યુએનમાં તૂર્કિયેનો કાશ્મીરનો રાગ, જુઓ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વિશે શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UN General Assembly: પાકિસ્તાનના સદાબહાર સાથી, તૂર્કિયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના સંબોધન દરમિયાન ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. એર્દોગને મંગળવારે કહ્યું કે, તૂર્કિયે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામથી ખુશ છે. આ સાથે, તેમણે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે વાત કરી હતી. તેમણે ભારત અને પાકિસ્તાનને કાશ્મીર વિવાદ ઉકેલવા વિનંતી કરી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર માટે ભેગા થયેલા વિશ્વ નેતાઓ સમક્ષ એર્દોગને આ વાત કહી.
તેમણે કહ્યું કે, 'થોડા મહિના પહેલા એપ્રિલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે થયેલા તણાવ અને ત્યારબાદ બંને દેશો વચ્ચે થયેલા લશ્કરી સંઘર્ષ પછીના યુદ્ધવિરામથી અમે ખુશ છીએ. કાશ્મીર મુદ્દાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોના આધારે વાતચીત દ્વારા થવો જોઈએ, જે કાશ્મીરમાં આપણી બહેનો અને ભાઈઓના શ્રેષ્ઠ હિતમાં છે.'
ગત વર્ષે કેમ સેવ્યું મૌન?
જોકે, આ પહેલીવાર નથી જ્યારે એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર સામે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ ગયા વર્ષે યુએન જનરલ એસેમ્બલીમાં આ મુદ્દા પર મૌન રહ્યાના એક વર્ષ પછી તેમની ટિપ્પણી આવી છે. ગયા વર્ષે, 2024 માં, એર્દોગને યુએન જનરલ એસેમ્બલીમાં તેમના ભાષણમાં જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમના વલણમાં આ ફેરફાર અચાનક નહોતો, પરંતુ બ્રિક્સમાં જોડાવાની વ્યૂહરચના હતી. તે સમયે તૂર્કિયે બ્રિક્સ ગ્રુપ જોડાવા માંગતું હતું, તેથી તેણે કાશ્મીર મુદ્દા પર મૌન રાખ્યું, કારણ કે ભારત બ્રિક્સનો અભિન્ન અને એક શક્તિશાળી ભાગીદાર છે.
જૂના વલણ પર પાછું ફર્યું તૂર્કિયે
હવે જ્યારે તેનો હેતુ પૂર્ણ થઈ ગયો છે, ત્યારે તૂર્કિયે તેના જૂના વલણ પર પાછું ફર્યું છે. આ વર્ષની શરૂઆતમાં, પાકિસ્તાનની તેમની મુલાકાત દરમિયાન, તૂર્કિયેના પ્રમુખે વાતચીત અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો દ્વારા કાશ્મીર મુદ્દાનું નિરાકરણ લાવવા કહ્યું હતું. ત્યારબાદ એર્દોગને કહ્યું, 'કાશ્મીર મુદ્દાનો ઉકેલ સંવાદ દ્વારા અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અનુસાર, કાશ્મીરના લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને થવો જોઈએ. અમારૂ રાજ્ય અને અમારૂ રાષ્ટ્ર, પહેલાની જેમ આપણા કાશ્મીરી ભાઈઓ સાથે એકતામાં ઊભા છે.'
આ પણ વાંચોઃ હાથીની સુંઢ જેવું નાક અને ઉંદર જેવો દેખાવ ધરાવતું વિચિત્ર પ્રાણી, 50 વર્ષથી લૂપ્ત હતું
ભારતે વાંધો ઉઠાવ્યો
આ દરમિયાન, ભારતે તૂર્કિયેની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન દ્વારા તૂર્કિયેના પ્રમુખની વાંધાજનક ટિપ્પણીને નકારી કાઢી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, 'જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. અન્ય કોઈ દેશને તેના પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. બીજા દેશના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાને બદલે, ભારત વિરુદ્ધ સરહદ પાર આતંકવાદનો ઉપયોગ કરવાની પાકિસ્તાનની નીતિ પર પ્રશ્ન ઉઠાવવો યોગ્ય હોત, જે જમ્મુ અને કાશ્મીરના લોકો માટે સૌથી મોટું જોખમ છે.'









