા જ ટ્રમ્પે વળતો પ્રહાર કરી સીધું જ કહી દીધું છે કે યુક્રેનને હવે નવા નેતૃત્વની જરૂર છે.

ડીઝલ ડીલ અને ઝેલેન્સ્કીનો વિરોધ

આ સમગ્ર વિવાદની શરૂઆત અમેરિકા અને રશિયા વચ્ચે થયેલા નવા ડીઝલ સોદાથી થઈ હતી. યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ સોદાની આકરી ટીકા કરતા ચેતવણી આપી હતી કે, જો અમેરિકા રશિયા પાસેથી લાખો ટન ડીઝલ ખરીદશે તો તેમાંથી મળતી માતબર રકમનો ઉપયોગ રશિયા યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવા માટે કરશે.

ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વચ્ચે શું સોદો થયો?

આ અંગે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'Truth Social' પર માહિતી આપતા જણાવ્યું કે, મને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે અત્યંત સફળ ચર્ચા કરી છે. આ સમજૂતી મુજબ મહત્ત્વના નિર્ણયો લેવાયા છે.

  • પ્રથમ તબક્કો: રશિયા તાત્કાલિક ધોરણે અમેરિકા અને વૈશ્વિક બજારમાં 3,00,000 ટન ડીઝલ આપશે.
  • આગામી તબક્કો: નવેમ્બરમાં વધુ 5,00,000 ટન અને ત્યારબાદ ટૂંક સમયમાં 10,00,000 ટન ડીઝલનો પુરવઠો પૂરો પાડશે.
  • કુલ પુરવઠો: રશિયન રિફાઇનરીઓની સ્થિતિ સાનુકૂળ રહેશે તો ટૂંકા ગાળામાં કુલ 30,00,000 ટન ડીઝલ બજારમાં આવી શકે છે.
    ટ્રમ્પના મતે બજારમાં ઈંધણનો પુરવઠો વધવાથી વૈશ્વિક સ્તરે ભાવ ઘટશે, જેનાથી અમેરિકન ગ્રાહકો સહિત આંતરરાષ્ટ્રીય બજારોને મોટો આર્થિક લાભ થશે.

રશિયન રિફાઇનરીઓ પર હુમલા ન કરવા ચેતવણી

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીના વિરોધથી નારાજ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં યુક્રેનને રશિયન રિફાઇનરીઓ પર હુમલા બંધ કરવા તાકીદ કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, ‘અમે ઝેલેન્સ્કીને અગાઉથી જ સ્પષ્ટ કહ્યું હતું કે રશિયા સામે યુદ્ધ લડવું હોય તે લડો, પરંતુ તેમની રિફાઇનરીઓ પર હુમલો ન કરો કારણ કે તેનાથી સમગ્ર વિશ્વ માટે ઈંધણની ગંભીર કટોકટી ઊભી થાય છે.’
ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ઝેલેન્સ્કી રિફાઇનરીઓ પર હુમલાની મંજૂરી આપીને દુનિયાભરના દેશો માટે મુશ્કેલીઓ વધારી રહ્યા છે.

'યુક્રેનને સમજૂતી કરી શકે તેવા નેતાની જરૂર'

ઝેલેન્સ્કીની વાટાઘાટો કરવાની ક્ષમતા પર સવાલ ઉઠાવતા ટ્રમ્પે સૂચન કર્યું કે, યુક્રેનને એવા નેતાની જરૂર છે જે શાંતિ કે યોગ્ય સમજૂતી (ડીલ) કરી શકે.

  • ક્ષેત્રીય અને જાનમાલનું નુકસાન: ટ્રમ્પના દાવા મુજબ, યોગ્ય નિર્ણયશક્તિના અભાવે યુક્રેને પોતાની 30% જમીન ગુમાવી છે અને 20 લાખથી વધુ લોકો માર્યા ગયા છે.
  • અગાઉનો દાવો: આ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, જો 2022માં હું અમેરિકાના પ્રમુખ પદે હોત તો આ યુદ્ધ શરૂ જ થવા ન દીધું હોત.

શું યુક્રેનમાં નેતૃત્વ પરિવર્તન શક્ય છે?

ટ્રમ્પના નિવેદન છતાં વાસ્તવિકતા એ છે કે રશિયન આક્રમણ બાદથી જ યુક્રેનમાં માર્શલ લો (લશ્કરી શાસન) લાગુ છે. કાયદાકીય સ્થિતિ મુજબ યુદ્ધ પૂરું ન થાય ત્યાં સુધી દેશમાં તમામ ચૂંટણીઓ સ્થગિત છે. તેથી ઝેલેન્સ્કી રાજીનામું ન આપે ત્યાં સુધી બંધારણીય રીતે તેમને પદ પરથી હટાવવા કે નવા પ્રમુખ લાવવા શક્ય નથી.