VIDEO : ઈઝરાયલનો મધ્ય પૂર્વના વધુ એક દેશ પર ભયાનક હુમલો, રહેણાંક વિસ્તારમાં મિસાઈલો ઝીંકી
Israel Strikes Houthis : ઈઝરાયેલે મધ્ય પૂર્વના વધુ એક દેશ પર આડેધડ મિસાઈલો ઝિંકી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઈઝરાયલે ઈરાન સમર્થિત હુથીવિદ્રોહીઓના હવાઈ હુમલાઓનો જવાબ આપતા યમનની રાજધાની સાનામાં આડેધડ મિસાઈલો ઝિંકી છે. રવિવારે (24 ઓગસ્ટ) સાનાના મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં ધડાકાઓના અવાજો સંભળાયા હતા. આ હુમલો હુથીવિદ્રોહીઓ પર ઈઝરાયલના સીધા હુમલાનો સંકેત આપે છે. જોકે, ઈઝરાયલ તરફથી આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
હુમલામાં બે લોકોના મોત
હુથીમીડિયા કાર્યાલયના દાવા મુજબ, ઈઝરાયલની સ્ટ્રાઈકમાં હેઝ્યાઝ વીજળી પ્લાન્ટ અને એક ગેસ સ્ટેશન સહિત અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. રાજધાનીના લોકોએ જણાવ્યું કે, સમગ્ર શહેરમાં, ખાસ કરીને રાષ્ટ્રપતિ ભવન અને એક બંધ સૈન્ય અકાદમીની આસપાસ વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. સાબિક ચોક પાસે ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા.
હુતીઓ ઈઝરાયલના કટ્ટર વિરોધી
ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે વિવાદ શરૂ થયા બાદ હુથીવિદ્રોહીઓ લાલ સાગરમાં ઈઝરાયલના વેપારને નુકસાન પહોંચાડવા માટે સતત ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યા છે. આ દરિયાઈ માર્ગે દર વર્ષે અંદાજે એક ટ્રિલિયન ડોલરનો સામાન પસાર થાય છે. નવેમ્બર 2023થી ડિસેમ્બર 2024 વચ્ચે હુતીઓએ 100થી વધુ જહાજોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે ભારે નુકસાન થયું હતું. અમેરિકાએ હુતીઓ સાથે એક કરાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુતીઓએ સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ ઈઝરાયલના વેપારી જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખશે.
હુથીવિદ્રોહીનો નારો ‘ઈઝરાયલનો વિનાશ’
'અંસાર અલ્લાહ' તરીકે ઓળખાતા હુથીવિદ્રોહી યમનમાં સક્રિય છે અને તેઓ એક શિયા ઝૈદી આંદોલન પણ કરી રહ્યા છે. તેઓ ઈઝરાયલના કટ્ટર વિરોધી છે અને તેમનો મુખ્ય નારો ‘ઈઝરાયલનો વિનાશ’ રહ્યો છે. તેઓ માને છે કે, ઈઝરાયલ પેલેસ્ટાઈનીઓ પર અત્યાચારનું મુખ્ય સમર્થક છે. હુતીઓ પોતાને ‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’નો ભાગ માને છે, જેમાં ઈરાન, ઈરાકી મિલિશિયા, હિઝબુલ્લાહ અને હમાસ જેવા સંગઠનો પણ સામેલ છે, જે ઈઝરાયલ સામે એકજૂટ છે.
આ પણ વાંચો : UNની ગાઝામાં દુકાળની જાહેરાત, પાંચ લાખ લોકો ભુખમરાનો શિકાર, ઈઝરાયલે આરોપોને નકાર્યા
હુતીઓ ઈઝરાયલને આપશે વળતો જવાબ?
હુતીઓ ઈઝરાયલ પર હુમલા કરવા માટે હાઈપરસોનિક મિસાઈલ અને ડ્રોનનો સૌથી વધુ ઉપયોગ કરતા રહ્યા છે. હુતીઓએ 2023થી ઈઝરાયલના ઘણા સૈન્ય ઠેકાણાઓ, મહત્વના માળખાકીય સુવિધાઓ અને બંદરોને સતત ટાર્ગેટ કરી રહ્યા છે. ઈઝરાયલનો આ વળતો હુમલાની એવા સંકેત છે કે, બંને વચ્ચે આગામી સમયમાં ભારે ઘર્ષણ થઈ શકે છે, જેના કારણે અશાંતિનો સામનો કરી રહેલા મધ્ય પૂર્વના દેશો વધુ ચિંતામાં મુકાઈ શકે છે. એવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે કે, હુતીએ ઈઝરાયલના હુમલાનો આક્રમક જવાબ આપી શકે છે, જેનાથી ક્ષેત્રીય સુરક્ષા સામે નવો ખતરો ઊભો થઈ શકે છે.