Russia-Ukraine War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર કહ્યું કે, તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ટ્રમ્પે એ વાત પર ભાર મૂક્યો કે, એર્દોગનની રાજદ્વારી ક્ષમતા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
રશિયા એર્દોગનનું સન્માન કરે છે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું એર્દોગન રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ કરી શકે છે? તેના જવાબમાં સોમવારે ઈજિપ્તથી વ્હાઇટ હાઉસ પરત ફરતી વખતે એરફોર્સ વન વિમાનમાં મીડિયાને ટ્રમ્પે કહ્યું કે, 'એર્દોગન આ કરી શકે છે. રશિયા તેમનું સન્માન કરે છે.'
બીજી તરફ ગત અઠવાડિયે તુર્કીયેના પ્રમુખ એર્દોગને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'રશિયા-યુક્રેન યુદ્ધમાં ન્યાયી અને કાયમી શાંતિ પ્રાપ્ત કરવા માટે રાજદ્વારી પહેલને વેગ આપવો જરૂરી છે.'
એર્દોગનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ વાટાઘાટો ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવા માટે તુર્કીયેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અંગે વૈશ્વિક ચિંતા વધી રહી છે. તુર્કીયે (જે નાટો સભ્ય અને રશિયા સાથે પણ ગાઢ સંબંધો પણ જાળવી રાખે છે)એ આ યુદ્ધમાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. એર્દોગને વારંવાર બંને પક્ષો વચ્ચે વાતચીતને પ્રોત્સાહન આપવાની હિમાયત કરી છે.
ટ્રમ્પ ઝેલેન્સ્કી સાથે પણ કરશે બેઠક
ટ્રમ્પે બાદમાં પુષ્ટિ કરી કે હું શુક્રવારે વ્હાઈટ હાઉસમાં યુક્રેનનાપ્રમુખ ઝેલેન્સકી સાથે મુલાકાત કરીશ. ટ્રમ્પના આ નિવેદન પહેલા ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, યુક્રેનનું એક પ્રતિનિધિમંડળ ઘણી બેઠકો માટે અમેરિકા માટે રવાના થયું છે અને શુક્રવારે અમેરિકન પ્રમુખ સાથે મુલાકાત કરશે.
ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, 'મને શુક્રવારે વોશિંગ્ટન આવવાની અને પ્રમુખ ટ્રમ્પ સાથે મળવાની પણ તક મળશે. મને વિશ્વાસ છે કે, અમે પગલાંઓની શ્રેણી પર ચર્ચા કરીશું, જેનો હું પ્રસ્તાવ રાખવા માગુ છું. અમારી વાતચીત અને તેમના સમર્થન માટે હું પ્રમુખ ટ્રમ્પનો આભારી છું.'
તેમણે ભારપૂર્વક કહ્યું કે 'આ પ્રવાસનું મુખ્ય ફોકસ એર ડિફેન્સ અને લાંબા અંતરની ક્ષમતાઓ પર છે, જેનો હેતુ રશિયા પર શાંતિ માટે દબાણ લાવવાનો છે.'


