Get The App

Explainer: યુએઈએ OPEC સાથે છેડો કેમ છોડ્યો ? મજબૂરી કે પછી ક્રૂડની દુનિયામાં નવો ખેલાડી બનવાની તૈયારી!

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: યુએઈએ OPEC સાથે છેડો કેમ છોડ્યો ? મજબૂરી કે પછી ક્રૂડની દુનિયામાં નવો ખેલાડી બનવાની તૈયારી! 1 - image

UAE Exits OPEC : સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ દ્વારા OPEC (ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ)માંથી અચાનક બહાર નીકળવાની જાહેરાતે વૈશ્વિક ઊર્જા ક્ષેત્રમાં હલચલ મચાવી દીધી છે. 1967થી OPECના સભ્ય રહેલા આ દેશે પોતાનો અલગ રસ્તો પસંદ કરી લીધો, એ માત્ર એક સભ્યપદનો અંત નથી, પરંતુ ઓપેકના નેતૃત્વ, તેલના ભાવિષ્ય અને મધ્ય-પૂર્વના શક્તિસંતુલન સામે પડકાર છે. ઘણાં દાયકાઓથી ક્રૂડ માર્કેટને નિયંત્રિત કરતી આ સંસ્થા હવે તેનું વર્ચસ્વ ગુમાવી રહી છે અને યુએઈનું આ પગલું તેની સાબિતી છે. ચાલો જાણીએ ઓપેક સાથે છેડો ફાડવાના યુએઈએ મુખ્ય 4 કારણ કયા છે. 

OPECનો પ્રભાવ ઘટ્યો

ગલ્ફ સહિતના તેલ ઉત્પાદક દેશોના સંગઠન એવા ઓપેકે દાયકાઓ સુધી ક્રૂડ ઓઈલ ઉત્પાદનમાં વધ-ઘટ કરીને તેના ભાવ પર પ્રભાવ જમાવી રાખ્યો છે. 1970ના દાયકાની તેલ કટોકટી દરમિયાન તેની શક્તિ સ્પષ્ટ જોવા મળી હતી. જો કે આજના સમયમાં તેની અસર પહેલાની તુલનામાં ઘટી ગઈ છે. વૈશ્વિક વેપારમાં ક્રૂડ ઓઈલનો આશરે 85% હિસ્સો હવે ઓપેક બહારના સ્ત્રોતોમાંથી આવે છે, જેના કારણે ઓપેકની મોનોપોલી ઘટી ગઈ છે. યુએઈ જેવા દેશોએ પણ આ સંગઠનમાંથી નીકળી ગયા છે, જેના કારણોની મુદ્દાસર ચર્ચા કરીએ. 

OPEC સંગઠનમાંથી યુએઈના છૂટાછેડાના 4 મુખ્ય કારણ

1... યુએઈના નિર્ણય પાછળનું મુખ્ય કારણ આર્થિક છે : યુએઈએ તેના ક્રૂડ ઓઈલ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કર્યું છે અને તેની પાસે ઓઈલ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવાની ક્ષમતા છે. ઓપેકમાં સામેલ દરેક દેશને ઓઈલ ઉત્પાદન માટે નિશ્ચિત ક્વોટા આપ્યો હોવાથી યુએઈ અત્યાર સુધી રોજ માત્ર 30થી 35 લાખ બેરલ ઉત્પાદન જ કરતું હતું. આ મર્યાદા યુએઈ માટે નાણાકીય રીતે નુકસાનકારક હતી. હવે, સંગઠનમાંથી બહાર નીકળ્યા બાદ યુએઈ તેની ક્ષમતા પ્રમાણે ઉત્પાદન વધારી શકશે. એક અંદાજ મુજબ 2027 સુધીમાં તે રોજના 50 લાખ બેરલ જેટલું ઉત્પાદન કરશે. આમ, ઓપેક છોડવાના પગલાં પૈકીનું સૌથી મુખ્ય કારણ આવક વધારવાનું છે.

2... સાઉદી અરેબિયા સાથે વધતો તણાવ : ઓપેકમાં સાઉદી અરેબિયાનું પ્રભુત્વ છે અને ઓઈલના ભાવને ઊંચા રાખવા તે ઘણી વખત ઉત્પાદન મર્યાદિત રાખવાનું સમર્થન કરે છે. બીજી તરફ યુએઈ વધુ ઉત્પાદન કરીને બજારમાં ભાગીદારી વધારવા માગે છે. આ વિપરીત અભિગમ બંને દેશ વચ્ચે લાંબા સમયથી તણાવનું કારણ છે. સાઉદીની આગેવાની હેઠળ કામ કરવા તૈયાર ન હોવાથી યુએઈ અલગ થઈ ગયું છે. હવે તે સ્વતંત્ર રીતે પોતાની ઊર્જા નીતિ નક્કી કરશે.

3... ખાડી દેશોની રાજનીતિ અને યુદ્ધનો પ્રભાવ : આ પગલાં પાછળ રાજકીય સંજોગો પણ કારણભૂત છે. તાજેતરના યુદ્ધમાં ઈરાને યુએઈ પર હુમલા કર્યા ત્યારે સાઉદી અને અન્ય દેશોએ સાવચેતીનો માર્ગ અપનાવ્યો હતો. તેઓ યુએઈની મદદ માટે આગળ નહોતા આવ્યા. એટલે યુએઈએ નક્કી કર્યું કે, જે દેશો યુદ્ધમાં અમને મદદરૂપ નથી થતા એમની સાથે ક્રૂડ ઓઈલ વેપારમાં બંધાયેલા રહીને આર્થિક નુકસાન શા માટે ભોગવવું?

4... પાકિસ્તાન સામે પણ છે નારાજગી : યુએઈના આ નિર્ણયમાં પાકિસ્તાન પરિબળ પણ નોંધપાત્ર છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે ઘનિષ્ઠ સંબંધો છે. સાઉદીએ પાકિસ્તાનને સમયાંતરે નાણાકીય મદદ આપી છે. બંને વચ્ચે મજબૂત લશ્કરી સહકાર પણ છે. યુએઈ આ જોડાણથી અસંતુષ્ટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવા પાકિસ્તાને જે નમ્ર ભૂમિકા ભજવી, એ પણ યુએઈને પસંદ નથી આવી. યુએઈ માને છે કે આ કટોકટીમાં ‘તટસ્થ’ કોઈ ન હોઈ શકે. તમારે ‘અમારી સાથે’ અથવા તો ‘તેમની સાથે’ ઊભા રહેવું પડશે.

આ નારાજગીનું પરિણામ એ આવ્યું કે યુએઈએ પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકમાંથી $3.5 અબજની ડિપોઝિટ અચાનક પાછી ખેંચી લીધી છે. આ રકમ પાકિસ્તાનના કુલ વિદેશી ભંડારનો લગભગ પાંચમો હિસ્સો હોવાથી યુએઈનું આ પગલું પાકિસ્તાન માટે મોટો આર્થિક આંચકો સાબિત થયું છે.  

યુએઈના નિર્ણયની વૈશ્વિક ક્રૂડ માર્કેટ પર શું અસર પડશે?

હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીને કારણે તેલનો પુરવઠો અસ્થિર હોવાથી ટૂંકા ગાળામાં યુએઈના આ નિર્ણયની મોટી અસર નહીં પડે, પરંતુ લાંબા ગાળામાં તેની અસર નોંધપાત્ર બની શકે છે. યુએઈ વધુ ઉત્પાદન કરશે એટલે વૈશ્વિક પુરવઠો વધશે, જેનાથી ભાવ નીચે આવી શકે છે. હાલના બેરલના ભાવ $110 જેટલા છે, તે ભવિષ્યમાં $50 ની આસપાસ આવી શકે તેવી સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરે છે.

આ પણ વાંચો : ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો?

સાઉદી અરેબિયા શું કરશે?

સાઉદી અરેબિયા માટે આ સ્થિતિ અત્યંત નાજુક છે. એક તરફ, તે ઓપેકની એકતા તોડવા બદલ યુએઈને સજા કરવાની ઈચ્છા રાખે છે અને બીજી તરફ, તે ભાવનું યુદ્ધ (price war) શરૂ કરવાનું જોખમ ઉઠાવી શકે છે. 2014 અને 2020માં સાઉદીએ વધારે પ્રમાણમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરીને બજારમાં તેલના ભાવ તળિયે પહોંચાડી દીધા હતા. પરંતુ ત્યારની સ્થિતિ અલગ હતી. ત્યારે સાઉદીનો બ્રેક-ઇવન પોઇન્ટ ઓછો હતો અને તેની તિજોરી મજબૂત હતી.

સાઉદીનું અર્થતંત્ર ઓઈલની આવક પર ભારે નિર્ભર છે, પરંતુ યુએઈનું એવું નથી. ભાવ યુદ્ધ છેડીને સાઉદી યુએઈનું નાક એક હદથી વધુ દબાવી નહીં શકે કારણ કે, યુએઈ વધુ વૈવિધ્યસભર અર્થતંત્ર ધરાવે છે. ખાસ કરીને દુબઈનું ટુરિઝમ, અબુ ધાબીની નાણાકીય સેવાઓ, લોજિસ્ટિક્સ અને રિયલ એસ્ટેટ તેને રક્ષણ આપે છે. 

તેથી યુએઈના પગલાં સામે સાઉદી શું કરે છે, એ જોવું રસપ્રદ રહેશે. રાજદ્વારી દબાણ, ખાનગી સમાધાન કે પછી ભાવ યુદ્ધ?

ભારતને ફાયદો કે નુકસાન?

યુએઈના આ નિર્ણયથી ભારત જેવા ક્રૂડ ઓઈલ આયાતકાર દેશોને ફાયદો થઈ શકે છે. વધુ પુરવઠાના કારણે ભાવ ઘટે તો ભારતનું આયાત બિલ ઓછું થઈ શકે છે અને મોંઘવારી પર પણ નિયંત્રણ આવી શકે છે.

ઊર્જા ક્ષેત્રમાં બદલાતી દિશા

વિશ્વ હવે ધીમે ધીમે તેલ પરની નિર્ભરતા ઘટાડવા તરફ આગળ વધી રહ્યું છે. ઈલેક્ટ્રિક વાહનો અને નવા ઊર્જા સ્ત્રોતોના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. એકલા ચીનમાં જ ઈલેક્ટ્રિફિકેશનના કારણે રોજ લગભગ 10 લાખ બેરલ ક્રૂડની માંગ ઘટી ગઈ છે. દુનિયાને ક્રૂડની સાવ જ જરૂર ના રહે એવા દિવસો આવે એ પહેલાં યુએઈ તેના ઓઈલ ભંડારોને ભરપૂર ઉલેચીને ઝડપથી મબલખ આવક કરી લેવાની ગુપ્ત યોજના ધરાવતું હોય એવું પણ બની શકે!

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ઓટો કંપનીઓને ગડકરીની ચેતવણી; હવે આ પાંચ બાબત ધ્યાનમાં રાખો