નાસાના પાર્કર પ્રોબે અંતરિક્ષ પ્રવાસની અતિ તીવ્ર ગતિનો રેકોર્ડ કર્યો : એક કલાકમાં 6.78 લાખ કિ.મી.
- પાર્કર સોલાર પ્રોબ કશ્મીરથી કન્યાકુમારી ફક્ત 19 સેકન્ડ્ઝમાં પહોંચી જાય
- અવકાશયાન સૂર્યની ઉકળતી સપાટીથી ફક્ત 62 લાખ કિ.મી.ના સૌથી નજીકનાઅંતરે પહોંચી ગયું છે : હજી 2026 બાદ પણ કાર્યરત રહીને સૂર્યનાં અકળ રહસ્યો ઉકેલશે
વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના પાર્કર સોલાર પ્રોબ(પીએસપી) અવકાશયાને તેની અતિ પ્રચંડ ગતિ (૬,૮૭,૦૦૦ કિલોમીટર : પ્રતિ કલાક) નો અત્યારસુધીનો વિશિષ્ટ રેકોર્ડ કર્યો છે. પાર્કર સોલા પ્રોબે ૨૦૨૫ની૧૫, સપ્ટેમ્બરે સૂર્યની કલ્પનાતીત કહી શકાય તેવી ઉકળતી સપાટીથી સૌથી નજીક જવાનો ૨૫મો પ્રયાસ પૂરો કર્યો છે.
હાલ પાર્કર સોલાર પ્રોબ અવકાશયાન સૂર્યની સપાટીથી ફક્ત ૬૨ લાખ કિલોમીટરના અંતરે પહોંચી ગયું છે. આટલું અંતર અત્યારસુધીનું સૌથી નજીકનું અંતર છે.
પાર્કર સોલાર પ્રોબ અવકાશયાને તેનીસૂર્યની સપાટી નજીક જવાની યાત્રા દરમિયાન ૨૦૨૫ની ૧૮,મી સપ્ટેમ્બરે ૬,૮૭,૦૦૦ કિલોમીટર(પ્રતિ કલાક)ની અતિ અતિ તીવ્ર ગતિનો રેકોર્ડ કર્યો છે.વિશ્વના કોઇ દેશના અવકાશયાને આટલી તીવ્ર ગતિએ પ્રવાસ નથી કર્યો. ખુદ પાર્કર સોલર પ્રોબની પણ અત્યારસુધીની આ સૌથી તીવ્ર ગતિ છે.
આટલી અતિ અતિ તીવ્ર ઝડપે તો પાર્કર સોલાર પ્રોબ ભારતના કશ્મીરથી કન્યાકુમારી ફક્ત ૧૯ સેકન્ડ્ઝમાં જ પહોંચી જાય. કશ્મીરથી કન્યાકુમારીનું રસ્તા દ્વારા અંતર ૩,૬૭૬ કિલોમીટર છે, જે લગભગ ૬૧ કલાકમાં પૂરું થાય છે. આ ગણતરીએ પાર્કર સોલાર પ્રોબ અવકાશયાન અફાટ,અનંત બ્રહ્માંડમાં કેટલી પ્રચંડ ગતિએ પ્રવાસ કરે છે ખ્યાલ આવે છે.
નાસાનું પાર્કર સોલાર પ્રોબ ૨૦૧૮ની ૧૨,ઓગસ્ટે સૂર્યના કોરોના (સૂર્યની બાહ્ય કિનારીને કોરોના કહેવાય છે) ના સંશોધનાત્મક અભ્યાસ માટે રવાના થયું છે. સૂર્યની સપાટીનું તાપમાન ૬,૦૦૦ કેલ્વિન છે, જ્યારે તેની બાહ્ય કિનારી(કોરોના) નું તાપમાન ૧૦થી ૨૦ લાખ કેલ્વીન જેટલું અતિ અતિ ઉકળતું હોય છે.
વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આ રહસ્ય શોધવા સતત પ્રયાસ કરી રહ્યા છે. નાસાએ આ જ રહસ્યનો તાગ મેળવવા પાર્કર સોલાર અવકાશયાન સૂર્ય ભણી રવાના કર્યું છે
હજી ૨૦૨૫ની ૧૯, જૂને આ જ પાર્કર સોલાર પ્રોબ સૂર્યની સપાટીથી સૌથી નજીકના એટલે કે ફક્ત ૬૧ લાખ કિલોમીટરના અંતરે પહોંચી ગયું છે.
નાસાની જોહ્નસ હોપકિન્સ એપ્લાઇડ લેબોરેટરી(એપીએલ : મેરીલેન્ડ) )નાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમને ૨૦૨૫ની ૧૮મી સપ્ટેમ્બરે પાર્કર સોલાર પ્રોબ દ્વારા એવો બેકન ટોન(અવકાશયાન દ્વારામળતો રેડિયો ફ્રિક્વન્સી સંદેશો) મળ્યો છે કે તેની તમામ સિસ્ટમ્સ સાચી અને સારી રીતે કાર્ય કરે છે.થોડા દિવસ પહેલાં અવકાશયાનનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
આ જ સંદેશા સાથે એવી સચોટ માહિતી પણ મળી છે કે અમારા પાર્કર સોલાર પ્રોબ અવકાશયાને ૧૦ થી ૧૮, સપ્ટેમ્બર દરમિયાન ૬,૭૮,૦૦૦ કિલોમીટર(પ્રતિ કલાક)ની અતિ પ્રચંડ ગતિએ પ્રવાસ કર્યો છે. અમારું પાર્કર સોલાર પ્રોબ સૂર્યની સપાટીથી હજી પણ વધુ નજીક જવા પ્રયાસ કરશે. એટલે કે અવકાશયાન ૨૦૨૬ અને શક્ય હશે તો ભવિષ્યમાં પણ વધુ સમય સુધી કાર્યરત રહીને સૂર્યની કોરોનાનાં રહસ્ય સહિત તેનાં અકળ રહસ્યોનો તાગ મેળવવા પ્રયાસ કરશે.
હજી થોડા સમય પહેલાં જ પાર્કર સોલર પ્રોબ (પી.એસ.બી.) અવકાશયાનને સૂર્યની અત્યારસુધીની સૌથી નજીકના અંતરની ઇમેજીસ (છબી) મેળવવામાં ઉજળી સફળતા મળી છે. પાર્કર સોલાર પ્રોબે સૂર્યની આ ઇમેજીસ ફક્ત ૩૮ લાખ માઇલ(૬૧૧૫૫૦૭.૨ કિલોમીટર)ના અંતરેથી લીધી છે.
સૂર્યની સૌથી નજીકના અંતરની આ ઇમેજીસ પાર્કર સોલાર પ્રોબના વાઇડ-- ફિલ્ડ ઇમજેર ફોર સોલાર પ્રોબ(ડબલ્યુ.આઇ.એસ.પી.આર.) નામના વૈજ્ઞાનિક ઉપકરણે લીધી છે.
વિશ્વના કોઇ દેશના સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેનાં અવકાશયાને હજી સુધી સૂર્યની આટલા નજીકના અંતરેથી ઇમેજીસ નથી લીધી.
નાસાના વિજ્ઞાનીઓએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે સૂર્યની આ ઇમેજીસમાં સૌર પવનો, સૂર્યની વિરાટ થાળી પરથી ફેંકાતાં વિદ્યુતભારવાહી પદાર્થકણોનો વિશાળ પ્રવાહ, સૂર્યની બહારની કિનારી(જેને ખગોળશાસ્ત્રની ભાષામાં કોરોના કહેવાય છે) , સૂર્યમાંથી બહાર ફેંકાતો વિદ્યુતચુંબકીય પ્રવાહ , કોરોનલ માસ ઇજેક્શન(સીએમઇએસ) વગેરે હિસ્સા અને પ્રક્રિયા બહુ જ સ્પષ્ટતાથી જોઇ શકાય છે. પૃથ્વીને પ્રચંડ થપાટ મારતાં સૂર્યમાંથી ફેંકાતા સૌર પવનો અને સૌર જ્વાળાઓને અમે પહેલી જ વખત નજરોનજર જોઇ --અનુભવી શકીએ છીએ.