Trump Policy on Indians: છેલ્લા થોડા સમયથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ભારતીયો માટે આકરા સાબિત થઈ રહ્યા છે. તેઓ ભારતીયોનો સામૂહિક દેશનિકાલ કરે છે, અને ઓછામાં ઓછા ભારતીયો અમેરિકામાં પ્રવેશે એ માટે નિયમો લાગુ કરે છે. ક્યારેક તેઓ અમેરિકામાં કામ કરતાં ભારતીયોના વિઝા માટે વધારાની ફી લાદવાની વાત કરે છે, તો ક્યારેક યુનિવર્સિટીમાં એવા નિયમો લાગુ કરાવે છે જે ભારતીય વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું થયા બાદ લાંબા સમય સુધી અમેરિકામાં રોકાતા અટકાવે. આ સ્થિતિના કારણે અમેરિકન સમાજનો એક વર્ગ તેમની સરકારની તુલના આફ્રિકન દેશ યુગાન્ડા સાથે કરી રહ્યો છે. એવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે જો કુશળ ભારતીય પ્રવાસીઓ સાથે આ રીતનું વર્તન ચાલુ રહ્યું, તો અમેરિકાની આર્થિક સ્થિતિ યુગાન્ડા જેવી થઈ જશે.
આ પણ વાંચો: VIDEO: આટલો મોટો ભૂવો નહીં જોયો હોય, અચાનક જ આખો રસ્તો ગાયબ જ થઈ ગયો
કહાની યુગાન્ડાની, કહાની ભારતીય સમુદાયની સફળતાની
બ્રિટિશ શાસનકાળથી આક્રિકા ખંડના યુગાન્ડામાં સ્થાયી થયેલા ભારતીયો ત્યાંના આર્થિક પાયાનું મજબૂત અંગ બની ગયા હતા. તેઓ વ્યવસાય અને ઉદ્યોગમાં અત્યંત સફળ રહ્યા હતા, ખાસ કરીને હોટલ, બેંકિંગ અને વેપાર જેવા ક્ષેત્રોમાં તેમનું પ્રભુત્વ હતું. તેમણે અસંખ્ય ઉદ્યોગોની સ્થાપના કરી હતી, જેને લીધે સ્થાનિક યુગાન્ડાના નાગરિકોને મોટી સંખ્યામાં રોજગારી મળતી. ત્યાંની સામાન્ય જનતાને તો ભારતીયોની દોમદોમ સફળતા બાબતે અસંતોષ નહોતો, પરંતુ ઉચ્ચ વર્ગમાં ઈર્ષા અને અસંતોષની લાગણી વધુ પ્રબળ હતી, જેમાંનો એક હતો ઈદી અમીન.
ઈદી અમીન કોણ હતો?
વર્ષ 1925માં યુગાન્ડામાં જન્મેલા ઈદી અમીનને ભણવામાં ખાસ રસ ન હતો. ઊંચા અને મજબૂત બાંધાના ઈદીને બ્રિટિશ કોલોનિયલ સેના (King's African Rifles) માં રસોઈયા તરીકે નોકરી મળી. મજબૂત કદકાઠી અને આક્રમક સ્વાભાવને લીધે તે ઝડપથી પદોન્નતિ પામ્યો. સ્વતંત્ર યુગાન્ડાના પ્રથમ વડાપ્રધાન મિલ્ટન ઓબોટે 1971માં વિદેશ પ્રવાસે હતા, ત્યારે ઈદી અમીને સૈન્ય બળવો કરીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. તેણે 1971 થી 1979 સુધી યુગાન્ડા પર શાસન કર્યું. અત્યંત ક્રૂર સરમુખત્યાર એવા ઈદી અમીનના શાસનમાં 80000થી 300000 લોકોની હત્યા થઈ. તેનું શાસન ‘આતંકનું શાસન’ કહેવાયું અને ઈદી અમીનને ‘બુટ્ટા’ (કસાઈ) નામ મળ્યું.
ઈદી અમીનની ભારતીયો પ્રત્યેની નફરતનું કારણ
ઈદી અમીનને એશિયનો, એમાંય ખાસ કરીને ભારતીય મૂળના નાગરિકો પ્રત્યે ઊંડી દ્વેષભાવના હતી. તેનું માનવું હતું કે ભારતીય સમુદાય યુગાન્ડાની વસતીના સંતુલનને બગાડી રહ્યો છે, જેને લીધે તે ભારતીયોને દેશનિકાલ કરવા ઈચ્છતો હતો.
છેવટે ઓગસ્ટ 1972માં ઈદી અમીને અચાનક જાહેરાત કરી કે દેશમાં વસતા લગભગ 70,000 ભારતીયો અને અન્ય દક્ષિણ એશિયનો માત્ર ત્રણ મહિનાની અંદર યુગાન્ડા છોડી જતા રહે. તેણે આ આદેશ માટે પોતાને આવેલા એક સ્વપ્નનું કારણ આગળ ધર્યું હતું. આ આદેશ એટલો અચાનક અને અવાસ્તવિક હતો કે શરૂઆતમાં લોકો તેને મજાક સમજ્યા, પણ જલદી જ તેમને સમજાઈ ગયું કે એ એક કડવું સત્ય છે.
બધી સંપત્તિ મૂકીને છોડી દેવાનો આદેશ દેવાયો
ઈદી અમીને આદેશ આપ્યો હતો કે યુગાન્ડા છોડી જનારા વિદેશીઓ માત્ર બે સુટકેસ અને નામમાત્રની રકમ સાથે લઈ જઈ શકશે. જેને લીધે લોકોએ પોતાની પેઢીઓથી સંચિત સંપત્તિ, વ્યવસાય અને જમીન જેવી સંપત્તિ પાછળ છોડીને જવું પડ્યું. આ સ્થિતિએ અનેક લોકોને ઘોર હતાશામાં ધકેલી દીધા. કેટલાકે તો આત્મહત્યા પણ કરી લીધી. એ વખતે જે લોકો યુગાન્ડા છોડીને ગયા, તેમને જતા જતા પણ ખૂબ હેરાન કરાયા. ઈદીના સૈનિકોએ એરપોર્ટ પર જઈને ભાગતા લોકોને લૂંટ્યા, મારપીટ કરી, તેમના પહેરેલા કપડાં પણ છીનવી લીધા. નવેમ્બર 1972 સુધીમાં યુગાન્ડામાં એક પણ ભારતીય નહોતો બચ્યો.
ભારતીયોનો દેશનિકલ થતાં જ યુગાન્ડાનું આર્થિક પતન
ઈદીએ 'રાષ્ટ્રીય હિત'ના નામે એશિયનોનો સામૂહિક દેશનિકાલ કર્યો, પરંતુ એનું પરિણામ વિનાશકારી આવ્યું. બ્રિટિશ શાસન હેઠળ, સ્થાનિકો પાસે ન તો આધુનિક વ્યવસાયિક કૌશલ્યો હતા અને ન વ્યવસાય કરવાનો પૂરતો અનુભવ. ભારતીયો દ્વારા સ્થાપિત કરાયેલા વેપાર, બેંકિંગ, કાપડ, હોટલ અને નાના ઉદ્યોગો બંધ થઈ ગયા, જેના કારણે રોજગારી છીનવાઈ ગઈ. એ ખાલીપણું ભરવા સ્થાનિકો તાત્કાલિક તૈયાર નહોતા. આર્થિક વ્યવસ્થા ઠપ થઈ જતાં યુગાન્ડા ગરીબી અને બેહાલીમાં ધકેલાઈ ગયું. એમાંથી બહાર આવવામાં યુગાન્ડાને વર્ષો લાગી ગયા. ગયા વર્ષે, યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ 1972ની દેશનિકાલની ઘટનાને ભારે મોટી ભૂલ ગણાવીને માફી માંગી હતી.
યુગાન્ડાનો ઇતિહાસ અમેરિકા માટે ચેતવણી સમાન
અમેરિકાની હાલની સ્થિતિને જોતા ટ્રમ્પની નીતિઓ ઈદી અમીનની કાર્યપદ્ધતિની યાદ અપાવે છે. ભારતીય પ્રવાસીઓ પ્રત્યે ટ્રમ્પનો રોષ સ્પષ્ટ જોવા મળે છે. તેઓ મહેનતુ ભારતીયોને લક્ષ્ય બનાવી રહ્યા છે. અમેરિકામાં હાલ પચાસ લાખથી વધુ ભારતીયો છે, જે ત્યાંનો સૌથી મોટો એશિયન સમુદાય છે. ટેકનોલોજી, આરોગ્ય સંભાળ, હોટલ અને બેંકિંગ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં તેમનું યોગદાન અનન્ય છે. ભારતીય અમેરિકનોની સરેરાશ આવક રાષ્ટ્રીય સરેરાશ આવક કરતાં લગભગ બમણી છે. મોટી કંપનીમાં ઉચ્ચ પદે બેઠેલા ઘણા ભારતીય મૂળના સીઈઓ લાખો અમેરિકનોને રોજગારી આપે છે.
ભારતીયો વગર અમેરિકાની અર્થવ્યવસ્થા પડી ભાંગે?
જો ભારતીયો મોટી સંખ્યામાં અમેરિકા છોડી દે તો અમેરિકન અર્થતંત્રને ગંભીર ધક્કો લાગશે. નિષ્ણાતો અને ઉચ્ચ કુશળતા ધરાવતા વ્યવસાયિકોના અભાવે અનેક ક્ષેત્રોમાં નોકરીઓ ખાલી પડી જશે. હાલની સ્થિતિમાં આવા અચાનક નુકસાનની ભરપાઈ કરવાની કોઈ વ્યવસ્થા નથી. આ ખાલીપણું ભરવા માટે પ્રચંડ ઊર્જા, સંસાધનો અને સમયની આવશ્યકતા પડશે અને આ ગાળામાં મોટું આર્થિક નુકસાન થઈ જશે.
અમેરિકનોનો એક વર્ગ માને છે કે ભારતીયો અમેરિકનોની નોકરીઓ છીનવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતીયો મોટા ભાગે એવી ઉચ્ચ-કુશળતાની નોકરીઓ કરે છે જેના માટે અમેરિકામાં પૂરતી સંખ્યામાં કુશળ કામદારો ઉપલબ્ધ નથી. આમ, ભારતીયોની હાજરી અમેરિકાની આર્થિક શક્તિ માટે અનિવાર્ય થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના દેશવાસીઓ આ હકીકત સમજે અને ઇતિહાસમાંથી બોધપાઠ લે તો સારું, અન્યથા અમેરિકામાં પણ યુગાન્ડાનો ઇતિહાસ દોહરાતા વાર નહીં લાગે.


