ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ-દંડ ઝીંક્યો: કાલથી અમલ
- ભારતે રશિયા સાથે વેપાર વધારવાના કારણે યુક્રેન યુદ્ધ લંબાતું હોવાની અમેરિકી પ્રમુખની માન્યતા
- ભારત અમેરિકાનું મિત્ર ખરું, પરંતુ વિશ્વના સૌથી ઊંચા ટેરિફના કારણે કારોબાર થઈ શકતો નથીઃ ટ્રમ્પનો દાવો
- સરકાર માટે રાષ્ટ્રહિત સર્વોપરી, ટ્રમ્પના ટેરિફની અસરો અંગે અભ્યાસ ચાલી રહ્યો છે : કેન્દ્ર
- બંને વચ્ચે હજી સુધી ટ્રેડ ડીલ થઈ નથી: ટ્રમ્પની સ્પષ્ટ વાત
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પહેલી ઓગસ્ટથી અમલમાં આવે તે રીતે ૨૫ ટકા ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની જાણકારી આપી છે. આ ઉપરાંત ટ્રમ્પને ભારત અને ચીન રશિયા પાસેથી મોટાપાયા પર ઓઇલ અને શસ્ત્રો ખરીદે છે તે પસંદ નથી. તેના કારણે રશિયા યુક્રેન સાથે યુદ્ધ અટકાવવા માટે સંમત થતું ન હોવાનું ટ્રમ્પનું માનવું છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અમારું મિત્ર છે, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં અપેક્ષા કરતાં ઓછો વેપાર કર્યો છે. તેનું કારણ એ છે કે ભારતનો ટેરિફ ઘણો ઊંચો છ, વિશ્વના કોઈપણ દેશ કરતાં ઊંચો છે જે અમેરિકાને કારોબાર વધારતા રોકે છે.આ ઉપરાંત બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ હજી થયું નથી. અમેરિકાની ટીમ આ માટે ૨૫મી ઓગસ્ટના રોજ ભારત આવવાની છે.
ઉલ્લેેખનીય છે કે એપ્રિલથી જુનના ક્વાર્ટરમાં અમેરિકામાં ભારતની નિકાસ ૨૨.૮૧ ટકા વધીને ૨૫.૫૧ અબજ ડોલર થઈ અને આયાત ૧૧.૬૮ ટકા વધીને ૧૨.૮૬ અબજ ડોલર થઈ. ભારત સરકાર તરફથી ટ્રમ્પે લાદેલા ટેરિફને લઈને કોઈ તાત્કાલિક જવાબ આવ્યો નથી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત રશિયા પાસેથી કારોબાર સતત વધારી રહ્યુ છે તે સારી વાત નથી. તેથી અમે પહેલી ઓગસ્ટથી ૨૫ ટકા ટેરિફ અને બીજી પેનલ્ટી નાખીશું. આ પેનલ્ટી અંગે તેણે કશું જણાવ્યું નથી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને હજી સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અમારું મિત્ર છે. વડાપ્રધાન મોદી મારા મિત્ર છે. તેઓએ મારી વિનંતીના પગલે પાકિસ્તાન સાથેનું યુદ્ધ અટકાવી દીધું હતું. આનાથી જબરદસ્ત બીજું શું હોઈ શકે. આ જ રીતે પાકિસ્તાને પણ યુદ્ધ અટકાવી દીધું હતું. આમ ગઇકાલે પીએમ મોદીએ સદનમાં સોઈ ઝાટકીને જણાવ્યું હતું વે વિશ્વના કોઈપણ નેતાએ ઓપરેશન સિંદૂર અટકાવ્યું નથી તેના બાદ ટ્રમ્પે ફરીથી ભારત-પાક. યુદ્ધ અટકાવવાનો દાવો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે થાઇલેન્ડ અને કમ્બોડિયા વચ્ચેનું યુદ્ધ મેં અટકાવ્યું તે જ રીતે આ યુદ્ધ અટકાવ્યું હતું.
ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ થઈ જાય. બંને દેશ હાલમાં ટ્રેડ ડીલને લઈને વાટાઘાટ કરી રહ્યા છે અને એકબીજાને નડતા મુદ્દાઓ પર સંમતિ સાધવા પ્રયત્નશીલ છે. બંને વચ્ચે તાજેતરમાં પાંચમાં રાઉન્ડની મંત્રણા યોજાઈ ગઈ હતી.
ભારતની રશિયા પાસેથી જંગી ઓઇલ ખરીદી
ભારત-રશિયા વચ્ચેની મિત્રતા અમેરિકાને કેમ આંખમાં ખૂંચી
ભારતની શસ્ત્રોની કુલ આયાતમાં રશિયાનો આજે પણ 49 ટકા જેટલો નોંધપાત્ર હિસ્સો
નવી દિલ્હી : ભારતના રશિયા સાથેના વેપારથી અમેરિકન પ્રમુખ ટ્રમ્પ એવા અકળાયા છે કે તેમણે ભારત પર ૨૫ ટકા ટેરિફ લગાવ્યો છે. હવે કોઈને પણ થાય કે ભારતનો રશિયા સાથે એવો તે કેવો કારોબાર હશે કે ટ્રમ્પ અકળાઈ ગયા છે.
ભારત માટે રશિયા ફક્ત શસ્ત્ર પુરવઠો પૂરો પાડનાર જ નહીં પણ મહત્ત્વનું સંરક્ષણ ભાગીદાર પણ રહ્યુ છે. ૨૦૧૯થી ૨૦૨૩માં ભારતના શસ્ત્રોની કુલ આયાતમાં રશિયાનો હિસ્સો ૪૯ ટકા રહ્યો હતો. બંને દેશ વચ્ચેનો સંરક્ષણ વ્યાપાર વાર્ષિક ૨૪ હજાર કરોડ રૂપિયાનો છે. ભારત-રશિયા વચ્ચે ૨૦૨૪માં દ્વિપક્ષીય વેપાર ૬૮.૭ અબજ ડોલરનો હતો. તેમા ડિફેન્સની સાથે ઓઇલનો પણ મોટાપાયા પર ફાળો છે. ભારતીય હવાઈદળમાં આજે પણ લગભગ ૨૬૦ જેટલા સુખોઈ એમકેઆઈ જેટ છે, જે રશિયા પાસેથી ખરીદાયા છે. આ ઉપરાંત મિગ-૨૯ અને મિગ ૨૧ જેવા લડાકુ વિમાન પણ છે. ભારતે ૨૦૧૮માં અમેરિકાના ભારે વિરોધ વચ્ચે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી હદી, જે પાક. સામેના યુદ્ધમાં કામ આવી હતી. આ સિવાય ભારતીય લશ્કર પાસે હજારથી વધારે ટી-૯૦ ટેન્ક છે જે રશિયા પાસેથી ખરીદવામાં આવ્યા છે.
ભારતીય નૌકાદળની બધી સબમરીનો રશિયા પાસેથી ખરીદવામાં આવી છે. આ ઉપરાંત ભારતે રશિયા સાથે મળીને બ્રહ્મોસ મિસાઇલ પણ વિકસાવ્યું છે. આ ઉપરાંત ભારતે ૨૦૧૯માં ભારતે રશિયા પાસેથી ૭.૫ લાખ એ.કે. ૨૦૩ રાઇફલ ખરીદવાનો સોદો કર્યો, જેમા ૭૦ હજાર જ રશિયાથી આવી. બાકી ભારતમાં બની રહી છે.રશિયા ભારતને ફક્ત શસ્ત્રો પૂરા પાડે છે તેવું નથી, પણ સ્પેરપાર્ટ્સ, મેઇન્ટેનન્સ અને ટેકનોલોજી ટ્રાન્સફર પણ પૂરુ પાડે છે. અમેરિકા ભારતને ટેકનોલોજી ટ્રાન્સફર કરતું નથી. બંને દેશ મળીને બ્રહ્મોસ મિસાઇલ વિકસાવી રહ્યા છે. આ ઉપરાંત ભારત રશિયા પાસેથી મોટાપાયા પર ઓઇલ ખરીદી રહ્યુ છે.
ભારત-અમેરિકા વચ્ચે 186 અબજ ડોલરનો કારોબાર
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ૨૦૨૪-૨૫માં ૧૮૬ અબજ ડોલરનો કારોબાર થયો હતો. ભારતે અમેરિકામાં ૮૬.૫ અબજ ડોલરની નિકાસ કરી હતી અને ૪૫.૩ અબજ ડોલરની આયાત કરી હતી અને ભારતની ટ્રેડ સરપ્લસ ૪૪.૧ અબજ ડોલર હતી. ટ્રમ્પની આ જાહેરાતના લીધે નિકાસકારોને ચોક્કસપણે મોટો ફટકો પડશે. આ સિવાય જ્યાં સુધી પેનલ્ટીની જાહેરાત કરશે નહીં ત્યાં સુધી ખોટના ચોક્કસ આંકડા અંગે કશું કહી ન શકાય. રશિયા-યુક્રેન વચ્ચે લાંબા ,સમયથી ચાલતા સંઘર્ષના કારણે ભારતનો હીરા ઉદ્યોગ આમ પણ મુસીબતોનો સામનો કરી રહ્યો છે. આમ હવે તેને વધુ મોટો ફટકો વાગશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે અમેરિકાના નિર્ણયના કારણે નવા જ પ્રકારની અનિશ્ચિતતા બંને દેશો વચ્ચે સર્જાઈ છે. ઘણા નિષ્ણાતો તેને ટ્રેડ ડીલ કરવા માટે ભારત પર ઊભું કરવામાં આવેલું દબાણ પણ માને છે.