World

તૂર્કેઈના ઈસ્તંબુલમાં 5.0નો ભૂકંપ આવતા અફરાતફરી, અનેક બિલ્ડિંગો-સ્કૂલો ખાલી કરાવાઈ

By GS TEAM
2 Oct 20252 mins read
TukuTouch Logo
તૂર્કેઈના ઉત્તર-પશ્ચિમી ભાગમાં અને દેશના સૌથી મોટા શહેર ઈસ્તંબુલમાં ગુરુવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી છે. ડિઝાસ્ટર અને ઈમરજન્સી વ્યવસ્થાપન એજન્સી (AFAD)ના રિપોર્ટ મુજબ, ભૂકંપનું કેન્દ્ર ટેકિરદાગ પ્રાંત નજીક મારમારા દરિયામાં 6.71 કિલોમીટરની ઊંડાઈએ હતું. સ્થાનિક સમય મુજબ બપોરે 2.55 કલાકે ભૂકંપ આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

તૂર્કેઈના ઈસ્તંબુલમાં 5.0નો ભૂકંપ આવતા અફરાતફરી, અનેક બિલ્ડિંગો-સ્કૂલો ખાલી કરાવાઈ

Istanbul Earthquake : તૂર્કેઈના ઉત્તર-પશ્ચિમી ભાગમાં અને દેશના સૌથી મોટા શહેર ઈસ્તંબુલમાં ગુરુવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી છે. ડિઝાસ્ટર અને ઈમરજન્સી વ્યવસ્થાપન એજન્સી (AFAD)ના રિપોર્ટ મુજબ, ભૂકંપનું કેન્દ્ર ટેકિરદાગ પ્રાંત નજીક મારમારા દરિયામાં 6.71 કિલોમીટરની ઊંડાઈએ હતું. સ્થાનિક સમય મુજબ બપોરે 2.55 કલાકે ભૂકંપ આવ્યો હતો.

બિલ્ડિંગો, ઘરો, શાળાઓમાંથી લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા

ભૂકંપના આંચકા આવતા ભારે અફરાતફરી થઈ હતી. બિલ્ડિંગો, ઘરો, શાળાઓમાંથી લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સાવચેતીના ભાગરૂપે ઘણી શાળાઓ પણ ખાલી કરાવવી પડી હતી. ઈસ્તંબુલ ગવર્નર ઓફિસે કહ્યું કે, પ્રારંભિક માહિતી મુજબ કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું હોવાની માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો : શેખ હસીના સરકારના પૂર્વ મંત્રીનું હથકડી પહેરેલી હાલતમાં મોત, ફોટો વાયરલ થતા બબાલ

તૂર્કેઈમાં ભૂકંપની ફોલ્ટ લાઈન સક્રિય

ઉલ્લેખનીય છે કે, તૂર્કેઈ સક્રિય ફોલ્ટ લાઈન પર આવેલો દેશ છે, જેના કારણે અહીં અવાર-નવાર ભૂકંપ આવતા રહે છે. ઓગસ્ટ 2025માં અહીં બાલિકેસિરના સિંદિરગી પ્રાંતમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્યારથી આ વિસ્તારમાં નાના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે.

2023માં શક્તિશાળી ભૂકંપ આવતા 53000 લોકોએ જીવ ગુમાવ્યો હતો

2023માં પણ તૂર્કેઈમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં ભારે તબાહી મચી હતી. ભૂકંપના કારણે 53,000થી વધુ લોકોના મોત થયા હતા. અહીં અનેક બિલ્ડિંગો ધરાશાઈ થઈ ગઈ હતી. આ દરમિયાન પડોશી દેશ સીરિયાના ઉત્તરીય ભાગોમાં ભૂકંપના કારણે 6000 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો : ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું, ‘સર ક્રિકમાં આંખ ઉઠાવીને જોયું તો...’