TTP Attack On Pakistani Army : તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ પાકિસ્તાન સેના પર મોટો હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. ટીટીપીએ ખૈબર પખ્તૂનખ્વાના દક્ષિણ વઝીરિસ્તાન વિસ્તારમાં પાકિસ્તાની સેનાના એક કેમ્પ પર હુમલો કરીને 25 સૈનિકોને માર્યા હોવાનો અને આઠને ઈજા પહોંચી હોવાનો દાવો કર્યો છે. જોકે પાકિસ્તાન સરકાર તરફથી આ મામલે કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી.
ટીટીપીએ વીડિયો જાહેર કરીને દાવો કર્યો
ટીટીપી સંગઠન સાથે જોડાયેલા ધ વૉઈસ ઓફ ખુરાસાને વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે. વીડિયોમાં ટીટીટીપીએ કહ્યું કે, તેણે સોમવારે રાત્રે પાકિસ્તાની સેનાની એક ચોકી પર ભયાનક હુમલો કર્યો હતો. તેઓએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યાનો અને પાકિસ્તાની સૈન્ય ચોકી પર કબજો કર્યો હોવાનો પણ દાવો કર્યો છે.
BREAKING NEWS 🚨
— Voice of Khorasan (@VoiceKhorasan1) October 21, 2025
The Tehrik-i-Taliban Pakistan (TTP) has claimed that its fighters killed 25 Pakistani soldiers and wounded eight others in an attack carried out in South Waziristan.
In an official statement, the militant group said that last night it launched an assault on a… pic.twitter.com/55hGUx1Axl
સરહદી વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધી
TTP એક સમયે આ પ્રદેશમાં મજબૂત હાજરી ધરાવતું હતું, પરંતુ 2014માં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા મોટા ઓપરેશન બાદ તેમને પીછેહઠ કરવી પડી હતી. જોકે, 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી, સરહદી વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધી રહી છે.
અફઘાનિસ્તાન સાથે તણાવ
ટીટીપી અને અફઘાન તાલિબાન અલગ સંગઠનો હોવા છતાં, તેમના ગાઢ સંબંધો હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાન સતત અફઘાનિસ્તાન પર આરોપ લગાવતું રહ્યું છે કે, તે તેની ધરતી પર કાર્યરત આતંકવાદીઓને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યું છે, જેઓ પાછળથી પાકિસ્તાનમાં હુમલા કરે છે. બીજી બાજુ, કાબુલ વહીવટીતંત્ર આ આરોપોને નકારી રહ્યું છે.
હિંસાના વધતા આંકડા
AFPના રેકોર્ડ મુજબ, પહેલી જાન્યુઆરી, 2025થી ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં લગભગ 460 લોકોના મોત નિપજ્યા છે, જેમાંથી મોટાભાગના સુરક્ષા દળોના કર્મચારીઓ છે. વળી, ઇસ્લામાબાદ સ્થિત સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ અનુસાર, ગત વર્ષે પાકિસ્તાને લગભગ એક દાયકામાં સૌથી ઘાતક સમયનો સામનો કરવો પડ્યો હતો. આ હિંસામાં 1,600 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા, જેમાંથી લગભગ અડધા સૈનિકો અને પોલીસકર્મીઓ હતા.
આ પણ વાંચો : હદમાં રહેજો નહીંતર મારા એક ઈશારે ઈઝરાયલ 2 મિનિટમાં પતાવી નાંખશે, કોના પર ભડક્યા ટ્રમ્પ?


