Donald Trump strategy For India: ભારત સામે ટેરિફ વોરમાં પોતાનું ધાર્યું કરવામાં અસફળ રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘાંઘાં થઈ ગયા હોય એવું લાગે છે. ભારતને એકલેહાથે ન ઝુકાવી શકનારા ટ્રમ્પે હવે G7 સંગઠનના ખભે બંદૂક મૂકીને ભારત પર વાર કરવાનું ષડયંત્ર રચ્યું છે. ફક્ત ભારત જ નહીં, ટ્રમ્પ આ હથિયાર ચીન પર પણ ઉગામવાનો વિચાર કરી રહ્યા હોવાના સમાચાર આવ્યા છે. ચાલો જાણીએ કે ટ્રમ્પ કેવો દાવ ખેલવા માંગે છે.
ભારત-ચીન પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવવાની ટ્રમ્પની માંગ
બ્રિટિશ દૈનિક ‘ફાયનાન્શિયલ ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે G7 દેશો પર દબાણ શરુ કર્યું છે કે, તેઓ યુક્રેન યુદ્ધ બાબતે રશિયાને શાંતિ વાટાઘાટો માટે મજબૂર કરવા માટે ભારત અને ચીન પર ભારે ટેરિફ લગાવે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ટેરિફ 50થી 100 ટકા વચ્ચે હોઈ શકે છે. G7ના તમામ સાત દેશ — કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને અમેરિકા —ના નાણાપ્રધાનો શુક્રવારે વીડિયો કોન્ફરન્સ કરીને આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે.
રશિયન ખનિજ તેલની ખરીદી ટ્રમ્પને ખૂંચે છે
અમેરિકાનું માનવું છે કે ભારત અને ચીન દ્વારા રશિયન ખનિજ તેલની મોટી માત્રામાં ખરીદી કરાતી હોવાથી રશિયાને ઘણી આવક થાય છે, જેને લીધે રશિયા-યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પુતિન ઢીલા નથી પડી રહ્યા. યુએસ ટ્રેઝરી વિભાગના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે, યુરોપના દેશો જો ખરેખર પોતાના ખંડમાં ચાલતું આ યુદ્ધ સમાપ્ત કરવા માંગતા હોય તો તેમને અમેરિકા સાથે મળીને ચીન અને ભારત પર આકરા ટેરિફ લગાવવા જોઈએ, જેથી તેમની ખનિજ તેલની ખરીદી ઓછી થાય અને રશિયાની આવકમાં કાપ આવે. કેનેડાએ પણ આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, રશિયા પર દબાણ વધારવા માટે નવા પગલાં વિચારવામાં આવશે.
ભારત અને ચીન પર ભીંસ વધારવાની ચાલ
ગયા મહિને અમેરિકાએ ભારતમાંથી આવતી આયાત પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો, જેમાં અડધો હિસ્સો દંડાત્મક ડ્યૂટી તરીકે હતો, જે ભારતની રશિયન તેલ ખરીદી સાથે જોડાયેલો હતો. અમેરિકાએ એપ્રિલમાં ચીની માલ પર પણ ટેરિફ વધાર્યા હતા. જોકે, ભારે વિરોધને પગલે તેને આંશિક રીતે પાછું ખેંચવું પડ્યું હતું. તાજેતરમાં ટ્રમ્પે યુરોપિયન યુનિયનને અપીલ કરી હતી કે તે ભારત અને ચીન પર 100 ટકા સુધીના ટેરિફ લગાવે, પરંતુ યુરોપિયન યુનિયન હજુ પણ તેના આર્થિક જોખમોને ધ્યાનમાં રાખીને સાવચેત છે.
યુરોપ ટ્રમ્પનું કહ્યું માનશે?
બહુ કોશિશ કરવા છતાં ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવામાં હજી સુધી સફળ નથી થયા. તાજેતરમાં અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે થયેલી બેઠક પણ નિષ્ફળ ગઈ હતી. પરિણામે, ટ્રમ્પે હવે યુરોપને સહારે ભારત, ચીન અને રશિયાને સાણસામાં લેવાનો પ્લાન બનાવ્યો છે. પણ, યુરોપના દેશો ભારત અને ચીન જેવા તેમના સૌથી મોટા વેપારી સાથીદારો પર સીધા ટેરિફ લાદવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. તેના બદલે તેઓ 2027 સુધીમાં રશિયન ઊર્જા આયાતને તબક્કાવાર બંધ કરવાની યોજનાને ગતિ આપવા માગે છે.


