Marijuana Rescheduling: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંજાનો દરજ્જો બદલવાના એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. અત્યાર સુધી ગાંજાને 'શેડ્યૂલ 1' શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો. આ શ્રેણી એવી ખતરનાક વસ્તુઓ માટેની છે, જે ખૂબ નશો કરે, બહુ જોખમી હોય અને તબીબી કામમાં ન આવતી હોય. હવે ગાંજાને 'શેડ્યુલ 3' શ્રેણીમાં ખસેડવામાં આવશે, જેમાં નશાકારક વસ્તુઓનો સમાવેશ થાય છે, પણ એ વસ્તુઓનો કાયદેસર તબીબી ઉપયોગ પણ થતો હોય છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘આ પુનઃવર્ગીકરણથી ગાંજા પર તબીબી સંશોધન કરવું ખૂબ સરળ થઈ જશે. વિજ્ઞાનીઓ હવે ગાંજાના ફાયદા-નુકસાનનો વધુ સરળતાથી અભ્યાસ કરી શકશે.’
દર્દીઓ માટે રાહતરૂપ નિર્ણય
આ નિર્ણયથી સરકારી આરોગ્ય વીમા 'મેડિકેર'માં એક મોટો ફેરફાર થઈ શકે છે. હવે મેડિકેર હેઠળના દર્દીઓને CBD (કેનાબિડિઓલ) ધરાવતી દવાઓ ખરીદવા માટે પૈસાની મદદ (વળતર) મળી શકશે. આ માટે પહેલા એક પ્રયોગાત્મક યોજના શરુ થશે. CBD એ ગાંજાના છોડ(કેનાબિસ સેટિવા)માંથી મળતું એક રસાયણિક સંયોજન છે, જે દર્દ અને સ્ટ્રેસ ઘટાડવા જેવા તબીબી ફાયદા માટે વ્યાપકપણે વપરાય છે.
ગાંજાનો નશો કાયદેસર થશે?
આ આદેશને કારણે ગાંજાને હેરોઇન જેવા ડ્રગ્સ સાથેની શ્રેણીમાંથી કાઢીને કેટામાઇન જેવી શ્રેણીમાં મૂકવામાં આવશે. હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે ભાર દઈને કહ્યું હતું કે, ‘આ આદેશ ગાંજાને કાયદેસર બનાવવાનો નથી. ગાંજાનો ઉપયોગ નશા માટે કરવો, એ ગેરકાયદે જ રહેશે.’ આ આદેશને અમલમાં લાવવા માટે હજુ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન(DEA)ની મંજૂરી અને નિયમ-નિર્માણ પ્રક્રિયા પૂરી કરવી પડશે.
ગાંજાના ધંધાર્થીઓને કેવા લાભ થશે?
1. ટેક્સમાં ઘટાડો થશે: ગાંજાના ધંધાર્થીઓ હવે બીજા બધા ધંધાની જેમ જ સામાન્ય ટેક્સ નિયમો મુજબ ટેક્સ ભરી શકશે, જેથી તેમના પર ટેક્સનો બોજ ઘટશે.
2. બૅંકની સેવાઓ મળશે: ગાંજાના ધંધાર્થીઓને હવે બૅંક ખાતું ખોલવું, લોન લેવી અને ક્રેડિટ કાર્ડ જેવી સેવાઓ સરળતાથી મળી શકશે. અત્યાર સુધી ઘણી બૅંકો આ ધંધા સાથે જોડાવાનું ટાળતી હતી.
અમેરિકન રાષ્ટ્રપતિઓની સત્તા મર્યાદિત હોય છે
અમેરિકાના રાષ્ટ્રપતિઓને કોઈપણ દવાનું વર્ગીકરણ બદલવાની સત્તા હોતી નથી, પરંતુ તેઓ એટર્ની જનરલને DEA(Drug Enforcement Administration)ની ધીમી પ્રશાસનિક પ્રક્રિયા ઝડપી બનાવવા માટેનો નિર્દેશ આપી શકે છે. ટ્રમ્પે આ કિસ્સામાં એ જ કર્યું છે.
શેર બજાર પર અસર પડશે
આ જાહેરાતના પરિણામે ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં કેનાબિસ કંપનીઓ(ગાંજાના છોડમાંથી બનાવેલા ઉત્પાદનોનો ધંધો કરતી કંપનીઓ)ના શેરના ભાવમાં તાત્કાલિક ઉછાળો જોવા મળ્યો હતો. ઓરોરા કેનાબીસ, કેનોપી ગ્રોથ અને ટિલરે જેવી કંપનીઓના શેરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. કેનોપી ગ્રોથના શેર તો લગભગ 90 ટકા વધી ગયા છે.


