યુક્રેનના સ્વતંત્રતા દિવસે રશિયામાં ભયંકર ડ્રોન હુમલા, પરમાણુ પ્લાન્ટ અને ફ્યુઅલ ટર્મિનલને મોટું નુકસાન
Ukraine Drone Attack in Russia : યુક્રેન આજે (24 ઓગસ્ટ) સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે રશિયાના કુર્સ્ક પ્રદેશમાં આવેલા એક પરમાણુ ઊર્જા પ્લાન્ટ પર આજે યુક્રેન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ડ્રોન પ્લાન્ટના રિએક્ટર નંબર-3 પાસે વિસ્ફોટ થયો, જેના કારણે એક ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બાદ રિએક્ટરની કાર્યક્ષમતામાં 50 ટકા ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હુમલામાં ટર્મિનલને પણ નુકસાન થયું છે.
રશિયા અને આંતરરાષ્ટ્રીય એજન્સીનું નિવેદન
પરમાણુ પ્લન્ટ પર હુમલા બાદ તરત જ આગ લાગી હતી, પરંતુ તેને ઝડપથી કાબૂમાં લેવામાં આવી. પ્લાન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાના કારણે પરમાણુ પ્લાન્ટના મુખ્ય માળખાને કોઈ નુકસાન થયું નથી, અને રેડિયેશનનું સ્તર સામાન્ય રહ્યું છે. આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ પણ નથી.
રશિયાનો દાવો યુક્રેનના 95 ડ્રોન તોડી પાડ્યા
રશિયાના સંરક્ષણ મંત્રાલયે આજે કહ્યું કે, યુક્રેને અમારા 12થી વધુ વિસ્તારોમાં ડ્રોનથી હુમલા કર્યા હતા, જેમાંથી રશિયન સેનાએ 95 ડ્રોન તોડી પાડ્યા છે. બીજીતરફ યુક્રેન સરહદથી લગભગ 60 કિલોમીટર દૂર કુર્સ્ક પરમાણુ પ્લાન્ટના અધિકારીઓએ કહ્યું કે, ‘અમારી ડિફેન્સ સિસ્ટમે એક ડ્રોન તોડી પાડ્યું છે, જોકે વિસ્ફોટના કારણે ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે અને રિએક્ટર નંબર-3ની સંચાલન ક્ષમતામાં 50 ટકાનો ઘટાડો થયો છે. ડ્રોન હુમલામાં આગ લાગી છે, પરંતુ કોઈ જાનહાની સર્જાઈ નથી. હાલ બે રિએક્ટરમાંથી વીજળી ઉત્પાદન બંધ થઈ ગયું છે, જ્યારે એકનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : ઈઝરાયલનો મધ્ય પૂર્વના વધુ એક દેશ પર ભયાનક હુમલો, રહેણાંક વિસ્તારમાં મિસાઈલો ઝિંકી
રશિયાના ઈંધણ ટર્મિનલમાં આગ
રશિયાના ઉત્તરી લેનિનગ્રાડ પ્રદેશમાં આવેલા ઉસ્ત-લુગા બંદર પર યુક્રેન દ્વારા મોકલવામાં આવેલા ઓછામાં ઓછા 10 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. આ બંદર ફિનલેન્ડની ખાડીથી લગભગ એક હજાર કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. આ ડ્રોનના કાટમાળ પડવાથી નોવાટેક દ્વારા સંચાલિત ઇંધણ ટર્મિનલમાં આગ લાગી હતી. પ્રાદેશિક ગવર્નરે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
રશિયન ટેલિગ્રામ ચેનલો પર બતાવાયેલ પુષ્ટિ વગરના વિડિઓમાં એક ડ્રોન સીધું ફ્યૂલ ટર્મિનલ તરફ જતું અને પછી આગ લાગતું દેખાડાઈ રહ્યું છે. લેનિનગ્રાહ વિસ્તારના ગવર્નરે કહ્યું કે, આગ પર કાબુ મેળવી લેવાયો છે અને ઈમરજન્સી સેવાઓ ફરી શરૂ કરી દેવાઈ છે. તેમણે કહ્યું કે, ઘટનામાં કોઈપણ જાનહાની સર્જાઈ નથી.