ઝેલેન્સ્કીની વ્હાઈટ હાઉસ મુલાકાત પૂર્વેના એક દિવસે પુતિન સાથે ટ્રમ્પની ફોન પર વાત

- બુડાપેસ્ટમાં હું પ્રમુખ પુતિનને મળવા માગું છું : ટ્રમ્પ
- અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો પ્રતિનિધિ મંડળ સાથે રશિયાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે મંત્રણા કરશે
વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે ગુરૂવારે ટેલીફોન ઉપર લંબાણપૂર્વક મંત્રમા કરી હતી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પ્રમુખ ટ્રમ્પને વોશિંગ્ટનમાં મળવાના છે. તેના એક દિવસ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે પુતિન સાથે કરેલી લંબાણ ચર્ચાને નિરીક્ષકો અત્યંત મહત્વ આપી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, પુતિન સાથેની મારી વાતચીત ઘણી ફળદાયી નીવડી હતી. જેમાં રશિયા- યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. હું પ્રમુખ પુતિનને બુડા પેસ્ટમાં રૂબરૂમાં મળવા માગું છું. જો કે તેઓ ક્યારે મળશે તેની કોઈ નિશ્ચિત તારીખ દર્શાવાઈ નથી.
દરમિયાન, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો રશિયાનાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળને આગામી સપ્તાહે મળવાના છે, જેમાં યુક્રેન- યુદ્ધ બંધ કરવા માટે ચર્ચા થવાની છે.
ઉલ્લેખનીય છે કે, તા. ૧૫મી ઓગસ્ટ ૨૦૨૫ના દિવસે આલાષ્કામાં પ્રમુખ ટ્રમ્પ અને પ્રમુખ પુતિન વચ્ચે અઢી કલાક સુધી મંત્રણા ચાલી હતી. તે મીટીંગ પછી બંને નેતાઓએ એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે એક સમયની રશિયાની ખતરનાક જાસૂસી સંસ્થા કેજીબીમાં લેફટેનન્ટ તરીકે વ્લાદીમીર પુતિને કામ કર્યું હતું. તેઓ ખુલ્લા હાથના યુદ્ધ જુજુત્સુ (જુડો)ના અચ્છા ખેલાડી છે. તેઓ એક સમયે જૂડોના બ્લેક બેલ્ટ ચેમ્પિયન હતા. તેઓ ફ્રેન્ચ ઉપરાંત અંગ્રેજી પણ સારૂ જાણે છે. વિશ્વના સૌથી વિશાળ અને યુરોપીય દેશોમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના તેઓ પ્રમુખ છે.