ટ્રમ્પે ચાલુ બેઠકમાં ભારતનું નામ લઈને ટેરિફની ધમકી આપી, સસ્તા ચોખાની 'ડમ્પિંગ'નો આરોપ

Trump Signals Higher Tariff on India’s Rice Exports : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે મતભેદોના કારણે હજુ સુધી ટ્રેડ ડીલ થઈ શકી નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સામાન પર ભારેખમ ટેરિફ લગાવ્યા છે. એવામાં હવે તેમણે ભારતને ફરીવાર ધમકી આપી ચોખા પર વધારાના ટેરિફના સંકેત આપ્યા છે. ટ્રમ્પની સરકારનો દાવો છે કે અમેરિકાના ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે સસ્તા વિદેશી માલના કારણે તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે.
ભારત પર ટેરિફ વધારશે ટ્રમ્પ?
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આયોજિત એક બેઠકમાં ભારત અને કેનેડા પર નવા ટેરિફના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે, કે અમેરિકાના માર્કેટમાં સસ્તા ચોખાનું ડમ્પિંગ કરવામાં આવે છે તેવી ફરિયાદોની તપાસ કરવામાં આવશે.
બેઠકમાં ભારત વિશે ફરિયાદો અને કાર્યવાહીની ધમકી
બેઠકમાં કહેવામાં આવ્યું કે વિદેશથી આવતા ચોખા સસ્તા હોવાથી અમેરિકાના ચોખાની કિંમત પણ ઘટાડવી પડે છે. જેના પર ટ્રમ્પે જવાબ આપ્યો કે આવું કરનારા દેશો દગો આપી રહ્યા છે. અમેરિકાની કેનેડી રાઈસ મિલના CEO મેરિલ કેનેડીએ ટ્રમ્પને જણાવ્યું, કે 'ભારત, થાઈલેન્ડ અને ચીન સૌથી વધુ ચોખાનું 'ડમ્પિંગ' કરી રાય છે. ચીન વાયા પ્યૂર્ટો રિકો આ ચોખા અમેરિકા મોકલે છે. ટેરિફની અસર થઈ રહી છે. પણ તે બમણા કરવાની જરૂર છે.'
જે બાદ ટ્રમ્પે આશ્ચર્ય સાથે પૂછ્યું, 'તમે ટેરિફ વધારવા ઈચ્છો છો? તેમણે ( અન્ય દેશોએ ) ડમ્પિંગ ન કરવું જોઈએ.'
ચાલુ બેઠકમાં જ ટ્રમ્પે અમેરિકાની સરકારના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટને પૂછ્યું, કે 'ભારતને આવું કરવાની છૂટ કેમ મળી રહી છે? તેમણે ટેરિફ આપવો પડશે. શું ભારતને ચોખામાં કોઈ છૂટ આપી છે?'
જેના જવાબમાં સ્કોટ બેસેન્ટે કહ્યું, કે 'ના, સર. અમે હજુ વેપાર સોદા પર કામ કરી રહ્યા છીએ.'
ટ્રમ્પે ફરી કહ્યું, 'ડમ્પિંગ ન થવું જોઈએ.'
આટલું જ નહીં બેઠકમાં હજુ ભારત વિશે જ ફરિયાદો ચાલુ રહી. CEO કેનેડીએ ફરી કહ્યું કે ભારત ગેરકાયદે સબસિડીથી ઉદ્યોગ કરી રહ્યું છે. ટ્રમ્પે ફરી કહ્યું, 'કયા કયા દેશો આવું કરી રહ્યા છે? ભારત... પછી બીજો કયો દેશ છે? નામ લખતા જાઓ...'
કેન્દ્ર સરકાર શું જવાબ આપશે?
નોંધનીય છે કે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વાર ભારતને રશિયાથી ક્રૂડ ઓઈલ ખરીદવા મામલે ધમકી આપી ચૂક્યા છે. તેમણે ભારત પર 50 ટકા ટેરિફ પણ લગાવ્યો છે. જેનો હજુ સુધી કોઈ નિવેડો આવી શક્યો નથી. એવામાં હવે ચોખાને લઈને અમેરિકાના આ ગંભીર આરોપો પર ભારતની કેન્દ્ર સરકાર શું જવાબ આપે છે તે જોવાનું રહ્યું.'

